ડેડ બૉડીના હાથ પરના ટૅટૂ પરથી હત્યારા પકડાયા

04 June, 2023 03:48 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ભાઈંદર પોલીસે ઉત્તનમાંથી મળેલી મહિલાની લાશનો કેસ ૨૪ કલાકમાં જ સૉલ્વ કરીને પતિની દાદર સ્ટેશન પરથી કરી અરેસ્ટ

ડેડ બૉડીના હાથ પરના ટૅટૂ પરથી હત્યારા પકડાયા

ભાઈંદર પોલીસે ઉત્તનમાંથી મળેલી મહિલાની લાશનો કેસ ૨૪ કલાકમાં જ સૉલ્વ કરીને પતિની દાદર સ્ટેશન પરથી કરી અરેસ્ટ : હત્યા કર્યા બાદ મૃતદેહ બૅગમાં ફિટ થતો ન હોવાથી ચાકુથી માથું ધડથી અલગ કરી દીધું : માથું બાલદીમાં વર્સોવા બ્રિજ સુધી લઈ જવાયું : પોલીસ એક કલાક મોડી પડી હોત તો  હત્યારો પતિ બિહાર ભાગી ગયો હોત

ભાઈંદર-વેસ્ટના ઉત્તનના દરિયાકિનારા પરથી શુક્રવારે સવારે એક બૅગમાં મહિલાનો હત્યા કરાયેલો માથા વગરનો મૃતદેહ મળી આવ્યો હતો. મીરા-ભાઈંદર, વસઈ-વિરાર (એમબીવીવી) પોલીસ કમિશનરેટનાં અલગ-અલગ પોલીસ સ્ટેશનોની ટીમ બનાવીને કેસનો ઉકેલ લાવવા તપાસ શરૂ કરાઈ હતી. ભાઈંદર-ઈસ્ટના નવઘર પોલીસ સ્ટેશનના સબ-ઇન્સ્પેક્ટર અભિજિત લાંડે અને તેમની ટીમને કેસ સૉલ્વ કરવામાં સફળતા મળી હતી. ૨૪ કલાક રાઉન્ડ ધ ક્લૉક તપાસ કરી એક-એક ક્લુ ભેગી કરીને અંજલિ સિંહની હત્યા કરવાના આરોપસર તેના જ પતિ મિન્ટુ સિંહને તે બિહાર નાસી જાય એ પહેલાં દાદર પર બહારગામ જતી ટ્રેનમાં બેસે એ પહેલાં ઝડપી લીધો હતો. એ પછી હત્યામાં મદદ કરનાર તેના મોટા ભાઈ ચુનચુન સિંહની પણ ધરપકડ કરાઈ હતી.
ઉત્તનના દરિયાકિનારા પરથી મળી આવેલી બૅગમાં મરૂન ટી-શર્ટ અને બ્લૅક શૉર્ટ્સ પહેરેલી ૨૫થી ૩૦ વર્ષની મહિલાનો માથા વગરનો મૃતદેહ મળી આવતાં સનસનાટી મચી ગઈ હતી. એમાં પણ તેના હાથ પર ત્રિશૂળ અને ડમરુનું ટૅટૂ હોવાથી અનેક શંકાકુશંકા અને વાતો સોશ્યલ મીડિયામાં વહેતી થવા માંડી હતી. એથી કેસ કોઈ જાતીય રંગ પકડે એ પહેલાં સૉલ્વ કરવો બહુ જરૂરી હતો. એમબીવીવી પોલીસના ઉચ્ચ અધિકારીઓએ તેમના બેસ્ટ ગણાતા ક્રાઇમના અધિકારીઓની અલગ-અલગ ટીમ બનાવીને તપાસ ચાલુ કરાવી હતી. 
