દર્શન સોલંકીના મૃત્યુની તપાસ ક્યારે પૂરી થશે?

19 March, 2023 08:14 AM IST  |  Mumbai | Bakulesh Trivedi

તેના પરિવારને હજી પોસ્ટમૉર્ટમનો રિપોર્ટ, પંચનામાની કૉપી જેવા દસ્તાવેજો અપાયા નથી : પોલીસ કહે છે કે તપાસ માટે કોઈ ટાઇમ-લિમિટ નથી

દર્શન સોલંકી

આખા દેશમાં ચર્ચાસ્પદ એવા આઇઆઇટી - બૉમ્બેમાં બીટેક (કેમિકલ)ના પહેલા વર્ષમાં અભ્યાસ કરવા અમદાવાદથી પવઈ આવેલા દર્શન સોલંકીના ૧૨ ફેબ્રુઆરીએ થયેલા અપમૃત્યુને પાંચ અઠવાડિયાંનો સમય વીતી ગયો છે, પણ હજી સુધી પોલીસે તેના પરિવારને બેઝિક કહી શકાય એવા દસ્તાવેજો જેમ કે પોસ્ટમૉર્ટમનો રિપોર્ટ કે પછી પંચનામાની કૉપી આપ્યાં નથી. દર્શનના પરિવારનું પહેલેથી જ કહેવું છે કે દર્શનનું મૃત્યુ શંકાસ્પદ છે એટલે એ બાબતે તપાસ થવી જોઈએ, કારણ કે એ સુસાઇડ નથી લાગી રહ્યું. એટલું જ નહીં, તેની સાથે કાસ્ટ ડિસ્ક્રિમિનેશન (જાતીય ભેદભાવ) થતું હતું એવું પણ તેની બહેન કહ્યું છે અને એથી એ સુસાઇડ નથી પણ હત્યા કરવામાં આવી છે અથવા તેને આત્મહત્યા કરવા પ્રેરિત કરાયો છે એવી પાકી શંકા છે. એથી તેમણે આ બાબતે પવઈ પોલીસ સ્ટેશનમાં એફઆઇઆર નોંધવા ફરિયાદ કરી છે. જોકે પવઈ પોલીસે આ સંદર્ભે હાલ એફઆઇઆર ન નોંધતાં એ ફરિયાદ કેસની તપાસ કરી રહેલી સ્પેશ્યલ ઇન્વેસ્ટિગેશન ટીમ (એસઆઇટી)ને સોંપી દીધી છે.

આ બાબતે પવઈ પોલીસ સ્ટેશનના સિનિયર પોલીસ ઇન્સ્પેક્ટર બુધન સાવંતે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘અમે અમારા તરફથી બધા જ ડૉક્યુમેન્ટ્સ કેસની તપાસ કરી રહેલી એસઆઇટીને આપી દીધા છે. લૅપટૉપ અને ફોન પણ ચકાસણીમાં લેવાયાં છે અને એ આગળ આપવામાં આવ્યાં છે. દર્શનના પિતાએ અમને આ કેસમાં એફઆઇઆર નોંધવાની અરજી આપી એ ખરું, પણ કેસની તપાસ એસઆઇટી કરી રહી હોવાથી એ અરજી અમે તેમને ફૉર્વર્ડ કરી છે. એ લોકો જે પ્રમાણે કહેશે એ પ્રમાણે આગળ કાર્યવાહી થશે. કેસની ઓવરઑલ તપાસ હવે એસઆઇટી જ કરી રહી છે.’

એસઆઇટીના વડા જૉઇન્ટ પોલીસ કમિશનર (ક્રાઇમ) લખમી ગૌતમે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘રાજ્ય સરકારે જીઆર બહાર પાડીને એસઆઇટીની રચના કરવાનો આદેશ આપ્યો છે. જોકે એમાં કોઈ ટાઇમ-લિમિટ નથી રખાઈ. જોકે અમે પણ બની શકે એટલી જલદી આ કેસની તપાસ પૂરી કરવા માગીએ છીએ.’

જોકે એમ છતાં અનેક બાબતો આ કેસમાં શંકાસ્પદ રહી છે. આઇઆઇટીની ઇન્ટરનલ કમિટીએ તો સ્પષ્ટ જ કહી દીધું હતું કે અમારે ત્યાં જાતીય ભેદભાવ થતો જ નથી અને બીજું, દર્શને સુસાઇડ કર્યું છે. જો એમ જ હોય તો પોસ્ટમૉર્ટમનો રિપોર્ટ કેમ પરિવારને નથી આપવામાં આવતો? દર્શનના પિતા રમેશ સોલંકી શરૂઆતથી કહેતા આવ્યા છે કે દર્શનને માત્ર માથામાં પાછળની તરફ ઈજા થયેલી જોવા મળી છે, બાકી તેના શરીર પર ક્યાંય ઈજાનાં ચિહનો નથી. જો કોઈ સાતમા માળેથી પડે તો તેના શરીર પર ઘણીબધી ઈજા થાય, જે દેખાતી નથી. એથી કોઈએ તેની હત્યા કરી તેના મૃતદેહને ત્યાં ગોઠવી દીધો હોય એવું લાગે છે. જો પોલીસ દ્વારા પંચનામું કરાયું હોય તો તે કઈ રીતે પડ્યો હતો, ઈજા ક્યાં-ક્યાં થઈ હતી, દીવાલથી કેટલે દૂર હતો જેવાં ઘણાંબધાં પાંસાઓનું આમાં મહત્ત્વ હોય છે અને એનાં સાયન્ટિફિક તારણો પણ હોય છે જે કેસ સૉલ્વ કરવામાં મહત્ત્વની ભૂમિકા ભજવતાં હોય છે. એથી અનેક સવાલો આ કેસ સાથે જોડાયેલા છે. એસઆઇટી હવે એનો રિપોર્ટ ક્યારે આપે છે અને શું દાખલ કરે છે એના પર દેશની નજર છે. 

mumbai mumbai news iit bombay bakulesh trivedi