અમરાવતીમાં કેમિસ્ટની હત્યાના કેસની તપાસ હવે કરશે એનઆઇએ

03 July, 2022 10:18 AM IST  |  Amravati | Gujarati Mid-day Correspondent

નૂપુર શર્માને ટેકો આપતી પોસ્ટ કરવા બદલ ઉમેશ કોલ્હેનું મર્ડર કરાયું હોવાનું માનવામાં આવે છે

પ્રતીકાત્મક તસવીર સૌજન્ય આઇસ્ટૉક

ઉદયપુરમાં દરજી કન્હૈયાલાલની હત્યાના એક અઠવાડિયા પહેલાં ૨૧ જૂને મહારાષ્ટ્રના અમરાવતી જિલ્લામાં ૫૪ વર્ષના કેમિસ્ટ ઉમેશ કોલ્હેની હત્યા કરવામાં આવી હતી. આ કેસની તપાસ કરી રહેલી ટીમે આ હત્યામાં પણ કન્હૈયાલાલ પૅટર્નની શંકા વ્યક્ત કરી હતી. ટીમનું માનવું છે કે ઉમેશ કોલ્હેની હત્યા સોશ્યલ મીડિયા પર નૂપુર શર્માનું સમર્થન કરતી પોસ્ટ મૂકવાના કારણે કરવામાં આવી છે. એનઆઇએ દ્વારા આ કેસની તપાસના સૂત્રો સંભાળી લેવામાં આવ્યા હતા અને એ પછી યુએપીએ (અનલૉફુલ ઍક્ટિવિટિઝ પ્રિવેન્શન ઍક્ટ) હેઠળ એનઆઇએ દ્વારા કેસ નોંધવામાં આવ્યો છે.
ઉમેશ કોલ્હેના દીકરા સંકેત કોલ્હેની ફરિયાદ પછી અમરાવતીમાં સિટી કોટવાલી પોલીસ સ્ટેશનમાં કેસ નોંધવામાં આવ્યો હતો. 
ઘટનાની રાત્રે ૨૧ જૂને ઉમેશ કોલ્હે તેમનો મેડિકલ સ્ટોર બંધ કરીને ઘરે જઈ રહ્યા હતા. તેમનો પુત્ર સંકેત બીજા સ્કૂટર પર તેની પત્ની સાથે સવાર હતો. માર્ગમાં મોટરસાઇકલ પર સવાર બે જણ તેમના સ્કૂટર સામે આવી ગયા હતા. એમાંના એક જણે ઉમેશ કોલ્હેની ગરદન પર ચાકુથી વાર કર્યો હતો. સંકેત સ્કૂટર રોકીને મદદ મેળવી પિતાને હૉસ્પિટલમાં લઈ ગયો હતો, જ્યાં સારવાર દરમ્યાન તેમનું મૃત્યુ થયું હતું. 
પ્રાપ્ત માહિતી મુજબ ઉમેશ કોલ્હેએ વૉટ્સઍપ પર નૂપુર શર્માનું સમર્થન કરતી પોસ્ટ ભૂલથી તેમના ગ્રાહક અને મુસ્લિમ સમુદાયના ગ્રુપમાં પોસ્ટ કરી હતી, જેને કારણે પયગંબરના અપમાનનો હવાલો આપીને તેમની હત્યા કરવામાં આવી હતી.  
૨૩ જૂને મુદસ્સીર અહમદ અને ૨૫ વર્ષના શાહરુખ પઠાણની ધરપકડ કરવામાં આવી હતા. તેમની પૂછપરછ બાદ આ હત્યામાં અન્ય ત્રણ જણ અબ્દુલ તૌફીક, શોએબ ખાન અને અતિબ રશીદ સંડોવાયેલા હોવાનું જાણવા મળતાં ૨૫ જૂને તેમની ધરપકડ કરવામાં આવી હતી. અન્ય એક આરોપી ફિરોઝ અહમદ હજી ફરાર છે. 

Mumbai mumbai news amravati Crime News