સુશાંત સિંહ રાજપૂત કેસ : રૂપકુમાર શાહને પોલીસ-રક્ષણ અપાયું

30 December, 2022 08:54 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

સુશાંતની બહેન સહિતના લોકોએ માગણી કરી હોવાથી મુંબઈ પોલીસે સિક્યૉરિટી આપી

સુશાંત સિંહ રાજપૂત

મુંબઈ : બૉલીવુડના સદ્ગત અભિનેતા સુશાંત સિંહ રાજપૂતની હત્યા કરવામાં આવી હોવાનો દાવો કરનારા કૂપર હૉસ્પિટલના શબગૃહના કર્મચારી રૂપકુમાર શાહને મુંબઈ પોલીસે સંરક્ષણ આપ્યું હોવાનું જાણવા મળ્યું હતું.

અઢી વર્ષ પહેલાં કૂપર હૉસ્પિટલમાં સુશાંત સિંહ રાજપૂતના મૃતદેહનું પોસ્ટમૉર્ટમ કરનારા કર્મચારી રૂપકુમાર શાહે સોમવારે દાવો કર્યો હતો કે તેણે અભિનેતાના મૃત શરીર પર ઈજાનાં અનેક નિશાન જોયાં હતાં એટલે પ્રાથમિક રીતે લાગ્યું હતું કે સુશાંત આવી હાલતમાં સુસાઇડ ન કરી શકે.

સુશાંત સિંહ રાજપૂતના મૃત્યુનો મામલો હાઈ-પ્રોફાઇલ છે અને રૂપકુમાર શાહ અઢી વર્ષ બાદ તેની હત્યા કરવામાં આવી હોવાનો દાવો કરી રહ્યો છે એટલે તેને ખતરો છે. આથી સુશાંત સિંહની બહેને વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહને ટ્વીટ કરીને રૂપકુમાર શાહને પોલીસ-સુરક્ષા આપવાની વિનંતી કરી હતી. આ વિનંતીને ધ્યાનમાં રાખીને મહારાષ્ટ્ર સરકારે રૂપકુમાર શાહને સિક્યૉરિટી આપી હોવાનું જાણવા મળ્યું હતું.

પૂછપરછમાં શીઝાન ચૂપ

તુનિશા શર્માએ ૨૪ ડિસેમ્બરે વસઈમાં ટીવી-સિરિયલના સેટ પર આત્મહત્યા કરી હતી ત્યારે શું બન્યું હતું એ જાણવાનો આ કેસની તપાસ કરી રહેલી પોલીસે ગુરુવારે પ્રયાસ કર્યો હતો. પોલીસે તુનિશાના ભૂતપૂર્વ પ્રેમી અને સહકલાકાર શીઝાન ખાનને આ વિશે પૂછ્યું હતું. વાલિવ પોલીસ સ્ટેશનના એક અધિકારીના જણાવ્યા મુજબ તુનિશાએ આત્મહત્યા કરી એ દિવસે શૂટિંગમાં લંચ ટાઇમ થયો હતો ત્યારે શીઝાને તુનિશા સાથે પંદર મિનિટ વાત કરી હતી અને બાદમાં તે શૂટિંગ કરવા માટે જતો રહ્યો હતો. શીઝાન ખાન જોકે તેની તુનિશા સાથે છેલ્લે શું વાત થઈ હતી એ વિશે કંઈ કહેતો નથી.

દરમ્યાન, તુનિશાની માતા ‌વનિતા શર્માએ ગઈ કાલે દાવો કર્યો હતો કે શીઝાનને ડ્રગ્સ લેવાની આદત હતી. જ્યારે તુનિશાના કાકા પવલ શર્માએ પોલીસને કહ્યું છે કે આ કેસમાં હત્યાના ઍન્ગલથી તપાસ કરવી જોઈએ. 

mumbai mumbai news sushant singh rajput