18 June, 2024 11:51 AM IST | Pune | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક ફાઇલ તસવીર
પુણેના કલ્યાણી નગરમાં જાણીતા બિલ્ડરના ટીનેજર નબીરાએ દારૂના નશામાં પૉર્શે કાર ચલાવીને બે સૉફ્ટવેર એન્જિનિયરોના જીવ લેવાની ઘટના તાજી છે ત્યાં શનિવારે પુણેના જ આળંદીમાં એક મહિલાને કાર નીચે કચડી નાખવાનો પ્રયાસ કરવા બદલ પોલીસે ૧૭ વર્ષના એક ટીનેજરની ધરપકડ કરી હોવાનું જાણવા મળ્યું હતું. પોલીસે જણાવ્યા મુજબ શનિવારે આરોપી ટીનેજરે આળંદીના વડગાંવ ઘેનંદ ગામમાં એક મહિલાના પતિ અને સસરાને અપશબ્દો કહ્યા હતા એટલે મહિલા અને આ ટીનેજર વચ્ચે બોલાચાલી થઈ હતી. સોશ્યલ મીડિયામાં વાઇરલ થયેલા આ ઘટનાના વિડિયોમાં એ ટીનેજર મહિલા સાથે બોલાચાલી થયા બાદ કારમાં બેઠો હતો અને તેણે કાર ચલાવીને મહિલાને કચડી નાખવાનો પ્રયાસ કર્યો હોવાનું જણાયું હતું. આથી પોલીસે ટીનેજરની ધરપકડ કરી છે.