રિયલ એસ્ટેટમાં મંદી વચ્ચે ડ્રીમલૅન્ડ થિયેટરની જગ્યાએ હવે બનશે મૉલ

20 June, 2021 02:49 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

જોકે રીડેવલપમેન્ટના નિયમોને લીધે મૉલમાં નાનું થિયેટર બનાવવું પડશે

રિયલ એસ્ટેટમાં મંદી વચ્ચે ડ્રીમલૅન્ડ થિયેટરની જગ્યાએ હવે બનશે મૉલ

તળ મુંબઈના ગ્રાન્ટરોડમાં આવેલા ડ્રીમલૅન્ડ થિયેટર પર પણ આખરે પડદો પડી ગયો છે. આમ પણ મલ્ટિપ્લેક્સ અને મોબાઇલ-ઇન્ટરનેટ જમાનામાં સિંગલ સ્ક્રીન થિયેટરો ડચકાં ખાતાં-ખાતાં માંડ-માંડ ચાલી રહ્યાં હતાં. એમાં વળી કોરોનાને કારણે એમના પર ગ્રહણ લાગી ગયું હતું. અન્ય થિયેટરોની જેમ હવે ડ્રીમલૅન્ડ થિયેટરને પણ તોડીને ત્યાં મૉલ બનાવવામાં આવશે. જોકે એના હાલના માલિક યુસુફ સોપારીવાલાએ કહ્યું હતું કે ભલે મૉલ બને, પણ એમાં નાનું એવું થિયેટર જરૂર રહેશે. આમ પણ રીડેવેલપમેન્ટના નિયમો મુજબ સિંગલ સ્ક્રીન થિયેટરની જગ્યા રિડેવલપ થતી હોય તો ત્યાં ફરજિયાત નાનું થિયેટર બનાવવું પડે છે.
ડ્રીમલૅન્ડ થિયેટર પહેલાં કૃષ્ણા થિયેટરના નામે ઓળખાતું. એ નામ સાથે એમાં છેલ્લી ફિલ્મ સુનીલ દત્ત અને નૂતનની ‘મિલન’ હતી. ત્યાર બાદ નવા નામ અને કલેવર સાથે એનું નામ ડ્રીમલૅન્ડ રાખવામાં આવ્યું. ૩૫ વર્ષ પહેલાં યુસુફ સોપારીવાલાએ એ થિયેટર ખરીદ્યું હતું. એ પછી એમાં આરામદાયક સોફા જેવી સીટ બેસાડવામાં આવી હતી. ડ્રીમલૅન્ડમાં પહેલી ફિલ્મ હતી અનિલ કપૂર અને માધુરી દીક્ષિતની ‘તેઝાબ’. એ વખતે થિયેટર પર હાઉસફુલનાં પાટિયાં ઝૂલતાં અને ફિલ્મરસિયાઓ ટિકિટ લેવા રાત-રાત જાગીને લાઇનમાં ઊભા રહેતા. 
જોકે કમર્શિયલ ફિલ્મોના એ દોરમાં આર્ટ ફિલ્મ કહેવાય એવી ‘ભુવનશોમ’ને ડ્રીમલૅન્ડમાં મેટિની શોમાં રિલીઝ કરાઈ હતી. માધુરી દીક્ષિત, શાહરુખ ખાન, જયા પ્રદાની ફિલ્મો અહીં લાગતી અને લોકો એ ફિલ્મો વાંરવાર જોતા. તેમની ફિલ્મો અઠવાડિયાંઓ સુધી ચાલતી અને આખા મુંબઈમાંથી ફિલ્મરસિયાઓ એ ફિલ્મો જોવા ઊમટી પડતા. ડ્રીમલૅન્ડમાં છેલ્લી ફિલ્મ ટાઇગર શ્રોફની ‘બાગી-૩’ હતી. ‍
એક જમાનાનાં મુંબઈનાં જાણીતાં થિયેટરો અજંતા, એડવર્ડ, કૅપિટોલ, અપ્સરા, ગંગા-જમુના જે રીતે કાળના પડદા પાછળ ચાલ્યા ગયાં એમ હવે સપનાંની દુનિયાની સફર કરવાનાર ડ્રીમલૅન્ડ પર પણ પડદો પડી ગયો છે. 

mumbai news Mumbai