03 February, 2026 07:14 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
સુનીલ તટકરે
નૅશનલિસ્ટ કૉન્ગ્રેસ પાર્ટી (NCP)ના સંસદસભ્ય સુનીલ તટકરેએ સોમવારે કહ્યું હતું કે સ્વર્ગસ્થ અજિત પવારના નેતૃત્વ હેઠળ પાર્ટીએ સામૂહિક રીતે ભારતીય જનતા પાર્ટી (BJP)ના નેતૃત્વ હેઠળના નૅશનલ ડેમોક્રૅટિક અલાયન્સ (NDA)માં જોડાવાનો નિર્ણય લીધો હતો અને એ ત્યાં જ રહેશે, જ્યારે બે NCPના વિલયની વાત કરનારાઓએ સ્પષ્ટ કરવું જોઈએ કે તેઓ આ માટે સંમત છે કે નહીં.
મહારાષ્ટ્રના સાતારા જિલ્લાના કરાડમાં પત્રકારોને સુનીલ તટકરેએ જણાવ્યું હતું કે કયો પક્ષ કયા પક્ષમાં ભળી જવાનો હતો એ વિશે સ્પષ્ટતા હોવી જોઈએ. મહારાષ્ટ્રના નવનિયુક્ત ડેપ્યુટી ચીફ મિનિસ્ટર અને NCPનાં નેતા સુનેત્રા પવાર સાથે કરાડમાં રાજ્યના પ્રથમ મુખ્ય પ્રધાન વાય. બી. ચવાણના સ્મારક પર તેમણે શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.
પુણે જિલ્લાના બારામતીમાં વિમાન-દુર્ઘટનામાં તેમના પતિ અને નાયબ મુખ્ય પ્રધાન અજિત પવારનું મૃત્યુ થયાના ત્રણ દિવસ પછી સુનેત્રા પવારે શનિવારે નાયબ મુખ્ય પ્રધાન તરીકે શપથ લીધા હતા. શપથ લેતાં પહેલાં મુંબઈમાં યોજાયેલી બેઠક દરમ્યાન તેમને NCPના વિધાનસભા પક્ષનાં નેતા તરીકે ચૂંટવામાં આવ્યાં હતાં.
બન્ને NCPના પ્રસ્તાવિત વિલીનીકરણના વિરોધ વિશેના પ્રશ્નના જવાબમાં સુનીલ તટકરેએ કહ્યું કે આ મુદ્દા પર તેમનો અથવા પાર્ટીના સંસદસભ્ય પ્રફુલ્લ પટેલનો અલગ અભિપ્રાય હોવાનો કોઈ પ્રશ્ન જ નથી. તેમણે કહ્યું હતું કે ‘અજિતદાદાના નેતૃત્વમાં અમે BJPની આગેવાની હેઠળના NDAમાં જોડાવાનો સામૂહિક નિર્ણય લીધો હતો અને રાજ્યના લોકોએ વિધાનસભાની ચૂંટણીમાં અજિતદાદાના નિર્ણય પર પોતાની મંજૂરીની મહોર લગાવી દીધી છે. જે લોકો વિલીનીકરણની વાત કરે છે તેમણે જવાબ આપવો જોઈએ કે શું તેઓ આની સાથે સંમત છે. NCP વિધાનસભા પક્ષ નવા નેતાની નિમણૂક કરવાના પોતાના નિર્ણય લેવા માટે પૂરતો મજબૂત છે.’
NCP (SP)ના શરદ પવાર સહિતના નેતાઓએ દાવો કર્યો છે કે વિલીનીકરણની વાટાઘાટો ફાઇનલ તબક્કામાં છે અને અજિત પવારે ૧૨ ફેબ્રુઆરીએ NCPનાં જૂથો વચ્ચે વિલીનીકરણની જાહેરાત કરવા માટે અંતિમ નિર્ણય લીધો હતો. મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે રવિવારે કહ્યું કે જો એવું હોત તો અજિત પવારે મારી સાથે વિગતો શૅર કરી હોત.