03 April, 2022 11:47 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ફાઇલ તસવીર
સતત દોડતા રહેતા મુંબઈમાં રવિવારના દિવસે લોકો મોકળો શ્વાસ લઈ શકે અને થોડો સમય પોતાની મનગમતી પ્રવૃત્તિઓ છૂટથી કરી શકે એ માટે ફરી એક વાર સન્ડે સ્ટ્રીટનું આયોજન કરાઈ રહ્યું છે. એમાં આજે નવાં ત્રણ સ્થળોને સામેલ કરવામાં આવ્યાં છે. મુંબઈ પોલીસ દ્વારા આ બાબતે આગેવાની લેવાઈ છે. મુંબઈના પોલીસ કમિશનર સંજય પાંડેએ જાતે રનિંગ કરીને અને સાઇક્લિંગ કરીને ગયા અઠવાડિયે આ અભિયાન શરૂ કર્યું હતું અને લોકોને ફન ઍન્ડ ફિટનેસનો સંદેશ આપ્યો હતો. ત્રણ સ્થળોનો વધારો કરવામાં આવતાં એ વિસ્તારના લોકો પણ હવે એનો લાભ લઈ શકશે.
પૂર્વના પરા ચેમ્બુરમાં સુધરાઈના ‘એમ’ ઈસ્ટ વૉર્ડમાં યુનિયન પાર્ક પાસે ચીમની ગાર્ડન પાસે આ આયોજન કરાયું છે, જ્યારે વેસ્ટર્ન સબર્બ્સમાં કાંદિવલી-ઈસ્ટમાં ઠાકુર વિલેજમાં દત્તા સોલાપુરી મિસલ-પાંઉવાળા પાસેથી એવરશાઇન મિલેનિયમ પૅરૅડાઇઝ ટાવર ૪૮ના કૉર્નર સુધીના પટ્ટામાં અને દહિસરમાં આઇસી કૉલોનીમાં હોટેલ બંજારા પાસેથી ગ્રીન ગાર્ડન તરફના રોડ પર સવારના ૬થી ૧૦ના સમયગાળામાં આ આયોજન કરવામાં આવ્યું છે. મુંબઈગરાનો આ અભિયાનને જબરદસ્ત રિસ્પૉન્સ મળ્યો છે. તેઓ જૉગિંગ, રનિંગ, સાઇક્લિંગ, યોગ, સ્કેટિંગ અને અન્ય રમતગમતની પ્રવૃત્તિ કરતાં નજરે ચડે છે.