17 April, 2025 12:00 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
મૃતદેહ
પુણે-કર્જત રેલવેલાઇન પર ઠાકરવાડી અને જામરૂંગ સ્ટેશનની વચ્ચે ટ્રૅકની બાજુમાંથી એક નધણિયાતી ગુલાબી રંગની ટ્રૉલી બૅગ ગઈ કાલે સવારે ૯.૩૦ વાગ્યે મળી આવી હતી. રેલવેના કેટલાક ઑફિસરો ટ્રૅકનું ચેકિંગ કરી રહ્યા હતા ત્યારે તેમણે એ બૅગ જોઈ હતી. એ ખોલીને તપાસ કરતાં એમાં મહિલાનો હત્યા કરાયેલો મૃતદેહ હોવાનું જણાઈ આવતાં તરત જ આ બાબતે ગવર્નમેન્ટ રેલવે પોલીસ (GRP)ને જાણ કરવામાં આવી હતી. મહિલાના ચહેરા પર પ્લાસ્ટિકની થેલી વીંટાળેલી હતી અને તેના હાથપગ નાયલૉનની દોરીથી બાંધેલા હોવાનું જણાઈ આવ્યું હતું.
આ કેસ સંદર્ભે હત્યાનો ગુનો નોંધી કેસની વધુ તપાસ ચાલુ કરવામાં આવી છે. GRPને શંકા છે કે એ બૅગ ટ્રેનમાંથી ફગાવાઈ હોવી જોઈએ. એથી લાંબા અંતરની ટ્રેનો જે-જે સ્ટેશન પર ઊભી રહે છે એ રેલવે-સ્ટેશનો પરના ક્લૉઝડ સર્કિટ ટેલિવિઝન (CCTV) કૅમેરાનાં ફુટેજ ચકાસવામાં આવી રહ્યાં છે. આ બૅગ લઈને કોણે કઈ ટ્રેનમાં પ્રવાસ કર્યો હતો એની માહિતી મેળવવાના પ્રયાસ થઈ રહ્યા છે. બૅગમાંથી મળી આવેલી મહિલાએ લાલ રંગનું ટી-શર્ટ અને સફેદ લૅગિંગ પહેર્યું હતું. પોલીસ દ્વારા હવે મહિલાના આ વર્ણનને મળતી આવતી મિસિંગ મહિલાઓની કમ્પ્લેઇન્ટની પણ ચકાસણી કરવામાં આવી રહી છે.