18 December, 2025 07:13 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
કારના ઓનર રાજેશ યાદવ, ઈ-ચલાનમાં ગુનાની તારીખ ૨૧ ઑક્ટોબર ૨૦૨૩ની છે અને ચલાન સાથેની ઇમેજમાં ટૂ-વ્હીલર પર બે જણ દેખાય છે.
કાંદિવલીના એક પરિવારે ફેબ્રુઆરી ૨૦૨૫માં નવી કાર ખરીદી હતી. તેમને ટ્રાફિક ડિપાર્ટમેન્ટ દ્વારા ઈ-ચલાન મળ્યું છે. ચોંકાવનારી બાબત એ છે કે એ ઈ-ચલાનમાં તેમણે હેલ્મેટ નહોતી પહેરી એ માટે ફાઇન કરવામાં આવ્યો છે એટલું જ નહીં, એ ગુનો પણ ૨૦૨૩માં નોંધવામાં આવ્યો હોવાનું જણાવાયું હતું.
મલાડની એક સ્કૂલમાં પ્રિન્સિપાલ રાજેશ યાદવને તેમના રજિસ્ટર્ડ મોબાઇલ-નંબર પર ઑક્ટોબર મહિનામાં ટ્રાફિક ડિપાર્ટમેન્ટ દ્વારા ઈ-ચલાન મોકલવામાં આવ્યું હતું. એમાં કહેવાયું હતું કે તેમણે હેલ્મેટ પહેરી ન હોવાથી ૫૦૦ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે. તેમણે જ્યારે એ ઈ-ચલાનની વિગતો બારીકાઈથી તપાસી ત્યારે ખબર પડી કે એ ઈ-ચલાન પર ૨૦૨૩ની ડેટ હતી. તેમણે કાર ખરીદી એના બે વર્ષ પહેલાંની એના પર ડેટ હતી. તેમણે કહ્યું હતું કે એક ક્ષણ માટે તો હું પણ ચોંકી ગયો હતો કે શું હવે કાર-ડ્રાઇવરે પણ હેલ્મેટ પહેરવી પડશે?
તેમણે એ ઈ-ચલાન સાથેની ઇમેજ ઓપન કરીને જોઈ ત્યારે જોયું કે બે જણ ટૂ-વ્હીલર પર હતા અને તેમણે હેલ્મેટ નહોતી પહેરી. એ ઇમેજમાં તેમની કાર નહોતી.
ઈ-ચલાનના આ કેસ બાબતે રાજેશ યાદવે વધુમાં કહ્યું હતું કે ‘અમારા પરિવારે ૨૦૨૫ની ૧૪ ફેબ્રુઆરીએ આ કાર ખરીદી હતી. એ પછી ઑગસ્ટમાં મારી મમ્મીને હું કોસ્ટલ રોડથી બૉમ્બે હૉસ્પિટલ લઈ ગયો હતો. એ પછી એ માટે મને ઓવરસ્પીડિંગનાં બે ઈ-ચલાન મળ્યાં હતાં જે મેં તરત જ ભરી દીધાં હતાં. જોકે હેલ્મેટ ન પહેરવાનું ચલાન મને ઑક્ટોબરમાં મળ્યું હતું જે ખોટું પણ હતું અને એના પરની તારીખ તો મેં કાર રજિસ્ટર કરી એના બે વર્ષ પહેલાંની હતી. હેલ્મેટ ન પહેરવાનો ગુનો કાર સામે કઈ રીતે નોંધી શકાય? એ ચલાન ઇશ્યુ કરીને મોકલનાર ઑફિસરે એટલું તો ચેક કરવું જોઈએ કે એ ચલાન ટૂ-વ્હીલર માટે છે કે પછી કાર માટે?’
રાજેશ યાદવે એ ચલાનની દંડની રકમ ભરી નથી. તેમનું કહેવું છે કે જ્યારે ડિપાર્ટમેન્ટ દ્વારા તેમની પાસે એ માટે ક્લેરિફિકેશન માગવામાં આવશે ત્યારે તેઓ એનો જવાબ આપશે. ટ્રાફિક ડિપાર્ટમેન્ટના એક ઑફિસરે આ વિશે માહિતી આપતાં કહ્યું હતું કે ‘મૂળમાં એ ચલાન ટૂ-વ્હીલરના ડ્રાઇવરને જ ટ્રાફિકના નિયમોનો ભંગ કરવા બદલ ઇશ્યુ કરવામાં આવ્યું હતું, પણ રજિસ્ટ્રેશન-નંબરની સિમિલરિટીને કારણે ભૂલમાં ચલાન રાજેશ યાદવના રજિસ્ટર મોબાઇલ-નંબર પર મોકલી દેવાયું હતું. આ એક હ્યુમન એરર હતી. એ ઈ-ચલાન રજિસ્ટર મોબાઇલ પરથી જ મુંબઈની ટ્રાફિક-પોલીસની MTP ઍપ પર જઈને ગ્રીવન્સિસમાં જઈ કૅન્સલ કરી શકાય છે.’