અજિત પવાર વિલીનીકરણનો નિર્ણય અમને જાણ કર્યા વગર લે ખરા? : દેવેન્દ્ર ફડણવીસ

02 February, 2026 07:52 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

દેવેન્દ્ર ફડણવીસે વધુમાં કહ્યું હતું કે ‘અજિત પવારની પાર્ટીએ નિર્ણય લીધો કે સુનેત્રા તાઈએ નેતૃત્વ કરવું એ તેમનો નિર્ણય છે`

અજિત પવારના અસ્થિ-કળશ મુંબઈમાં નૅશનલિસ્ટ કૉન્ગ્રેસ પાર્ટી (NCP)ની ઑફિસમાં લાવવામાં આવ્યા હતા. પૂજાવિધિ બાદ વિવિધ જિલ્લાઓના નેતાઓને આ અસ્થિ-કળશ સોંપવામાં આવ્યા હતા. એ નેતાઓ પોતાના જિલ્લામાં અજિત પવારનાં અસ્થિનું વિસર્જન કરશે.

અજિત પવારના મૃત્યુ પછી શરૂ થયેલી નૅશનલિસ્ટ કૉન્ગ્રેસ પાર્ટી (NCP)ના NCP (SP) સાથેના વિલીનીકરણની ચર્ચાઓ પર મુખ્ય પ્રધાને હવે પ્રતિક્રિયા આપી છે. શું અજિત પવાર ‍BJP સાથે ચર્ચા કર્યા વિના NCPના વિલીનીકરણ અંગે નિર્ણય લે ખરા? દેવેન્દ્ર ફડણવીસે આ પ્રશ્ન પૂછ્યો છે. તેમણે એમ પણ કહ્યું હતું કે જો NCPના વિલીનીકરણની તારીખ નક્કી થઈ ગઈ હોત તો તેમણે અમને કહ્યું હોત. દેવેન્દ્ર ફડણવીસે એમ પણ કહ્યું હતું કે NCPએ વિલીનીકરણ અંગે નિર્ણય લેતાં પહેલાં અમારી સાથે ચર્ચા કરવી જોઈએ.

શરદ પવારનું જૂથ દાવો કરી રહ્યું છે કે અજિત પવાર NCPના વિલીનીકરણ માટે આગ્રહી હતા અને ૧૨ ફેબ્રુઆરીએ એની જાહેરાત કરવાના હતા. આ અંગે પ્રતિક્રિયા આપતાં મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે કહ્યું હતું કે ‘ધારો કે અજિત પવાર NCPના વિલીનીકરણ અંગે નિર્ણય લઈ રહ્યા હતા તો શું તેઓ BJP સાથે ચર્ચા કર્યા વિના એ લે ખરા? જો ચર્ચાઓ અંતિમ તબક્કામાં પહોંચી ગઈ હોત અને જો તારીખ નક્કી થઈ ગઈ હોત તો તેમણે અમને કહ્યું હોત. અમને આવી કોઈ તારીખની જાણ નથી. NCPએ આવો કોઈ નિર્ણય લેતાં પહેલાં અમારી સાથે ચર્ચા કરવી જોઈએ.’
જો અજિત પવાર આ અંગે ચર્ચા કરી રહ્યા છે તો શું તેઓ સરકારમાંથી બહાર નીકળવા માટે આવું કરી રહ્યા હતા? એમ જણાવીને દેવેન્દ્ર ફડણવીસે કહ્યું હતું કે ‘હું ઘણી વાતો કહી શકું છું, પણ હું એના વિશે વાત કરવા માગતો નથી. અજિત પવાર અને હું બે કલાક સુધી વાત કરી રહ્યા હતા. તેમણે મને કોઈ માહિતી આપી નહોતી.’ 

દેવેન્દ્ર ફડણવીસે વધુમાં કહ્યું હતું કે ‘અજિત પવારની પાર્ટીએ નિર્ણય લીધો કે સુનેત્રા તાઈએ નેતૃત્વ કરવું એ તેમનો નિર્ણય છે. NCP દ્વારા લેવામાં આવેલા નિર્ણય પર અડગ રહેવું એ અમારું કામ છે.’

વિલીનીકરણ પર ચર્ચાનો શરદ પવાર જૂથનો દાવો

અજિત પવાર ઇચ્છતા હતા કે બન્ને NCPનો વિલય થાય એમ જણાવીને શરદ પવાર જૂથના નેતાએ દાવો કર્યો હતો કે આ માટેની ચર્ચા અંતિમ તબક્કામાં પહોંચી ગઈ છે. શરદ પવારે પોતે પણ આ જ દાવો કર્યો છે. હવે શરદ પવાર જૂથના પ્રદેશ પ્રમુખ શશિકાંત શિંદેએ દેવેન્દ્ર ફડણવીસના નિવેદન પર પ્રતિક્રિયા આપી હતી. તેમણે કહ્યું હતું કે ‘હું અજિત પવારના સોગન લઉં છું. બન્ને NCPના વિલીનીકરણ અંગે ચર્ચા થઈ હતી. ૧૨ ફેબ્રુઆરીએ એક બેઠક યોજાવાની હતી અને નિર્ણય લેવાવાનો હતો.’

mumbai news mumbai ajit pawar nationalist congress party devendra fadnavis political news maharashtra political crisis sunetra pawar