અણધાર્યા વરસાદ અને બફારાએ મુંબઈગરાઓને અકળાવ્યા

25 May, 2026 08:46 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

બાંદરા, માહિમ, મીરા-ભાઈંદર અને થાણેમાં વરસાદે પ્રી-મૉન્સૂનનો લહાવો આપ્યો

પ્રતીકાત્મક તસવીર

સતત એક અઠવાડિયાથી કાળઝાળ ગરમી અને પરસેવે રેબઝેબ થયેલા મુંબઈગરાઓને પ્રી-મૉન્સૂન વરસાદની જરાય આશા નહોતી ત્યારે ગઈ કાલે વહેલી સવારે અણધાર્યા વરસાદથી લોકો હરખાયા હતા. 

થાણે, માહિમ, બાંદરા, મીરા-ભાઈંદર વિસ્તારમાં રવિવારે વહેલી સવારે થયેલાં અમીછાંટણાંને કારણે મુંબઈ અને થાણેમાં રહેતા લોકોને ગરમીથી ટૂંક સમયમાં છુટકારો મળશે એવી આશા બંધાઈ હતી. હવામાન વિભાગે કરેલી આગાહી મુજબ મહારાષ્ટ્રમાં પ્રી-મૉન્સૂન ઍક્ટિવિટી શરૂ થઈ ગઈ છે અને એને જ કારણે આવી પરિસ્થિતિ ઊભી થઈ છે. 

રવિવારે બપોરે પણ શહેર અને ઉપનગરોમાં વાતાવરણ વાદળિયું રહ્યું હતું જેને કારણે સામાન્ય રીતે અનુભવાતી ગરમીથી લોકોને રાહત મળી નહોતી. મુંબઈની હવામાં ભેજનું પ્રમાણ સરેરાશ ૮૧ ટકા રહ્યું હતું.

પાંચમી જૂનથી મુંબઈમાં ચોમાસું
હવામાન ખાતાનાં નિષ્ણાત સુષમા નાયરે જણાવ્યું હતું કે ૨૬ મેએ કેરલમમાં ચોમાસું બેસશે અને જો પરિસ્થિતિ એ જ રીતે આગળ વધી તો બીજી જૂને મહારાષ્ટ્રના વિવિધ વિસ્તારોમાં અને પાંચમી જૂને મુંબઈમાં ચોમાસું બેસે એવી હવામાન ખાતાની આગાહી છે.

રાજ્યમાં આજે કેટલીક જગ્યાએ પારો ચડતાં રેડ અલર્ટ તો કેટલીક જગ્યાએ વરસાદની રિમઝિમ
વિદર્ભમાં આકાશમાંથી આગ વરસી રહી છે. એથી અમરાવતી, ચંદ્રપુર અને વર્ધા જિલ્લામાં રેડ અલર્ટ જાહેર કરવામાં આવી છે; જ્યારે ગોંદિયા, નાગપુર, યવતમાળ, અકોલા, ભંડારા અને ગડચિરોલીમાં ઑરેન્જ અલર્ટ જાહેર કરવામાં આવી છે. એથી આ વિસ્તારના લોકોને કાળજી લેવા જણાવવામાં આવ્યું છે. બીજી બાજુ સાઉથ કોકણ અને મધ્ય મહારાષ્ટ્રમાં હલકો વરસાદ આવવાની શક્યતા હવામાન ખાતાએ દર્શાવી છે. એથી સોલાપુર, બીડ, લાતુર, ધારાશિવ, પુણે, અહિલ્યાનગરમાં વરસાદ માટે યલો અલર્ટ જાહેર કરવામાં આવી છે. 

mumbai news mumbai mumbai rains monsoon news mumbai monsoon indian meteorological department