બસ-સ્ટૉપ પર હશે ૫૦૦૦ ઈ-બાઇક્સ

06 October, 2022 08:21 AM IST  |  Mumbai | Rajendra B Aklekar

બસના મુસાફરો આ ઈ-બાઇક્સનો ઉપયોગ કરી શકશે: ૪૦,૦૦૦ લોકોએ એના માટે રજિસ્ટ્રેશન કરાવ્યું

બેસ્ટ ભારતની પ્રથમ બસ ટ્રાન્સપોર્ટ ઑપરેટર છે જેણે ઈ-બાઇક્સની સર્વિસ ઑફર કરી છે.


મુંબઈ : ૨૦૨૩ સુધીમાં છેવાડેના વિસ્તાર સુધી કનેક્ટિવિટી પૂરી પાડવાના હેતુથી બેસ્ટ સમગ્ર શહેરના બસ-સ્ટૉપ પર કુલ ૫૦૦૦ ઈ-બાઇક્સનો કાફલો રાખવાની યોજના ધરાવે છે. 
બેસ્ટના જનરલ મૅનેજર લોકેશ ચંદ્રે કહ્યું હતું કે ‘બસમાંથી ઊતરનારા મુસાફરો તેમના ગંતવ્યસ્તાન સુધી પહોંચવા અને પાછા ફરવા સુધીનો પ્રવાસ કરવા માટે ઈ-બાઇક્સનો ઉપયોગ કરી શકશે. આ વાહનો કોઈ પણ ઈ-બાઇક સ્ટેશન પરથી લઈ તથા છોડી શકશે. બેસ્ટની આ પહેલથી દેશની અગ્રણી ટેક્નૉલૉજી આધારિત પરિવહન ઉપક્રમ તરીકેની એની સ્થિતિ વધુ મજબૂત બનાવશે. આ પહેલ શરૂ કરવા માટે બેસ્ટ જૂન ૨૦૨૨થી ઈ-બાઇક્સ સેવાની પબ્લિક ટ્રાયલ કરી રહી છે અને એને ઘણો સારો પ્રતિસાદ સાંપડ્યો છે. લગભગ ૪૦,૦૦૦ લોકોએ ઈ-બાઇક્સ માટે રજિસ્ટ્રેશન કરાવ્યું છે.’  
 જૂન ૨૦૨૨માં ‘મિડ-ડે’એ શહેરનાં મહત્ત્વનાં બસ-સ્ટૉપ પર ઈ-બાઇક્સની પબ્લિક ટ્રાયલ શરૂ કરી હોવા બાબતનો અહેવાલ પણ પ્રકાશિત કર્યો હતો. ચાલુ મહિનામાં બેસ્ટે મુંબઈ શહેર અને પશ્ચિમી પરાંમાં ૧૦૦૦ ઈ-બાઇક્સનો કાફલો સામેલ કરવાની જાહેરાત કરી છે. અધિકારીઓએ જણાવ્યા મુજબ આગામી જૂન સુધીમાં બેસ્ટ એના કાફલામાં ઈ-બાઇક્સની સંખ્યા ૫૦૦૦ જેટલી કરશે. 
બેસ્ટ દ્વારા ચાલુ મહિને ૧૮૦ બસ-સ્ટૉપ પર, વેપારીઓ તેમ જ રહેવાસી વિસ્તારોમાં ૧૦૦૦ ઈ-બાઇક્સ મૂકવામાં આવશે. શરૂઆતમાં ઈ-બાઇક્સ અંધેરી, વિલે પાર્લે, જુહુ, સાંતાક્રુઝ, ખાર, બાંદરા, માહિમ અને દાદરમાં ઉપલબ્ધ કરવામાં આવશે તથા ત્યાર બાદ શહેરના અન્ય વિસ્તારોમાં મુકાશે. 
સ્કૂટર ભાડે આપતી સેવા વોગો સાથેની ભાગીદારીમાં ‘બેસ્ટ અન્ડરટેકિંગ માટે 
બસો સાથે લાસ્ટ-માઇલ કનેક્ટિવિટી માટે ઈ-સ્કૂટર્સ ડિપ્લોઇંગ કરવા માટે સેવાપ્રદાતાની પસંદગી’ ટેન્ડર હેઠળ પ્રોજેક્ટનો અમલ કરવામાં આવ્યો છે. બેસ્ટ ભારતની પ્રથમ બસ ટ્રાન્સપોર્ટ ઑપરેટર છે જે આ પ્રકારની સંકલિત પ્રથમ અને છેલ્લી માઇલ સેવાઓ પ્રદાન કરે છે.  

mumbai news mumbai