ફરી બે દિવસ ગાજવીજ સાથે વરસાદની આગાહી

09 May, 2023 08:49 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

‘મોચા’ સાઇક્લોનને પગલે હવામાનમાં બદલાવ થવાને લીધે મેઘરાજા વરસવાની શક્યતા

ફાઇલ તસવીર

પશ્ચિમ બંગાળની સાથે ઓડિસા અને આંધ્ર પ્રદેશમાં આગામી ચારેક દિવસમાં મોચા સાઇક્લોન ત્રાટકવાની શક્યતા છે, જેને પગલે મુંબઈ અને આસપાસના વિસ્તારમાં બે દિવસ ગાજવીજ સાથે હળવો વરસાદ થવાની આગાહી હવામાન વિભાગે કરી છે. જોકે વરસાદ બાદ મુંબઈમાં તાપમાનમાં વધારો થવાની સાથે બફારો અનુભવાઈ શકે છે.

હવામાન વિભાગની માહિતી મુજબ મોચા સાઇક્લોનની અસર મુંબઈ અને આસપાસના વિસ્તારમાં આગામી બે દિવસ જોવા મળશે. આજે અને આવતી કાલે મુંબઈની સાથે નવી મુંબઈ અને થાણેના કેટલાક વિસ્તારમાં હળવા વરસાદની શક્યતા છે. આથી તાપમાનમાં ઘટાડો થશે અને લોકોને ગરમીથી રાહત મળશે.

જોકે મોચા સાઇક્લોનની અસર ઓછી થયા બાદ મુંબઈ અને આસપાસના વિસ્તારમાં તાપમાનમાં વધારો થશે. ગઈ કાલે સાંતાક્રુઝ અને કોલાબામાં અનુક્રમે ૩૨.૯ અને ૩૨.૬ ડિગ્રી તાપમાન નોંધાયું હતું. મે મહિનામાં સામાન્ય રીતે ૩૫થી ૩૭ ડિગ્રી તાપમાન રહે છે, પરંતુ અત્યારે કમોસમી વરસાદ અને મોચા સાઇક્લોનને લીધે તાપમાનમાં ઘટાડો નોંધાઈ રહ્યો છે.

મોચા સાઇક્લોન આગામી બે દિવસમાં વધુ તીવ્ર બનશે એટલે દેશના પૂર્વમાં આવેલા મધ્ય પ્રદેશ, છત્તીસગઢ, ઓડિશા, બિહાર, ઝારખંડ અને પૂર્વ ઉત્તર પ્રદેશમાં આગામી ચાર દિવસ સુધી આંધી-તોફાન સાથે ભારે વરસાદ પડી શકે છે. હવામાન વિભાગે પહેલેથી અલર્ટ જારી કરી છે અને સાઇક્લોનની તીવ્રતા પર નજર રાખવામાં આવી રહી છે. હજી થોડા દિવસ પહેલાં જ શહેરમાં વરસાદનાં ઝાપટાં પડ્યાં હતાં. 

mumbai mumbai news mumbai rains mumbai monsoon mumbai weather Weather Update