આદિત્ય ઠાકરેની કાર પર પથ્થરમારો, આ નેતાએ ગણાવ્યું શિંદે જૂથનું કાવતરું

08 February, 2023 12:05 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

આ ઘટના કેમેરામાં પણ રેકોર્ડ થઈ ગઈ હતી. ઘટનાના વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે આદિત્ય ઠાકરે અને અંબાદાસ દાનવેની કારની સામે કેટલાક લોકોએ હંગામો મચાવ્યો હતો

ફાઇલ તસવીર

મંગળવારે મહારાષ્ટ્ર (Maharashtra)ના ઔરંગાબાદ (Aurangabad) જિલ્લાના મહાલગાંવમાં શિવસેનાના નેતા આદિત્ય ઠાકરે (Aaditya Thackeray)ના કાફલા પર કેટલાક તોફાની તત્વોએ પથ્થરમારો કર્યો હતો. શિવસેનાના નેતા અબ્દાસ દાનવે, જેઓ ઠાકરેની સાથે શિવ સંવાદ યાત્રામાં હતા, તેમણે આરોપ લગાવ્યો કે ઠાકરેની કાર પર શિંદે જૂથના કાર્યકરો દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો. શિવસેના (ઉદ્ધવ બાળાસાહેબ ઠાકરે)ના નેતા આદિત્ય ઠાકરે ઔરંગાબાદના પ્રવાસે હતા ત્યારે કેટલાક સ્થાનિકોએ ઠાકરેની કાર પર પથ્થરમારો કર્યો હતો.

ઘટના કેમેરામાં કેદ

આ ઘટના કેમેરામાં પણ રેકોર્ડ થઈ ગઈ હતી. ઘટનાના વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે આદિત્ય ઠાકરે અને અંબાદાસ દાનવેની કારની સામે કેટલાક લોકોએ હંગામો મચાવ્યો હતો. અંબાદાસ દાનવે ઉદ્ધવ ઠાકરે કેમ્પના નેતા છે. એક મીડિયા હાઉસના અહેવાલ મુજબ દાનવેએ એક વીડિયો જાહેર કરીને કહ્યું કે પથ્થરમારાની ઘટના પાછળ સંભાજીનગરના સ્થાનિક ધારાસભ્યનો હાથ છે. તેમણે દાવો કર્યો હતો કે આ હિંદુ અને દલિત સમાજ વચ્ચે ભાગલા પાડવા માટે કરવામાં આવ્યું હતું.

અબદાસ દાનવેએ પોલીસને પત્ર લખ્યો

અબ્દાસ દાનવેએ ઔરંગાબાદમાં આદિત્ય ઠાકરેના કાર્યક્રમમાં સુરક્ષા ભંગ અંગે મહારાષ્ટ્ર પોલીસના મહાનિર્દેશકને પત્ર લખ્યો છે. દાનવેએ ડીજીપીને ઉલ્લંઘનની ગંભીરતાથી તપાસ કરવા અને જરૂરી પગલાં લેવા વિનંતી કરી છે.

આ પણ વાંચો: વિધાન પરિષદની ગ્રૅજ્યુએટ્સની ચૂંટણી અંધારામાં રખાતાં નારાજગી

`શિવ સંવાદ` યાત્રાની શરૂઆત

શિવસેના (UBT)ના નેતા આદિત્ય ઠાકરેએ સોમવારે પાર્ટીની `શિવ સંવાદ` યાત્રાની સાતમી આવૃત્તિની શરૂઆત કરી. આ દરમિયાન તેઓ મરાઠવાડાના ત્રણ જિલ્લાની મુલાકાત લેશે. પાર્ટી દ્વારા જાહેર કરાયેલા નિવેદન અનુસાર, આદિત્ય ઠાકરે દિવસ દરમિયાન મુબધેગાંવ, વડગાંવ પિંગલા, સિન્નર અને પલસે ગામોની મુલાકાત લેશે અને ત્યારબાદ નાશિકમાં પાર્ટીની બેઠકને સંબોધિત કરશે. તેમાં કહેવામાં આવ્યું છે કે શિવસેનાના નેતા વૈજાપુર (ઔરંગાબાદ) થઈને મરાઠવાડામાં પ્રવેશતા પહેલાં મંગળવારે નાશિક જિલ્લાના ચંદોરી, વિંચુર અને નંદગાંવની મુલાકાત લેશે.

mumbai mumbai news shiv sena aaditya thackeray