11 February, 2025 11:17 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ગઈ કાલે નવી હોટેલ તાજ બૅન્ડસ્ટૅન્ડનું ભૂમિપૂજન કરતા મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ. (તસવીર : સૈયદ સમીર અબેદી)
તાતા ગ્રુપે વધુ એક તાજ હોટેલ બાંદરા-વેસ્ટમાં બૅન્ડસ્ટૅન્ડ ખાતે સી રૉક હોટેલની જગ્યાએ બાંધવાનો નિર્ણય લીધો છે. આ હોટેલનું નામ તાજ બૅન્ડસ્ટૅન્ડ છે. આ હોટેલ બનાવવા માટે ગઈ કાલે મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે બાંદરા-વેસ્ટમાં બૅન્ડસ્ટૅન્ડ પાસે ભૂમિપૂજન કર્યું હતું. ૯૦ના દાયકા સુધી ફેમસ સી રૉક હોટેલ હતી ત્યાં નવી તાજ હોટેલ બનશે. બૅન્ડસ્ટૅન્ડ પર ઑલરેડી તાજ લૅન્ડ્સ એન્ડ હોટેલ છે જ.
મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે ભૂમિપૂજન કરતી વખતે રતન તાતાને યાદ કરતાં કહ્યું હતું કે ‘આ હોટેલ રતન તાતાના મહત્ત્વપૂર્ણ સપનામાંની એક હતી જે હવે બની રહી છે એનો આનંદ છે. આ હોટેલથી બાંદરા પરિસરના સૌંદર્યમાં વધારો થશે. દેશની આર્થિક રાજધાની મુંબઈની જેમ નાગપુરમાં પણ તાજ હોટેલ શરૂ થવી જોઈએ. મુંબઈની તાજ હોટેલ બનાવવા માટેના શરૂઆતના દિવસોમાં તાતા ગ્રુપે ઘણો સંઘર્ષ કરવો પડ્યો હતો. આ સંઘર્ષ દરેક નાગરિક માટે પ્રેરણાદાયી છે. તાજ માત્ર એક હોટેલ નહીં, દરેક ભારતીયનું ગૌરવ છે.’
ઉલ્લેખનીય છે કે બૉલીવુડ અને ઍરલાઇન્સ કંપનીના ક્રૂની ફેવરિટ ૪૪૦ રૂમ ધરાવતી સી રૉક હોટેલ લુથરિયા બ્રધર્સે બંધાવી હતી, જે ૧૯૭૮માં શરૂ કરવામાં આવી હતી. ૧૯૯૩માં મુંબઈમાં સિરિયલ બૉમ્બ ધડાકા થયા હતા ત્યારે એક બૉમ્બ ધડાકો હોટેલ સી રૉકમાં પણ થતાં હોટેલને નુકસાન થયું હતું એટલે બંધ કરી દેવામાં આવી હતી. અમુક વર્ષ બાદ તાતા ગ્રુપે ૯૩૦ કરોડ રૂપિયામાં સી રૉક હોટેલ ખરીદી લીધી હતી અને એનું ડિમોલિશન કર્યું હતું.