કાંદિવલીનો કિલર રોડ હવે છે ઝીરો ઍક્સિડન્ટ સ્પૉટ

21 April, 2023 09:41 AM IST  |  Mumbai | Shirish Vaktania, Samiullah Khan

સમતાનગર પાસે વેસ્ટર્ન એક્સપ્રેસ હાઇવે પર સિમેન્ટ અને ડામરના રોડને જુદા કરવા માટે બનાવેલા ડિવાઇડર વચ્ચેનું ત્રણથી ચાર ઇંચ કરતાં વધારે અંતર કેટલાય અકસ્માતનું કારણ બન્યું હતું: ઊંચા-નીચા રોડમાં ચાર જણના જીવ ગયા પછી એમએમઆરડીએ દ્વારા એનું લેવલિંગ કરાયું

કાંદિવલીમાં સમતાનગર પાસેના આ કિલર રોડનું હવે લેવલિંગ કરાયું છે (તસવીર : નિમેશ દવે)

કાંદિવલીમાં આકુર્લી રોડ, સમતાનગર ખાતેના વેસ્ટર્ન એક્સપ્રેસ હાઇવે પરના સૌથી જોખમી ઍક્સિડન્ટ સ્પૉટ્સમાંના એકને ઠીક કરવામાં સત્તાવાળાઓ એટલો વિલંબ કર્યો કે એ સ્થળ પર ચાર જણે જીવ ગુમાવવો પડ્યો હતો.

આ હાઇવે પરના સિમેન્ટ અને ડામરના રોડને જુદા કરવા માટે બનાવેલા ડિવાઇડર વચ્ચેનું ત્રણથી ચાર ઇંચ કરતાં વધારે અંતર કેટલાય અકસ્માતનું કારણ બન્યું હતું. દિવસે નાનાં વાહનો તો રાતના ટ્રક અને કન્ટેનર જેવાં હેવી વેહિકલ્સ અકસ્માતનો શિકાર બન્યાં છે.

રોડની દક્ષિણ બાજુએ ૨૦૧૭થી અત્યાર સુધીમાં બે વ્યક્તિનાં મૃત્યુ થયાં છે. આ ઉપરાંત ઈજા થવી, વાહનને નુકસાન થવું જેવા આર્થિક નુકસાનનું પ્રમાણ ઘણું વધારે છે. એ જ રીતે ઉત્તર બાજુએ બે લોકોનાં મૃત્યુ સ્થળ પર જ થયાં હતાં. ત્યાં બ્રિજ લંબાવવામાં આવ્યો છે, પરંતુ ડિવાઇડરની હાલત ત્યાં પણ ખરાબ હતી.

૨૦૧૭માં કાંદિવલીમાં રહેતા ૨૫ વર્ષના સિદ્ધેશ વેંગુર્લેકરનું ઘટનાસ્થળે મૃત્યુ થયું હતું. તેણે અસમાન રસ્તાને કારણે નિયંત્રણ ગુમાવ્યું હતું. સિદ્ધેશ ઓફિસ જઈ રહ્યો હતો ત્યારે તેની બાઈક ડિવાઈડર સાથે અથડાઈ હતી. સિદ્ધેશના ક્લોઝ ફ્રેન્ડ જય વ્યાસે કહ્યું હતું કે, હું રોજ આ રસ્તે જ ઓફિસ જતો હતો. અમે બહુ સાચવીને અહીંથી પસાર થતા. આ સ્પોટ પર ચાર-પાંચ લોકોના જીવ ગયા છે. એમએમઆરડીએ આ નિર્ણય પહેલા લેવો જોઈતો. રોડના માળખામાં ભૂલને કારણે અમે અમારા ફ્રેન્ડને ગુમાવ્યો હતો.

મીરા રોડમાં રહેતા સાદ તીરંદાઝ અને બિલાલ અન્સારીએ ઉત્તર બાજુ પોતાનો જીવ ગુમાવ્યો હતો, જ્યાં પહેલાં પેવર બ્લૉકનાં મોટાં ડિવાઇડર હતાં.

