22 March, 2023 12:11 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્ય : આઇસ્ટૉક)
વિરારમાં એક યુવતીને ઍપથી ૧,૮૦૦ રૂપિયાની લોન લેવાનું ભારે પડ્યું છે. આ યુવતીની અશ્લીલ તસવીરો તૈયાર કરીને તેને ધમકાવવામાં આવી હતી. આ પહેલાં પણ લોન ઍપના માધ્યમથી અનેક લોકોએ પૈસા ગુમાવ્યાના બનાવ બન્યા છે.
વિરાર રહેતી ૨૭ વર્ષની એક યુવતીએ પોતાની સાથે બનેલી ઘટનાની ફરિયાદ નોંધાવી હતી. યુવતીને પૈસાની જરૂર હોવાથી તેણે ૧૧ માર્ચે લાઇટનિંગ રૂપી નામની લોન ઍપ પરથી ૧,૮૦૦ રૂપિયાની લોન લીધી હતી. આ લોન તેણે ૧૭ માર્ચે ભરવાની હતી, પરંતુ ૧૭ માર્ચે ફરિયાદીને વિવિધ મોબાઇલ નંબર પરથી કૉલ આવતા હતા. એ વખતે યુવતીએ કહ્યું કે હું સાંજે પૈસા પાછા ભરી દઈશ, પરંતુ એ પહેલાં જ આ યુવતીના બનાવટી અશ્લીલ ફોટો તૈયાર કરીને મોકલવામાં આવ્યા હતા અને તેને તેના તમામ પરિચિતોને આ ફોટો મોકલી દેવાની ધમકી આપવામાં આવી હતી. એ સાંભળીને ચિંતામાં મુકાઈ ગયેલી યુવતી પોલીસ સ્ટેશન દોડી ગઈ હતી.
વિરાર પોલીસ સ્ટેશનમાં અજાણ્યા વૉટ્સઍપ મોબાઇલધારક વિરુદ્ધ વિનયભંગ અને ઇન્ફર્મેશન ટેક્નૉલૉજી કલમની ૬૭ અને ૬૭ (અ) હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. વિરાર પોલીસે જણાવ્યું કે ‘ફરિયાદના આધારે કેસ નોંધીને તપાસ હાથ ધરાઈ છે. ઍપના માધ્યમથી આ મહિલાને ધમકાવવામાં આવતી હતી.’