06 April, 2026 11:14 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
સેન્ટ્રલ રેલવેએ યલો લાઇનની અંદર ઊભા રહેવા મુસાફરોને જાગ્રત કરવા સોશ્યલ મીડિયા પર મૂકેલી પોસ્ટ.
લોકલ ટ્રેનમાં ચડવા માટે સંઘર્ષ કરતા પ્રવાસીઓની સેફ્ટી વિશે ચિંતા વ્યક્ત કરીને અદાલતે રેલવે-પ્રશાસનને ભૂલ બતાવી
રેલવે-પ્લૅટફૉર્મ પર સુરક્ષા માટે દોરવામાં આવતી યલો લાઇન અને અન્ય ચેતવણી બાબતે બૉમ્બે હાઈ કોર્ટે રેલવે-પ્રશાસનની ઝાટકણી કાઢી છે. કોર્ટે અવલોકન કર્યું હતું કે પ્લૅટફૉર્મ પર આ યલો લાઇન શા માટે છે એનો હેતુ ક્યાંય જણાવવામાં આવ્યો નથી કે પ્રવાસીઓને સાવચેત રહેવા માટે આ સંદર્ભે કોઈ જાહેરાત પણ કરવામાં આવી નથી.
૨૦૧૨માં કલ્યાણ-ડોમ્બિવલી વચ્ચે જીવ ગુમાવનાર બાલકૃષ્ણ ભંડારીનાં મમ્મી-પપ્પાએ વળતર માટે હાઈ કોર્ટમાં અપીલ કરી હતી. આ કેસની સુનાવણી દરમ્યાન મૃત્યુના કારણ વિશે વિરોધાભાસી રિપોર્ટ આવ્યા હતા. સ્ટેશન-માસ્ટરના અહેવાલ મુજબ યુવક પ્લૅટફૉર્મની ધાર પર ઊભો હતો અને લોકલ ટ્રેનની અડફેટે ચડ્યો હતો, જ્યારે રેલવે પ્રોટેક્શન ફોર્સ અને એક્ઝિક્યુટિવ મૅજિસ્ટ્રેટના રિપોર્ટમાં એવું દર્શાવાયું હતું કે યુવક ટ્રેનના દરવાજા પાસે ઊભો હતો અને ચાલતી ટ્રેનમાંથી પડી ગયો હતો.
જજે નોંધ્યું હતું કે ‘મુંબઈ લોકલ ટ્રેનમાં ભીડ એટલી હોય છે કે બેસવાની જગ્યા તો ઠીક, ટ્રેન ઊભી રહે એ પહેલાં ટ્રેનમાં ચડવા માટે પણ લોકોએ સંઘર્ષ કરવો પડે છે. ખાસ કરીને સેન્ટ્રલ રેલવેમાં. આવી સ્થિતિમાં દરવાજા પાસે ઊભા રહેવું એને પ્રવાસીની બેદરકારી ન ગણી શકાય.’
અદાલતે રેલવેની ટકોર કરતાં કહ્યું હતું કે ‘પ્લૅટફૉર્મ પર દોરાતી યલો લાઇનનો હેતુ શું છે એ ક્યાંય સ્પષ્ટ નથી થતું. પ્રવાસીઓને સાવચેત કરવા માટે કોઈ જાહેરાત કે સૂચના આપવામાં આવતી નથી. ટ્રેન પ્લૅટફૉર્મ પર ઊભી ન રહે ત્યાં સુધી આ લાઇન ક્રૉસ ન કરવાની સૂચના આપવા માટે રેલવે-પોલીસ કે પોલીસને પણ કામગીરી સોંપી શકાય. ઝીબ્રા ક્રૉસિંગની જેમ આ પટ્ટીઓ પણ નિયમિત રીતે રંગવી જોઈએ. પ્રશાસને આ લાઇનને લક્ષ્મણરેખા ગણાવવા માટે પીળાને બદલે લાલ રંગનો ઉપયોગ કરવા પર પણ વિચાર કરવો જોઈએ અને એટલે પ્રવાસીને સંકેત મળે કે તેઓ ડેન્જર ઝોનમાં પ્રવેશી રહ્યા છે.’
કોર્ટે એમ પણ નોંધ્યું હતું કે જ્યારે કોઈ ફાસ્ટ ટ્રેન પ્લૅટફૉર્મ પરથી પસાર થવાની હોય ત્યારે પ્રવાસીઓને પ્લૅટફૉર્મની ધારથી દૂર રહેવાની સૂચના અપાય છે, પરંતુ સ્ટેશન પર ટ્રેન ઊભી રહેવાની હોય ત્યાં આવી કોઈ સાવચેતીની જાહેરાત કરવામાં આવતી નથી. સેન્ટ્રલ રેલવેના વકીલે ખાતરી આપી હતી કે કોર્ટનાં સૂચનો પર ગંભીરતાથી વિચાર કરવામાં આવશે.
અકસ્માતે ટ્રૅક પર પડી ન જવાય કે ઝડપથી પસાર થતી ટ્રેનની અડફેટે ન અવાય એટલે યલો લાઇનની પાછળ જ ઊભા રહેવું હિતાવહ છે. ટ્રેન પ્લૅટફૉર્મ પર ઊભી રહે ત્યાર પછી જ ટ્રેનમાં ચડવા માટે યલો લાઇન ક્રૉસ કરી શકાય.