રાજ્યને થયેલું ઇન્ફેક્શન દૂર કરવાનું કામ અમે કર્યું

01 January, 2023 08:20 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

એનસીપીના ચીફ શરદ પવારે સરકારની ટીકા કરી એની સામે નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે આપ્યો જવાબ

ફાઇલ તસવીર

મુંબઈ: એનસીપીના ચીફ શરદ પવારે ગઈ કાલે રાજ્ય સરકારની ટીકા કરતાં કહ્યું હતું કે સંજય રાઉત અને અનિલ દેશમુખને જામીન આપતી વખતે કોર્ટે જે નિષ્કર્ષ કાઢ્યો હતો એના પરથી જણાઈ આવે છે કે સત્તાધારીઓ દ્વારા સત્તાનો દુરુપયોગ થઈ રહ્યો છે. એના જવાબમાં નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે કહ્યું હતું કે ‘શરદ પવાર કોઈ પણ નેરેટિવ સેટ ન કરે. આમ કરતાં પહેલાં તેમણે અનિલ દેશમુખને જામીન આપતી વખતે કોર્ટે જે આદેશ આપ્યો છે એ વાંચવો જોઈએ.’

શરદ પવારે ગઈ કાલે વર્ષના છેલ્લા દિવસે એકનાથ શિંદેની આગેવાનીની રાજ્ય સરકારની ટીકા કરતાં કહ્યું હતું કે આ સરકાર વિરોધીઓને બોલવા નથી દેતી અને સંજય રાઉત તેમ જ અનિલ દેશમુખને જેલમાં નાખવા માટે સત્તાનો દુરુપયોગ કરી રહી છે. શરદ પવારને નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે જવાબ આપતાં કહ્યું હતું કે ‘શરદ પવાર અનિલ દેશમુખને કોર્ટે છોડ્યા હોવાનું કહી રહ્યા છે એ સાચું નથી. કોર્ટે તેમને કયા આધારે જામીન આપ્યા છે એ પવારસાહેબે વાંચવું જોઈએ. અનિલ દેશમુખનો છુટકારો નથી થયો. તેઓ માત્ર જામીન પર જેલની બહાર આવ્યા છે. આ વર્ષમાં રાજ્યમાં લાગેલા ઇન્ફેક્શનને સરકારે દૂર કર્યું છે. આથી રાજ્યમાં શાસન-પ્રશાસન સુદૃઢ થયાં છે. ૨૦૨૩માં રાજ્યને વિકાસના પંથે ઝડપથી લઈ જવાનું કામ અમે કરીશું.’

વિરોધ પક્ષના નેતા અજિત પવારે સંભાજી મહારાજ ધર્મવીર નહોતા પણ સ્વરાજ્ય રક્ષક હતા એવું જે કહ્યું છે એનો બીજેપી દ્વારા જોરદાર વિરોધ થઈ રહ્યો છે અને તેમને રાજીનામું આપવાની માગણી કરાઈ રહી છે. આ વિશે દેવેન્દ્ર ફડણવીસે કહ્યું હતું કે ‘ખરા અર્થમાં છત્રપતિ સંભાજી મહારાજે ધર્મનું રક્ષણ કર્યું. રાષ્ટ્રધર્મ, સ્વધર્મ અને હિન્દુ ધર્મ... ત્રણેયનું રક્ષણ તેમણે કરેલું. ઔરંગઝેબ સંભાજી મહારાજને ધર્માંતરણ કરવાનું કહેતો હતો, પરંતુ તેને શરણે જવાને બદલે મહારાજે મૃત્યુ પસંદ કર્યું હતું. તેમણે સ્વદેશ, સ્વભૂમિ અને સ્વધર્મ માટે બલિદાન આપ્યું હતું. તેમના શરીરના ટુકડા કરવામાં આવ્યા હતા તો પણ તેમણે હિન્દુ ધર્મનો ત્યાગ નહોતો કર્યો. આથી તેઓ ધર્મવીર જ હતા.’

