સાંતાક્રુઝ-ચેમ્બુર લિન્ક રોડનો પહેલો એક્સ્ટેન્શન રોડ ફેબ્રુઆરીમાં શરૂ થશે

30 January, 2023 08:23 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

સાંતાક્રુઝના વાકોલાથી કાલિના અને ત્યાંથી મિલિટરી કૅમ્પ ફરી યુનિવર્સિટી અને પછી મીઠી રિવરથી ચેમ્બુર જતા કાલિના સીએસટી રોડ પર સખત ટ્રાફિક જૅમ થાય છે

બાંદરા-કુર્લા કૉમ્પ્લેક્સ પાસે આવેલો સાંતાક્રુઝ-ચેમ્બુર લિન્ક રોડ એક્સ્ટેન્શનનો ભાગ.

મુંબઈ : બૉમ્બે હાઈ કોર્ટમાં કરાયેલી જનહિતની અરજીને કારણે હવે સાંતાક્રુઝ-ચેમ્બુર લિન્ક રોડના ગ્રૅન્ડ હયાત હોટેલથી અહમદ રઝા ચોક સુધીના પહેલા ૧.૮ કિલોમીટર લાંબા એક્સ્ટેન્શન રોડને ફેબ્રુઆરીના અંત સુધીમાં ચાલુ કરાશે એવી એમએમઆરડીએએ આપેલી માહિતીને કારણે મુંબઈગરાની ટ્રાફિકની સમસ્યાનો કેટલાક અંશે અંત આવે એવી શક્યતા ઊભી થઈ છે.

સાંતાક્રુઝના વાકોલાથી કાલિના અને ત્યાંથી મિલિટરી કૅમ્પ ફરી યુનિવર્સિટી અને પછી મીઠી રિવરથી ચેમ્બુર જતા કાલિના સીએસટી રોડ પર સખત ટ્રાફિક જૅમ થાય છે. એથી ઘણા મોટરિસ્ટો પ્રમાણમાં ઓછા ટ્રાફિકવાળા યુનિવર્સિટીની બાજુમાંથી પસાર થતા હંસા બુર્ગા માર્ગનો ઉપયોગ કરતા હતા. જોકે એના પર આ ફ્લાયઓવરનું કામ પાંચ વર્ષથી ચાલી રહ્યું હોવાથી ત્યાં પણ ટ્રાફિક જૅમ થતો હતો. હવે એમાંથી મુક્તિ મળશે અને લોકો સડસડાટ એ ફ્લાયઓવર પરથી મીઠી રિવર સુધી અને ત્યાર બાદ સાંતાક્રુઝ લિન્ક રોડના બ્રિજ પર ચડી શકશે.  

મુંબઈની ટ્રાફિકની સમસ્યાને નિવારવા અને ખાસ તો સેન્ટ્રલ અને વેસ્ટર્નનાં સબર્બ્સને જોડવા સાંતાક્રુઝ-ચેમ્બુર લિન્ક રોડ બનાવવામાં આવ્યો હતો. એની સાથે જ એને અલગ-અલગ એક્સ્ટેન્શન આપવાનો પણ પ્લાન કરાયો હતો. ૨૦૧૬માં એક્સ્ટેન્શનનું કામ ચાલુ કરાયું હતું, પણ એ ધીમી ગતિએ ચાલી રહ્યું હતું અને માંડ ૫૦ ટકા કામ થયું હતું. એને કારણે લોકોને ટ્રાફિક જૅમનો ભોગ બનવું પડતું હતું. આરટીઆઇ ઍક્ટિવિસ્ટ શકીલ અહમદે આ બાબતે પહેલાં સંબંધિત ડિપાર્ટમેન્ટ્સને જાણ કરીને એ કામ જલદી હાથ ધરાય એ માટે રજૂઆત કરી હતી અને એ પછી જનહિતની અરજી કરી હતી. ટ્રાફિક જૅમને ખાળવા સાંતાક્રુઝમાં હયાત હોટેલથી કુર્લામાં સીએસટી રોડ અને બીકેસી જંક્શન (અહમદ રઝા ચોક) સુધીના ૧.૮ કિલોમીટર લાંબા એક્સ્ટેન્શન રોડનું કામ હાથ ધરાયું હતું. ૨૦૧૬માં શરૂ કરાયેલું કામ ૨૦૧૯ સુધીમાં આટોપી લેવાનું હતું. જોકે કામમાં મોડું થતાં એમએમઆરડીએએ એની મુદત એપ્રિલ ૨૦૨૨ સુધી લંબાવી હતી. એમ છતાં મુદત સુધીમાં પણ માત્ર ૫૦ ટકા જ કામ થઈ શક્યું હતું. એ રોડ બનાવવા ખાડા કરાયા હતા એને કારણે ટ્રાફિક જૅમ થતો હતો અને લોકોને હાડમારી ભોગવવી પડતી હતી.

આરટીઆઇ ઍક્ટિવિસ્ટ શકીલ અહમદ અને સિનિયર ઍડ્વોકેટ મૌહમ્મદ ઝેને આ સંદર્ભે સંબંધિત વિભાગોમાં ઘણી વાર ફરિયાદો કરી હતી, પણ કોઈ કાર્યવાહી થઈ નહીં એટલે આખરે શકીલ અહમદે ૨૦૨૧માં બૉમ્બે હાઈ કોર્ટમાં જનહિતની અરજી કરી હતી. એ અરજીની સુનાવણીમાં એમએમઆરડીએએ એપ્રિલ ૨૦૨૨ સુધીમાં એ કામ આટોપીને રોડ ચાલુ કરી દેશે એમ જણાવ્યું હતું. એમ છતાં એ કામ થઈ શક્યું નહોતું. બૉમ્બે હાઈ કોર્ટમાં શુક્રવારે આ સંદર્ભે થયેલી સુનાવણીમાં એમએમઆરડીએએ કોર્ટને કહ્યું હતું કે હવે કામ ઝડપથી થઈ રહ્યું છે અને હોટેલ ગ્રૅન્ડ હયાતથી લઈને અહમદ રઝા ચોક અને બીકેસીથી એલબીએસ રોડ જંક્શન સુધીના પહેલા એક્સ્ટેન્શન રોડને ફેબ્રુઆરી ૨૦૨૩ના અંત સુધીમાં ખુલ્લો મૂકી દેવાશે. કોર્ટે તેમની આ રજૂઆતને માન્ય રાખી છે અને અરજીની હવે પછીની સુનાવણી આઠમી માર્ચ પર ઠેલી છે.

mumbai mumbai news santacruz chembur