વૉટ્સઍપ પર ‘દુકાન’

26 July, 2023 07:40 AM IST  |  Mumbai | Bakulesh Trivedi

વૉટ્સઍપની મૂળ કંપની મેટા નાના વેપારીઓ સાથે સહયોગ કરીને તેમને આધુનિક પ્લૅટફૉર્મ પૂરું પાડશે અને ‘દુકાન’ નામના પોર્ટલ પર તેમનો માલ વેચી શકે એવી ગોઠવણ કરવામાં આવશે

કૉન્ફરન્સમાં મેટાના હાલના પ્રેસિડન્ટ (ગ્લોબલ અફેર) નિક ક્લેગ ભાગ લેનાર કેઇટનાં સભ્યો સાથે.


મુંબઈ ઃ જાયન્ટ કંપનીઓ દ્વારા કરાતાં ઑનલાઇન માર્કેટિંગની સાથે સ્પર્ધા કરવી નાના દુકાનદારો માટે મુશ્કેલ છે, પણ સમયનો તકાજો જોતાં હવે તેમણે પણ આધુનિક થઈને સમય સાથે કદમ મિલાવવા પડે એમ છે અને એટલે જ તેઓ પણ હવે સંગઠન બનાવીને ઑનલાઇન માર્કેટિંગ કરવાના પ્રયાસ કરી રહ્યા છે. એવું નથી કે આ પહેલાં આવા પ્રયાસ નથી થયા, પણ આ વખતે તેમને હવે વૉટ્સઍપનો સાથ મળ્યો છે. વૉટ્સઍપની મૂળ કંપની મેટા હવે તેમની સાથે સહયોગ કરી એક આધુનિક પ્લૅટફૉર્મ પૂરું પાડવાની છે અને નાના વેપારીઓ ‘દુકાન’ નામના પોર્ટલ પર તેમનો માલ વેચી શકે એવી ગોઠવણ થઈ રહી છે. કૉન્ફેડરેશન ઑફ ઑલ ઇન્ડિયા ટ્રેડર્સ (કેઇટ) અને મેટા વચ્ચે આ માટે સમજૂતી થઈ છે. 
મુંબઈ દેશની આર્થિક રાજધાની ગણાતી હોવાથી કેઇટ દ્વારા બીકેસીમાં સોમવારે આ સંદર્ભે એક કૉન્ફરન્સનું આયોજન કરાયું હતું, જેમાં મેટાના હાલના પ્રેસિડન્ટ (ગ્લોબલ અફેર) નિક ક્લેગ હાજર રહ્યા હતા. કેઇટ અને મેટાએ વૉટ્સઍપ બિઝનેસ ઍપના માધ્યમથી એક કરોડ વેપારીઓને આ ડિજિટલ વેપાર સાથે સાંકળી લેવાનું નક્કી કર્યું છે. એ અંતર્ગત ૧૭ શહેરના ૧૦ લાખ વેપારીઓ, દુકાનદારો, લઘુ ઉદ્યોગકારોને આ માટેની ટ્રેઇનિંગ આપીને તેમના દ્વારા દેશનાં ૨૯ રાજ્યોના એક કરોડ દુકાનદારો-વેપારીઓ સુધી એની જાણકારી પહોંચાડાશે. વળી આ ટ્રેઇનિંગ દેશની ૧૧ ભાષામાં આપવામાં આવશે. આ ટ્રેઇનિંગમાં તેમને વૉટ્સઍપની બિઝનેસ ઍપ ‘દુકાન’ પર કઈ રીતે વેપાર કરવો, કઈ રીતે પોતાનું કૅટલૉગ અપલોડ કરવું, કઈ રીતે ક્લિક કરીને ઑર્ડર મેળવવો વગેરેની ટ્રેઇનિંગ આપવામાં આવશે, જેથી તેમને પણ બિઝનેસ મળી શકે અને તેઓ ‘દુકાન’ના માધ્યમથી પોતાનો વેપાર વધારી શકે.
 આ વિશે વધુ માહિતી આપતાં એ મીટિંગમાં હાજર રહેનાર ગ્રોમા (ગ્રેઇન, રાઇસ ઍન્ડ  ઓઇલસીડ્સ મર્ચન્ટ્સ અસોસિએશસ)ના સેક્રેટરી ભીમજી ભાનુશાલીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘ઑનલાઇન કંપનીઓ સામે નાના વેપારીઓ અને દુકાનદારો પણ હવે ઑનલાઇન વેપાર કરી શકે એ માટેના આ પ્રયાસ છે. આ પહેલાં પણ કેઇટ દ્વારા ‘સ્વદેશી’ પોર્ટલ ચાલુ કરાયું હતું, પણ એને બહુ સફળતા મળી નહોતી. જોકે હવે વૉ્ટસઍપને માધ્યમ બનાવાયું હોવાથી સફળતા મળે એવી પૂરી શક્યતા છે. એનું મુખ્ય કારણ એ કે વૉટ્સઍપ હવે ઘર-ઘરમાં પહોંચી ગયું છે અને મોટા ભાગના લોકોને એ વાપરવાની ફાવટ છે. એથી જો એના પર ‘દુકાન’ ચાલુ કરાય તો દેખીતી રીતે વેપારીઓ એનો વધુ સારો ઉપયોગ કરી શકે. એના કારણે બિઝનેસ પણ વધે અને લોકોને પણ સારો વિકલ્પ મળી શકે. સોમવારની મીટિંગમાં મુંબઈ સહિત આસપાસના વિસ્તારોમાંનાં મોટા વેપારી મંડળો અને સંસ્થાના પ્રતિનિધિઓ હાજર રહ્યાં હતાં અને તેમણે પણ સારોએવો ઉત્સાહ બતાવ્યો હતો. જો નાના દુકાનદારો પણ પોતાનો માલ ‘દુકાન’ પર વેચતા થશે તો તેમના માટે પણ મોટી માર્કેટનાં દ્વાર ખૂલી જશે. આશા છે વૉ્ટસઍપના સહકાર સાથેનો આ પ્રોજેક્ટ સફળ થશે.’ 
આ કૉન્ફરન્સમાં નિક ક્લેગે કહ્યું હતું કે ‘ભારત ડિજિટલ ક્રાંતિનો અનુભવ કરી રહ્યું છે. ભારતના નાના વેપારીઓ પણ હવે વૉટ્સઍપની ટેક્નૉલૉજી અપનાવી રહ્યા છે. અમે તેમને તેમના નાના વ્યવસાયને આગળ ધપાવવા મદદ કરવા માગીએ છીએ અને સાથે ભારતની ટેક્નૉલૉજીના કેન્દ્રમાં રહેવા માગીએ છીએ.’ 

mumbai news social networking site whatsapp