30 September, 2026 09:33 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
તુકારામ મુંઢે
જો તમે પાન કે ગુટકાની જાહેરાત કરતા હો તો તમે પહેલાં જાતે એનું સેવન કરો, તમારાં બાળકોને એ ખાવા આપો અને એને એક આદત બનાવો, ત્યાર બાદ જ દુનિયાને એ ખાવા માટે કહો. ઊલટું કેમ ચાલે? આવા આકરા શબ્દો સાથે તુકારામ મુંઢેએ ગુટકાની બ્રૅન્ડ્સની પરોક્ષ જાહેરાતો કરતા બૉલીવુડના ટોચના અભિનેતાઓ પર આકરા પ્રહારો કર્યા હતા.
એક ઇન્ટરવ્યુમાં બોલતાં તુકારામ મુંઢેએ લોકોનાં બેવડાં ધોરણો અને ચમચાગીરી સામે સખત નારાજગી વ્યક્ત કરી હતી. નોંધનીય છે કે વિમલ ઇલાયચીની જાહેરાત મામલે મહારાષ્ટ્ર FDA દ્વારા અભિનેતા શાહરુખ ખાન, અજય દેવગન અને ટાઇગર શ્રોફને શો કૉઝ નોટિસ પાઠવવામાં આવી છે.
આ કાર્યવાહી પાછળના વિચાર વિશે પૂછતાં તુકારામ મુંઢેએ જણાવ્યું હતું કે ‘વિચાર બહુ સીધો છે. સિસ્ટમનો ભાગ હોવાના નાતે નિયમોનું પાલન કરાવવું એ મારી ફરજ છે. મને ચમચાગીરી અને બેવડાં ધોરણોથી સખત નફરત છે. અંગત જીવન માટે જુદાં અને પ્રોફેશનલ જીવન માટે જુદાં ધોરણો ન હોઈ શકે. જો તમે જાહેરમાં લોકોને કોઈ પ્રોડક્ટ સારી હોવાનું કહેતા હો તો એ જ ધોરણ તમારા પોતાના પર પણ લાગુ થવું જોઈએ. કોઈ જાહેરાતમાં માત્ર પોતાનો ચહેરો આપી દેવાથી જવાબદારી પૂરી થઈ જતી નથી. એન્ડોર્સમેન્ટ કરનારી વ્યક્તિ જે ચીજ ખાવા કે વાપરવા લોકોને પ્રેરિત કરે છે તો તેની નૈતિક જવાબદારી પણ બને છે.’
શિવસેના (UBT)ના સંસદસભ્ય સંજય રાઉતે ફૂડ ઍન્ડ ડ્રગ ઍડ્મિનિસ્ટ્રેશન (FDA)ના કમિશનર તુકારામ મુંઢેને પત્ર લખીને તેમના દ્વારા થઈ રહેલી કાર્યવાહી બિરદાવી હતી, પણ FDAના ઑફિસર્સ દ્વારા જે લૂંટ ચલાવવામાં આવી રહી છે એના પર તત્કાળ કાર્યવાહી કરવાની માગણી કરી હતી. તેમણે એ પત્રમાં આરોપ કરતાં કહ્યું હતું કે હોટેલિયરોને ધમકાવીને, બ્લૅકમેઇલ કરીને પૈસા પડાવવાનો બિઝનેસ પહેલાં કરતાં વધુ જોશમાં ચાલી રહ્યો છે. એના પર ગઈ કાલે તુકારામ મુંઢેએ સ્પષ્ટતા આપતાં કહ્યું હતું કે અમારા અધિકારી ભ્રષ્ટાચાર કરે છે એવી માહિતી જો તેમની (સંજય રાઉત) પાસે હોય તો અમને અથવા ઍન્ટિ-કરપ્શન બ્યુરો (ACB)ને આપવી.
તુકારામ મુંઢેએ આ બાબતે બહુ જ સ્પષ્ટ કહ્યું હતું કે ‘મને આ બાબતની ડીટેલ્સ આપો. મારી પાસે કોઈ ઑફિસર પૈસા માગી રહ્યો છે એવી ફરિયાદ આવી નથી. હું અનેક વાર પૂછતો હોઉં છું કે ઑફિસરો તરફથી કોઈ ત્રાસ છે? આ વિશે તેમની (સંજય રાઉત) પાસે કોઈ માહિતી હોય તો તેમણે એ આપવી. મેં અસિસ્ટન્ટ પોલીસ-કમિશનરને પણ આ બાબતે પત્ર લખ્યો છે. એમાં પણ જો તમારી પાસે ભ્રષ્ટાચારી ઑફિસરની કોઈ માહિતી હોય તો આપો એવી વિનંતી કરી છે.’