કોસ્ટલ રોડના કામ માટે ટેમ્પરરી બનાવવામાં આવેલી વરલી જેટી પર હવે હેલિપૅડ બનાવવાની યોજના

06 May, 2025 07:06 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

મુંબઈ કોસ્ટલ રોડ પરના કામ વખતે ઉપયોગી થઈ શકે એવી બે ટેમ્પરરી જેટી બનાવવામાં આવી હતી. એક જેટી અમરસન્સ સામે હતી જે હવે તોડી પાડવામાં આવી છે

વરલી જેટી પર મીડિયમ સાઇઝનું હેલિકૉપ્ટર ઉતારી શકાશે.

વરલી જેટી પર હેલિપૅડ બની શકે કે નહીં એની ચકાસણી કર્યા બાદ એના પર મીડિયમ સાઇઝનું હેલિકૉપ્ટર ઉતારી શકાય એવું જણાતાં હવે આ બાબતે જરૂરી સરકારી મંજૂરીઓ મેળવવા ચક્રો ગતિમાન કરવામાં આવ્યાં છે.

મુંબઈ કોસ્ટલ રોડ પરના કામ વખતે ઉપયોગી થઈ શકે એવી બે ટેમ્પરરી જેટી બનાવવામાં આવી હતી. એક જેટી અમરસન્સ સામે હતી જે હવે તોડી પાડવામાં આવી છે, જ્યારે બીજી જેટી વરલી ડેરી સામે બનાવવામાં આવી હતી. જોકે કોસ્ટલ પોલીસે ડિમાન્ડ કરી હતી કે અમારે સિક્યૉરિટી સ્ટાફ માટે અલાયદી જગ્યાની જરૂર હતી એટલે જો તમે આ જેટી એ માટે ફાળવો તો સારું. એથી એ જેટી તોડી ન પાડતાં એમ ને એમ રાખવામાં આવી હતી.

આ મજબૂત જેટી અને એની સાથે બનાવવામાં આવેલા પ્લૅટફૉર્મને જોતાં એનો ઉપયોગ હેલિપૅડ તરીકે કરી શકાય કે કેમ એવું વિચારીને રાજ્યના ડેપ્યુટી ચીફ મિનિસ્ટર એકનાથ શિંદેએ એની ચકાસણી કરવા સરકારી કંપની પવનહંસ લિમિટેડને એ કામગીરી સોંપી હતી. સ્ટ્રક્ચરલ, લૉજિસ્ટિક અને એન્વાયર્નમેન્ટલ બાબતોની ચકાસણી કરીને આ જગ્યા હેલિપૅડ માટે ડેવલપ કરી શકાશે એમ જણાવવામાં આવ્યું છે.

હેલિપૅડ માટે કેન્દ્ર સરકારના ગૃહખાતાની સુરક્ષા અને પ્રશાસન માટેની ડિરેક્ટર જનરલ ઑૅફ સિવિલ એવિએશન પાસેથી ઍર ટ્રાન્સપોર્ટ સિક્યૉરિટી અને કોસ્ટલ રેગ્યુલેશન ઝોનના નિયમો હેઠળ પર્યવારણ વિભાગની મંજૂરીઓ મેળવવાની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.

worli Mumbai Coastal Road mumbai news mumbai news brihanmumbai municipal corporation