23 April, 2026 07:34 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
વાઇરલ થયેલા વિડિયોમાં રસ્તા પર દેખાયેલો યુવક.
ભાઈંદર-વેસ્ટના નાઇન્ટી ફીટ રોડ પર એક વ્યક્તિ ‘ઝોમ્બી’ ડ્રગ્સ લીધા બાદ એક જ જગ્યાએ સ્થિર થઈ ગઈ હોવાનું દર્શાવતો વિડિયો સોશ્યલ મીડિયા પર વાઇરલ થયા બાદ મીરા-ભાઈંદર વસઈ-વિરાર (MBVV) ક્રાઇમ બ્રાન્ચે એની ગંભીરતાથી તપાસ હાથ ધરી હતી. એ દરમ્યાન વાઇરલ થયેલા વિડિયોમાં બાવીસ વર્ષના યુવકની ઓળખ કરવામાં આવી છે. પ્રાથમિક તપાસમાં તેણે ડ્રગ્સનું સેવન ન કર્યું હોવાનો ખુલાસો થયો છે. જોકે તેણે નશા માટે મેડિકલ સ્ટોરમાંથી દવા લીધા બાદ એ ખાધી હોવાથી તેને પેટમાં દુખાવો ઊપડ્યો હોવાનું જાણવા મળ્યું છે.
MBVV ક્રાઇમ બ્રાન્ચના એક સિનિયર અધિકારીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘આ ઘટના વિશે તપાસ કરતાં જાણવા મળ્યું હતું કે વિડિયો ૧૩ એપ્રિલની રાતે ૧૦ વાગ્યાનો હતો. તપાસ દરમ્યાન CCTV કૅમેરાનાં ફુટેજ અને ટેક્નિકલ માહિતીના આધારે વિડિયોમાં દેખાતી વ્યક્તિની ઓળખ કરવામાં આવી હતી. તે મૂળ નેપાલનો રહેવાસી છે અને હાલમાં બોરીવલી રેલવે-સ્ટેશનની બહાર ફુટપાથ પર રહે છે અને મજૂરીકામ કરે છે. પોલીસને આ યુવક ભાઈંદર-વેસ્ટના આંબેડકર ચોક નજીક મળ્યો હતો. તેને કસ્ટડીમાં લઈને પૂછપરછ કરવામાં આવતાં તેણે જણાવ્યું હતું કે તે માર્ચમાં નોકરીની શોધમાં નેપાલથી મુંબઈ આવ્યો હતો. તેને અગાઉથી જ પ્રીગાબલિન નામની દવાનું વ્યસન હતું જે સામાન્ય રીતે દુખાવા માટે ઉપયોગમાં લેવાય છે. ભાઈંદરના એક મેડિકલ સ્ટોરમાંથી તેને કોઈ પણ પ્રિસ્ક્રિપ્શન વગર આ દવા મળતી હતી. ૧૩ એપ્રિલે તેણે આ દવાનું વધુ માત્રામાં સેવન કર્યું હતું જેને કારણે તેને ચક્કર આવવા લાગ્યાં અને શરીર પરનો કાબૂ ગુમાવીને તે એક જગ્યાએ સ્થિર ઊભો રહી ગયો હતો. આ ઘટના પાછળ કોઈ ‘ઝોમ્બી ડ્રગ’ કે અન્ય કોઈ ગંભીર નશીલા પદાર્થનો ઉપયોગ નથી. આ માત્ર પ્રીગાબલિન દવાના ઓવરડોઝને કારણે તેની આવી હાલત થઈ હતી. આ સાથે જ પ્રિસ્ક્રિપ્શન વગર દવા વેચનાર મેડિકલ સ્ટોર સામે કાર્યવાહી કરવા માટે FDAને અહેવાલ મોકલવામાં આવ્યો છે.’