19 January, 2026 07:02 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
બાંદરા-વરલી સી-લિન્ક પરથી મૅરથૉનમાં દોડતા મુંબઈગરા.
મુંબઈમાં ગઈ કાલે યોજાયેલી ૨૧મી તાતા મુંબઈ મૅરથૉનમાં પુરુષો અને મહિલાઓની એલીટ કૅટેગરીમાં ફરી એક વખત ઇથિયોપિયાના દોડવીરો જીતી ગયાં હતાં. પુરુષોમાં ટાડુ અબાતે ડેમેએ અને મહિલાઓમાં યેશી કલાયુ ચેકોલેએ આ જીત મળેવી હતી. જીતેલા પ્રથમ ૩ દોડવીરોને અનુક્રમે ૫૦,૦૦૦ ડૉલર, ૨૫,૦૦૦ ડૉલર અને ૧૫,૦૦૦ ડૉલરનું ઇનામ આપવામાં આવ્યું હતું.
મહિલાઓની વિનર યેશી ચેકોલેએ તેની રેસ ૨:૨૫:૧૩ કલાકમાં પૂરી કરી હતી. પુરુષોમાં ટાડુ અબાતે ડેમેએ ૨:૦૯:૫૫ કલાકમાં રેસ પૂરી કરી હતી. યેશી ચેકોલે અને તાડુ અબાતે પ્રથમ સ્થાને જીતતાં ઇથિયોપિયાના દોડવીરો તાતા મૅરથૉનમાં સાતમી વાર વિનર બન્યા હતા.
ટાડુ અબાતે ડેમે (ઉપર ડાબે), કાર્તિક કરકેરા (ઉપર જમણે), યેશી કલાયુ ચેકોલે (નીચે ડાબે), સંજીવની જાધવ (નીચે જમણે)
ભારતીય દોડવીરોમાં મહિલા કૅટેગરીમાં પહેલી આવેલી સંજીવની જાધવે આ પહેલી જ મૅરથૉનમાં ભાગ લીધો હતો અને તે ઓવરઑલ દસમા સ્થાને આવી હતી. તેણે રેસ ૨:૪૯:૦૨ કલાકમાં પૂરી કરી હતી. બીજા નંબરે આવેલી ગુજરાતી મહિલા નિરમાબહેન ઠાકોરે રેસ પૂરી કરવા ૨:૧૯:૧૩ કલાકનો સમય લીધો હતો.
આ વખતે પહેલી વાર મુંબઈગરાઓને કોસ્ટલ રોડ પર દોડવાનો મોકો મળ્યો હતો. તસવીરો : આશિષ રાજે
ભારતીય પુરુષ દોડવીરોમાં કાર્તિક કરકેરા પ્રથમ આવ્યો હતો. તેણે ૨:૧૯:૫૫ કલાકનો સમય લીધો હતો. તેણે ગયા વર્ષના ચૅમ્પિયન અનિશ થાપાને હરાવ્યો હતો, જે બીજા સ્થાને રહ્યો હતો. ત્રીજું સ્થાન પ્રદીપ ચૌધરીએ મેળવ્યું હતું. જીતેલા પહેલા ૩ ભારતીય દોડવીરો પુરુષ અને મહિલાને અનુક્રમે પાંચ લાખ, ૪ લાખ અને ૩ લાખ રૂપિયાનું ઇનામ આપવામાં આવ્યું હતું.