17 June, 2025 08:39 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
વાશી પ્લાઝાની દીવાલ ધસી પડી જમીનમાં ખાડો પડયો પાર્ક કરેલાં ટૂ-વ્હીલર્સને નુકસાન
નવી મુંબઈમાં બે દિવસથી પડી રહેલા ધોધમાર વરસાદને પગલે વાશીના સેક્ટર નંબર ૧૭માં આવેલા પ્રખ્યાત વાશી પ્લાઝા બિલ્ડિંગની બાઉન્ડરી-વૉલ ધસી ગઈ હતી. દીવાલ પડતાં એ જગ્યાની જમીન પણ બેસી ગઈ હતી. જ્યાંથી ગટર પસાર થતી હતી એ ભાગ જમીનમાં બેસી ગયો હતો એને લીધે ત્યાં પાર્ક કરેલાં અનેક ટૂ-વ્હીલર્સ અને એક ટેમ્પો ખાડામાં પડી ગયાં હતાં. એ વાહનોને ભારે નુકસાન થયું હતું. દીવાલ પડવાથી નજીકનું એક મોટું ઝાડ પણ રસ્તા પર પડી ગયું હતું. જોકે એ બનાવમાં કોઈને ઈજા થઈ નથી. વાહનોને બહાર કાઢવાનું કામ તાત્કાલિક શરૂ કરી દેવાયું હતું.
નવી મુંબઈના ડિઝૅસ્ટર મૅનેજમેન્ટના અધિકારીએ જણાવ્યું હતું કે ‘સોમવારે વાશીમાં ભારે વરસાદ પડતાં દીવાલ પડી ગઈ હતી. વરસાદને કારણે અમુક ઠેકાણે ઝાડ પડવાના બનાવ પણ બન્યા છે. આ દીવાલ કૉમ્પ્લેક્સની સામે એક નાના બગીચાને અડીને ઊભી કરવામાં આવી હતી. કૉમ્પ્લેક્સમાં ઇલેક્ટ્રૉનિક સ્ટોર, ટૂર્સ ઍન્ડ ટ્રાવેલ્સની ઑફિસ જેવી અનેક ઑફિસ હતી જેથી પાર્કિંગની જગ્યાએ લોકોની અવરજવર વધુ હતી.’