આ કેસ ૨૪ કલાકમાં જ ઉકેલી નાખનાર ભાઈંદર-ઈસ્ટના નવઘર પોલીસ સ્ટેશનના સબ-ઇન્સ્પેક્ટર અભિજિત લાંડેએ કેસની વિગતો આપતાં કહ્યું હતું કે ‘અમારી પાસે એક જ ક્લુ હતી અને એ હતી એ મહિલાના હાથ પરનું ટૅટૂ. એથી અમારી ટીમે ટૅટૂ બનાવનાર આર્ટિસ્ટોની પૂછપરછ કરીને આ રીતનું ટૅટૂ કોણ બનાવે છે એની તપાસ કર્યા પછી નાયગાંવના એ આર્ટિસ્ટ પાસે પહેંચ્યા હતા. તેણે ટૅટૂનો ફોટો અને મહિલાનો હાથ જોઈને કહી દીધું કે ટૅટૂ તેણે જ બનાવ્યું છે. જોકે ઘણીબધી મહિલાઓ તેની પાસે ટૅટૂ બનાવતી હોવાથી ક્યારે અને કઈ મહિલાએ એ ટૅટૂ કેટલા વખત પહેલાં બનાવ્યું એ કહેવું તેના માટે પણ મુશ્કેલ હતું. એ પછી તેની સાથે વાત કરતાં તેણે કહ્યું કે જો સારું ટૅટૂ હોય તો એ બનાવતી વખતનો વિડિયો ઇન્સ્ટાગ્રામ પર મૂકે છે. એથી અમે તેના જૂના વિડિયો જોવાનું ચાલુ કર્યું. એમાં એ વિડિયો મળ્યો જેમાં અંજલિ તેની પાસે ટૅટૂ બનાવી રહી હતી. અમે એ વિડિયો કયા દિવસે અપલોડ કર્યો હતો એ શોધી કાઢ્યું. ત્યાર બાદ અંજલિએ બનાવેલા ટૅટૂ માટે તેના પતિએ જીપે પર પેમેન્ટ કર્યું હતું એ મળી આવ્યું અને એના પરથી તેનો નંબર મેળવ્યો. ત્યાર બાદ એ નંબર ટ્રેસ કર્યો. આ બધું કરવામાં ટાઇમ લાગી રહ્યો હતો. આખરે એ નંબર લોકલ ટ્રેનમાં દાદર તરફ મૂવ થઈ રહ્યો હોવાની જાણ થઈ હતી. એથી અમારી ટીમ દાદર જવા રવાના થઈ. અમને જે વિડિયો મળ્યો હતો એમાં મહિલાના પતિનો ચહેરો હતો, પણ એ બહુ ક્લિયર નહોતો. તે થોડી દાઢી રાખે છે અને ચહેરાનો આછોપાતળો ખ્યાલ આવી રહ્યો હતો.’
અભિજિત લાંડેએ વધુમાં કહ્યું હતું કે ‘અમે દાદર સ્ટેશન પર પહોંચ્યા ત્યારે ત્યાં બહુ જ ભીડ હતી. બિહાર જતી ટ્રેન પકડવા અનેક લોકો ત્યાં ઊભા હતા. એથી એ ભીડમાંથી તેને શોધી કાઢવા પણ અમારી કાબેલિયત વાપરવી પડી હતી. આખરે મિન્ટુ સિંહ અમારા હાથ આવ્યો હતો. જોકે તેને પકડી લીધા પછી પાંચ-છ કલાક સુધી તે કબૂલી જ નહોતો રહ્યો. એ પછી તેણે આખરે મોં ખોલ્યું હતું. તેણે પોલીસ-તપાસમાં કહ્યું કે તે મૂળ બિહારના સીતામઢીનો છે અને તેની પત્ની અંજલિ નેપાલની છે. સીતામઢી નેપાલની બૉર્ડર પાસે જ આવેલું છે. અંજલિ નાનું-મોટું મૉડલિંગનુ કામ કરતી હતી. જોકે એ કામને કારણે કે તે અન્ય પુરુષના સંપર્કમાં આવી હતી અને તેમની વચ્ચે અફેર ચાલી