15 June, 2022 09:02 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
જુહુ ચોપાટી
મુંબઈ ઃ જુહુ ચોપાટીમાં મૅરિયટ હોટેલની પાછળના સમુદ્રમાં ગઈ કાલે ત્રણ જણ ડૂબી ગયા હોવાનું જાણવા મળ્યું હતું. ચાર જણ સમુદ્રમાં નાહવા પડ્યા હતા, જેમાંથી એકને ફાયર બ્રિગેડે પાણીની બહાર કાઢ્યો હતો, જ્યારે બાકીના ત્રણનો અંધારું થયા સુધી ચાલેલા સર્ચ-ઑપરેશનમાં પત્તો નહોતો લાગ્યો. તેઓ કોણ છે અને ક્યાંથી આવ્યા હતા એની પોલીસ તપાસ કરી રહી છે. ફાયર બ્રિગેડના જણાવ્યા મુજબ ગઈ કાલે સાંજે ચારેક વાગ્યે તેમને કૉલ આવ્યો હતો કે જુહુ ચોપાટી પર જે. ડબ્લ્યુ. મૅરિયટ હોટેલની પાછળના સમુદ્રમાં ચાર જણ ડૂબી ગયા છે. ફાયર બ્રિગેડની એક ગાડી ઘટનાસ્થળે પહોંચી હતી અને પાણીમાં ડૂબી રહેલા એક યુવકને બચાવી લેવાયો હતો. બાકીના ૨૧ વર્ષના અમન સિંહ, ૧૮ વર્ષના કૌસ્તુક ગુપ્તા અને ૧૬ વર્ષના પ્રથમ ગુપ્તાને સમુદ્રમાં શોધવાના પ્રયાસ કરાયા હતા, પરંતુ તેમનો પત્તો નહોતો લાગ્યો. અંધારું થઈ ગયા બાદ રેસ્ક્યુ ઑપરેશન શક્ય ન હોવાથી શોધવાનું બંધ કરી દેવાયું હતું. આ લોકો કોણ છે એની માહિતી મેળવવાનો પોલીસ પ્રયાસ કરી રહી છે. ગરમીથી રાહત મેળવવા કે સમુદ્રમાં નાહવાની મજા માણવા આ લોકો પાણીમાં પડ્યા હોવાની શક્યતા છે.