17 February, 2025 07:05 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
રણવીર અલાહાબાદિયા
પોલીસ બળજબરીથી કાર્યવાહી ન કરે એ માટે તેણે સુપ્રીમ કોર્ટમાં ઑનલાઇન યાચિકા દાખલ કરી : પાંચ દિવસમાં અમેરિકાથી હાજર થવાનું ફરમાન કરનાર પોલીસે હવે સમય રૈનાને ૧૦ માર્ચ સુધીમાં હાજર રહેવાનો સમય આપી દીધો છે
છેલ્લા બે દિવસથી કોઈ ને કોઈ કારણસર પોલીસ સમક્ષ તપાસ માટે હાજર ન થનારા જાણીતા યુટ્યુબર અને પૉડકાસ્ટર રણવીર અલાહાબાદિયાનો ફોન પણ હવે સ્વિચ્ડ-ઑફ આવી રહ્યો હોવાનું પોલીસનું કહેવું છે. આ પહેલાં પોલીસે ગુરુવારે તેને હાજર રહેવા જણાવ્યું હતું, પણ તે મીડિયાનો ડર લાગી રહ્યો છે એવું કારણ આપીને હાજર નહોતો રહ્યો. ત્યાર બાદ તેણે પોલીસને ઘરે આવીને સ્ટેટમેન્ટ લેવા જણાવ્યું હતું જેની પોલીસે ના પાડી દીધી હોવાનું કહેવાય છે. જોકે શુક્રવારે મુંબઈ પોલીસ અને આસામ પોલીસ વર્સોવામાં આવેલા તેના ઘરે પહોંચી ત્યારે ત્યાં તાળું હોવાથી તેમણે પાછું આવવું પડ્યું હતું અને હવે રણવીરનો ફોન પણ બંધ આવી રહ્યો છે.
આ બધા વચ્ચે રણવીર અલાહાબાદિયાએ શુક્રવારે ઑનલાઇન યાચિકા દાખલ કરી હતી, જેમાં તેણે મુંબઈ પોલીસ તપાસ કરી રહી હોવાથી આસામ પોલીસે દાખલ કરેલા કેસ સામે વાંધો લીધો હતો અને કોર્ટને આ બાબતે ડિરેક્શન આપવા કહ્યું હતું. કોર્ટે જેમ બને એમ જલદી સુનાવણી કરવાનું રણવીર અલાહાબાદિયાના ઍડ્વોકેટ અભિષેક ચંદ્રચૂડે જણાવ્યું હતું. આની સામે રણવીરના ઍડ્વોકેટે કોર્ટને કહ્યું હતું કે અમને આસામ પોલીસ બળજબરીથી મારા અસીલ સામે કાર્યવાહી કરે એનો ડર લાગી રહ્યો છે.
અભિષેક ચંદ્રચૂડ દેશના ભૂતપૂર્વ ચીફ જસ્ટિસ ડી. વાય. ચંદ્રચૂડના પુત્ર છે. આ બધા વચ્ચે ગઈ કાલે પોલીસે સ્ટૅન્ડઅપ કૉમેડિયન સમય રૈનાને ૧૦ માર્ચ સુધી પોલીસની સમક્ષ હાજર થવાનો સમય આપ્યો હતો. આ પહેલાં પોલીસે તેને પાંચ દિવસમાં હાજર થવાનું ફરમાન જાહેર કર્યું હતું. સમય અત્યારે અમેરિકા છે.
‘ઇન્ડિયાઝ ગૉટ લૅટન્ટ’ શોમાં અશ્લીલ ટિપ્પણી કરવા બદલ પોલીસે રણવીર અલાહાબાદિયા, સમય રૈના, ઇન્ફ્લુએન્સર અપૂર્વા માખીજા, આશિષ ચંચલાણી સહિત સાત જણને તપાસ માટે બોલાવ્યાં છે. એ સિવાય મુંબઈ પોલીસે આ શોના જૂના શોમાં હાજર રહેલા સ્પર્ધક અને ગેસ્ટને પણ તપાસ માટે બોલાવ્યા છે.
ખાર પોલીસે અત્યાર સુધીમાં અપૂર્વા માખીજા, આશિષ ચંચલાણી સહિત સાત જણનાં સ્ટેટમેન્ટ નોંધ્યાં છે, પણ હજી સુધી ફર્સ્ટ ઇન્ફર્મેશન રિપોર્ટ (FIR) દાખલ નથી કર્યો. જ્યારે સ્ટેટ સાઇબર ડિપાર્ટમેન્ટે રણવીર અલાહાબાદિયાએ પૂછેલા અભદ્ર સવાલના સંદર્ભમાં FIR દાખલ કર્યો છે અને ૪૦ જેટલા લોકોને તપાસ માટે હાજર થવા કહ્યું છે.
હું ક્યાંય ભાગી નથી રહ્યો, મને દેશની ન્યાયવ્યવસ્થા પર પૂરો ભરોસો છેઃ રણવીર અલાહાબાદિયા
રણવીર અલાહાબાદિયા પોલીસની પકડમાં નથી આવી રહ્યો, પણ ગઈ કાલે રાતે તેણે સોશ્યલ મીડિયા પર પોસ્ટ કરી હતી કે ‘હું અને મારી ટીમ પોલીસ અને સત્તાવાળાઓ સાથે સહકાર કરી રહ્યાં છીએ. હું બહુ જ જલદી તપાસકર્તાઓની સમક્ષ હાજર થઈશ. મારી માતા-પિતા વિશેની ટિપ્પણી બહુ જ અસંવેદનશીલ અને અશોભનીય હતી. મારી નૈતિક જવાબદારી છે કે હવે હું કંઈ સારું કરું અને હું ખરા દિલથી બધાની માફી માગું. હું એ જોઈ રહ્યો છું કે લોકો મને મારી નાખવાની અને મારી ફૅમિલીને નુકસાન પહોંચાડવાની ધમકીઓ આપી રહ્યા છે. લોકો મારી મમ્મીના ક્લિનિકમાં પેશન્ટ બનીને ઘૂસી ગયા હતા. મને બહુ જ ડર લાગે છે અને સમજાતું નથી કે મારે શું કરવું, પણ હું ક્યાંય ભાગી નથી રહ્યો. મને પોલીસ અને આપણા દેશની ન્યાયવ્યવસ્થા પર પૂરો ભરોસો છે.’