...તો મહારાષ્ટ્ર સળગશે

વિરોધ પક્ષના નેતા અજિત પવારે છત્રપતિ સંભાજી મહારાજને ધર્મવીર નહીં પણ સ્વરાજ્ય રક્ષક ગણાવવા બદલ એકનાથ શિંદે જૂથના નેતા શંભુરાજ દેસાઈએ ગઈ કાલે કહ્યું હતું કે ‘સંભાજી મહારાજે ધર્મના રક્ષણ માટે બલિદાન આપ્યું હોવાથી તેમને ધર્મવીર કહેવામાં આવ્યા છે. આ વાત જગજાહેર છે. આથી અજિત પવાર આ વિશે આગળ પણ બોલવાનું ચાલુ રાખશે તો એનાં ભયંકર પરિણામો આવશે અને રાજ્ય સળગશે. અમને પણ આવી ઘણી બાબતો બોલતાં આવડે છે, પણ અમે રાજ્યને આગળ લઈ જવા માટેનાં કામ કરવા માગીએ છીએ એટલે આવા વિવાદથી અત્યારે દૂર રહેવા માગીએ છીએ.’

બિલ માગતાં સંજય શિરસાટના પુત્રે ધમકી આપી

એકનાથ શિંદે જૂથના વિધાનસભ્ય સંજય શિરસાટના પુત્રે બર્થ-ડે પાર્ટીના આયોજન બાદ કેટરિંગવાળાને બિલ આપવાને બદલે ધમકાવ્યો હોવાની ઑડિયો ક્લિપ ગઈ કાલે વાઇરલ થઈ હતી. સંજય શિરસાટે ૨૦૧૭માં પુત્ર સિદ્ધાંતના બર્થ-ડેની પાર્ટીનું આયોજન કર્યું હતું. આ માટે કેટરિંગનું બિલ સાડાચાર લાખ રૂપિયા થયું હતું. સંજય શિરસાટે આ બિલમાંથી મોટા ભાગના રૂપિયા ચૂકવી દીધા હતા, પરંતુ હજી પણ ૪૦ હજાર રૂપિયા બાકી છે. આથી કેટરિંગવાળાએ આ રકમની માગણી કરી હતી ત્યારે શ્રીકાંત શિરસાટે તેને ધમકાવ્યો હોવાની ઑડિયો ક્લિપ વાઇરલ થઈ છે.

નવા વર્ષમાં પાંચ નેતા કિરીટ સોમૈયાના નિશાના પર હશે

બીજેપીના વરિષ્ઠ નેતા કિરીટ સોમૈયાએ ૨૦૨૩માં તેમના નિશાના પર કોણ-કોણ હશે એની માહિતી ગઈ કાલે આપી હતી. તેમણે ટ્વીટ કરી હતી જેમાં લખ્યું હતું કે ‘ઉદ્ધવ ઠાકરે પરિવાર, શિવસેનાના નેતા અનિલ પરબ, એનસીપીના નેતા હસન મુશરીફ, કૉન્ગ્રેસના વિધાનસભ્ય અસલમ શેખ અને શિવસેનાનાં ભૂતપૂર્વ નગરસેવિકા કિશોરી પેડણેકર વગેરેના ભ્રષ્ટાચાર બહાર લાવવામાં આવશે. ઠાકરે પરિવારના ૧૯ બંગલા, અનિલ પરબનો સાંઈ રિસૉર્ટ, અસલમ શેખના ૪૯ સ્ટુડિયો, હસન મુશરીફ અને કિશોરી પેડણેકરના મુંબઈ મહાનગરપાલિકાના ગોટાળા, એસઆરએના ઘરના ગોટાળાની તપાસ આગળ વધારવામાં આવશે.’

mumbai mumbai news devendra fadnavis sharad pawar bharatiya janata party nationalist congress party maharashtra