રોડને લેવલ કરવાનું કામ પૂરું થયા બાદ બીએમસીએ મંગળવારે આ હાઇવેને સાઉથ બાઉન્ડ સાઇડથી લોકો માટે ખુલ્લો મૂક્યો હતો. એમએમઆરડીએએ નૉર્થબાઉન્ડ રોડ હાઇવે પરથી પેવર બ્લૉક્સ પણ હટાવી દીધા છે અને રોડને લેવલ કરવાનું કામ પ્રક્રિયા હેઠળ છે. આ પૅચ પણ અંતિમ તબક્કામાં છે અને આગામી થોડાં અઠવાડિયાંમાં રસ્તો બીજી બાજુ જેટલો સરળ બની જશે.
એમએમઆરડીએના જણાવ્યા અનુસાર સમતાનગર ફ્લાયઓવરસ્થિત આ સૌથી મોટો ઍક્સિડન્ટ-સ્પૉટ હતો. એની હેઠળ બે સબવે છે. આ સબવેને કારણે રોડની ઊંચાઈ ઘણી નાની હતી.

ફ્લાયઓવરની ઊંચાઈ વધાર્યા બાદ એમાં વધારો કરવામાં આવ્યો હતો. આ સબવેની નીચી ઊંચાઈને કારણે સમગ્ર બ્રિજનું માળખું ખામીભરેલું થઈ ગયું હતું. અગાઉના સત્તાવાળાઓએ ચર્ચગેટ બાજુએ બ્રિજની બે લેન ઊંચાઈ સાથે અને બે લેન ઢોળાવ સાથે બનાવવાનું નક્કી કર્યું હતું. આ ભૂલને કારણે ભૂતકાળમાં અનેક અકસ્માતો થયા છે. આ રોડ પણ લેવલમાં નહોતો અને બે લેન પુલના ભાગમાં અને બે લેન ડાઉન સાઇડમાં ફેરવાય છે. આ પૅચ પર ઘણી જગ્યાએ પેવર બ્લૉક્સ લગાવવામાં આવ્યા હતા જેના કારણે અકસ્માતો થતા હતા.

હવે એમએમઆરડીએએ આ અકસ્માત-સ્થળને કાયમ માટે હટાવી દીધું છે અને પુલની ઊંચાઈ પણ વધારી દીધી છે. એમએમઆરડીએએ રસ્તાઓ અને તમામ ગૅપ વચ્ચેનાં ડિવાઇડર પણ હટાવ્યાં હતાં. આ આખી લેન હવે સમાન લેવલની છે અને આ રસ્તામાં કોઈ ઉતાર-ચડાવ નથી. હવે આ લેન ઝીરો ઍક્સિડન્ટ-સ્પૉટ છે.

૬ ફેબ્રુઆરી ૨૦૧૮ના રોજ સિદ્ધેશ વેંગુર્લેકર પવઈ તેની ઑફિસ જઈ રહ્યો હતો ત્યારે તેની બાઇક આ બ્રિજ પર ડિવાઇડર સાથે અથડાઈ હતી અને તેનું ઘટનાસ્થળે જ મૃત્યુ થયું હતું.

૨૦૧૭ની ૨૭ માર્ચે સાંજે આશરે ૫.૩૦ વાગ્યે વીસ વર્ષની આસપાસના રિઝવી કૉલેજમાં હોટેલ મૅનેજમેન્ટનો અભ્યાસ કરતા બે યુવાન બિલાલ અન્સારી અને સાદ તીરંદાઝનાં આ જ જગ્યાએ મૃત્યુ થયાં હતાં. બંને બાઇક પર મીરા રોડ ઘરે પાછા ફરી રહ્યા હતા. પરિવારજનોએ દાવો કર્યો હતો કે તેઓ અકસ્માતનો ભોગ બન્યા પછી કોઈએ તેમની મદદ કરી નહોતી અને હૉસ્પિટલમાં મોડા પહોંચવાને કારણે તેમનાં મૃત્યુ થયાં હતાં.

આ રોડ પરના અકસ્માતમાં ભોગ બનનાર ચોથી વ્યક્તિનું નામ કમલેશ યાદવ (૨૫ વર્ષ) છે. તેનું ૬ જાન્યુઆરી ૨૦૨૦ના રોજ સમતાનગર ફ્લાયઓવર પર બાઇક સ્લિપ થવાથી મૃત્યુ થયું હતું.

mumbai mumbai news western express highway kandivli samiullah khan shirish vaktania