09 November, 2025 01:43 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
હેલી મોમાયા
૬ નવેમ્બરે સૅન્ડહર્સ્ટ રોડ સ્ટેશન પાસે લોકલ ટ્રેનની ટક્કરથી થયેલાં બે લોકોનાં મૃત્યુ બાબતે ગવર્નમેન્ટ રેલવે પોલીસ (GRP)એ તપાસ શરૂ કરી છે. આ મૃત્યુની ઘટનાઓ માટે છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ (CSMT) પર રેલવે-કર્મચારીઓએ કરેલું વિરોધ-પ્રદર્શન જવાબદાર હતું કે નહીં એ સ્પષ્ટ કરવાનો આ તપાસનો મુખ્ય હેતુ છે એવું એક અધિકારીએ જણાવ્યું હતું.
ગુરુવારે સાંજે સૅન્ડહર્સ્ટ રોડ સ્ટેશન પાસે લોકલ ટ્રેનની ટક્કરથી બે લોકોનાં મોત થયાં હતાં અને ત્રણ લોકો ઘાયલ થયા હતા. રિપોર્ટ્સ પ્રમાણે એ પાંચેય લોકો બીજી લોકલ ટ્રેનમાં હતા જે રેલવે-કર્મચારીઓની હડતાળને કારણે અધવચ્ચે રોકાઈ ગઈ હતી. એટલે તે લોકો ટ્રેનમાંથી ઊતરીને પાટા પર ચાલી રહ્યા હતા. એક સિનિયર GRP ઑફિસરે જણાવ્યું હતું કે પૅસેન્જરોને અટકી ગયેલી ટ્રેનમાંથી ઊતરીને પાટા પર ચાલવાની ફરજ પાડવામાં આવી હતી કે નહીં એ તપાસવામાં આવશે. આ ઘટનામાં ગુજરાતી ટીનેજર હેલી મોમાયા (૧૯ વર્ષ)નું મૃત્યુ થયું હતું અને તેનાં ફઇબા ખુશ્બૂ મોમાયા (૪૫ વર્ષ) ઈજાગ્રસ્ત થયાં હતાં.