29 April, 2025 12:18 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ટૅમ્પો પલટી થયો એને પગલે એની સાથે બીજાં વાહનો અથડાયાં હતાં.
સોમવારે સવારે વેસ્ટર્ન એક્સપ્રેસ હાઇવેના અંધેરી બ્રિજ (સહાર ફ્લાયઓવર) પર એક ટેમ્પો પલટી જતાં આશરે સાત જેટલાં વાહનો અથડાઈ ગયાં હતાં. આ અકસ્માતમાં કોઈ જાનહાનિ થઈ નહોતી, પરંતુ વાહનો ખસેડવાનું કામ ચાલતાં આશરે પાંચ કલાક સુધી સાઉથ મુંબઈ તરફ જતો ટ્રૅફિક ખોરવાયો હતો. સવારે નવ વાગ્યે અકસ્માત થયો હોવાથી પીક-અવર્સમાં જ કામ પર જતા હજારો મુસાફરો અટવાયા હતા.
મુંબઈ ટ્રૅફિક પોલીસે જણાવ્યું હતું કે ‘ટેમ્પો-ડ્રાઇવરે બૅલૅન્સ ગુમાવતાં ટેમ્પો બીજાં વાહનોને ભટકાઈને પલટી જતાં પાછળનાં વાહનો પણ અથડાઈ ગયાં હતાં. એના કારણે સાઉથ મુંબઈ તરફ જતી લેન બ્લૉક થઈ ગઈ હતી. અકસ્માતને કારણે ટેમ્પો અને ચારથી પાંચ કારને ખૂબ નુકસાન થયું હતું. આ વાહનોને હટાવવાની કામગીરી દરમ્યાન આ લેન પર વાહનોની લાંબી લાઇન લાગી હતી અને ટ્રૅફિક-જૅમને કારણે વાહનો ખૂબ ધીમી ગતિએ આગળ વધતાં હતાં.’