રહ્યું હતું. તે મુંબઈમાં સિક્યૉરિટી ગાર્ડ તરીકે જૉબ કરતો હતો. બંનેને ૧૪ મહિનાનું એક બાળક પણ છે. બુધવારે ૨૪ મેએ રાતે તે દારૂ પીને ઘરે આવ્યો હતો અને અંજલિ સાથે તેનો ફરી એક વખત જોરદાર ઝઘડો થયો હતો. તેણે અંજલિની મારઝૂડ કરતાં અંજલિ પડી ગઈ હતી અને તેનું માથું જમીન સાથે અથડાતાં તેને ગંભીર ઈજા થઈ હતી. જોકે એ પછી ઉશ્કેરાઈ ગયેલા મિન્ટુએ તેના ગળા પર ચાકુ પણ ફેરવી દીધું હતું. થોડી વાર બાદ શાંત થયા પછી પોતે શું કરી નાખ્યું એનું તેને ભાન થયું એટલે તેણે ગોરેગામમાં રહેતા અને કાંદિવલીમાં સિક્યૉરિટી ગાર્ડ તરીકે કામ કરતા તેના મોટા ભાઈ ચુનચુન સિંહને બોલાવ્યો. તે આવી ગયા બાદ બંનેએ અંજલિનો મૃતદેહ ભાઈંદરની ખાડીમાં ફેંકી દેવાનું નક્કી કર્યું. પછી મોટી બૅગમાં તેનો મૃતદેહ ભર્યો, પણ એમ છતાં અંજલિનું માથું બૅગમાં ફિટ થતું નહોતું એટલે આખરે ચાકુથી તેનું માથું ધડથી અલગ કરી નાખ્યું હતું. ત્યાર બાદ બૅગ બંધ કરી દીધી હતી અને અંજલિનું માથું બાલદીમાં નાખીને સાથે લીધું હતું, બંને જણ બાઇક પર ભાઈંદરની ખાડી પર વર્સોવા બ્રિજ પર આવ્યા અને બૅગ અને માથું ખાડીમાં ફગાવીને પાછાં નાયગાંવ ઘરે આવી ગયા હતા. એ પછી આખું ઘર સાફ કર્યું હતું. ચુનચુન સિંહ ત્યાર બાદ તેના ગોરેગામના ઘરે નીકળી ગયો, જ્યારે મિન્ટુ સિંહે તેના ૧૪ મહિનાના બાળકને લઈને નેપાલ જવા બિહારની ટ્રેન પકડી લીધી હતી. તેણે નેપાલ જઈને અંજલિનાં માતા-પિતાને પોતાનું બાળક સોંપી દીધું અને કહ્યું કે તમારી દીકરી બીજા માણસ સાથે ભાગી ગઈ છે એટલે તમે થોડા દિવસ બાળકને તમારી પાસે રાખો. એ પછી તે ફરી મુંબઈ આવવા નીકળી ગયો હતો. તેનો થોડોઘણો મહત્ત્વનો સામાન રૂમ પર જ રહી ગયો હતો એ લેવા તે પાછો આવ્યો હતો. પહેલી તારીખે તે આવ્યો અને એ સામાન લઈને પાછો બિહાર જવા નીકળ્યો હતો. જોકે તે ટ્રેન પકડે એ પહેલાં જ અમે તેને પકડી લીધો હતો. આમ બહુ ઝડપી અને ટેક્નિકલ તપાસ કરીને તેને ઝડપી લેવાયો હતો. જો અમે એકાદ કલાક પણ મોડા પહોંચ્યા હોત તો તેણે તેનો મોબાઇલ બંધ કરી દીધો હોત અને તેને ટ્રૅક કરવો મુશ્કેલ થઈ ગયું હોત.’ 

Mumbai mumbai news Crime News