17 April, 2025 11:53 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
વૉટર-ટૅક્સી
મુંબઈ મેટ્રોપૉલિટન રીજન (MMR)માં ટ્રૅફિકની સમસ્યાનો ઉકેલ લાવવા હવે રાજ્યના બંદર ખાતાના મિનિસ્ટર નિતેશ રાણેએ કહ્યું છે કે રાજ્ય સરકાર MMRમાં વૉટર-ટૅક્સી ચાલુ કરવા માગે છે અને આ બાબતનો ડિટેઇલ્ડ પ્રોજેક્ટ રિપોર્ટ તૈયાર કરાવી લેવામાં આવ્યો છે.
વૉટર-ટૅક્સીના આ પ્રોજેક્ટ બાબતે માહિતી આપતાં નિતેશ રાણેએ કહ્યું હતું કે ‘આપણે મેટ્રોની સફળતા જોઈ એ પ્રમાણે હવે અમે MMRમાં વૉટર-ટૅક્સી શરૂ કરવાનું વિચારી રહ્યા છીએ. અમે એ માટે ૮-૯ રૂટ પણ વિચારી લીધા છે. અમારી પાસે એનો ડિટેઇલ્ડ પ્રોજેક્ટ રિપોર્ટ પણ છે અને અમે આ સંદર્ભે વિદેશી કન્સલ્ટન્ટની સલાહ લઈ રહ્યા છીએ. સરકાર ૩૦-સીટર બોટ પણ ઇન્ટ્રોડ્યુસ કરશે જે પ્રવાસીઓને ગેટવે ઑફ ઇન્ડિયાથી અલીબાગ અથવા એલિફન્ટા લઈ જશે. સ્વીડિશ કંપની કંડેલા ક્રૂઝ પાસેથી એ બોટ મગાવવામાં આવી છે જેમાંથી ઑગસ્ટમાં બે આવી જશે. સાથે જ હાલમાં જે લાકડાની લૉન્ચ ચાલે છે એ પણ હશે જ. પ્રવાસીઓને જે રીતે રોડ ટ્રાન્સપોર્ટમાં અલગ-અલગ ચૉઇસ મળી રહે છે એમ હવે વૉટર ટ્રાન્સપોર્ટમાં પણ પ્રવાસના અલગ-અલગ વિકલ્પ મળશે.’
આ ઉપરાંત પૅસેન્જર અને વાહનોની પણ ફેરી કરતી રો–રો (રોલ ઑન-રોલ ઑફ) સર્વિસ પણ શરૂ કરવામાં આવશે એમ કહેતાં નિતેશ રાણેએ ઉમેર્યું હતું કે ‘મુંબઈના માઝગાવથી સિંધુદુર્ગના માલવણ સુધી રો–રો સર્વિસનો લાભ મળી શકશે જે એ અંતર સાડાચાર કલાકમાં પૂરું કરશે. એ માટે રત્નાગિરિ, વિજયદુર્ગ અને માલવણમાં જેટી બનાવવામાં આવી છે. આ વર્ષે ગણોશોત્સવ પહેલાં રો-રો સર્વિસ શરૂ થઈ જશે.’
ગરમીએ રસ્તાનો ડામર ઓગાળી દીધો
મુંબઈમાં ધીમે-ધીમે ઉનાળો આગળ વધી રહ્યો છે અને ગરમીમાં વધારો થઈ રહ્યો છે ત્યારે ગઈ કાલે ધારાવીમાં આવેલા રસ્તાનો ડામર ઓગળી ગયો હતો. આમ તો ગઈ કાલે સાંતાક્રુઝમાં ૩૩.૮ ડિગ્રી તાપમાન નોંધાયું હતું, પણ રેકૉર્ડ થયેલા તાપમાનથી વધુ ગરમી અનુભવાઈ હતી. તસવીર ઃ આશિષ રાજે