વડોદરા–મુંબઈ એક્સપ્રેસવે માટે નડતો માથેરાનની ટનલ સામેનો પ્રૉબ્લેમ થયો દૂર

10 January, 2023 10:12 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

આઠ કિલોમીટર લાંબી આ ટનલના બન્ને છેડા ઇકો-સેન્સિટિવ ઝોનની બહાર આવતા હોવાથી વાઇલ્ડ લાઇફ ક્લિયરન્સની મંજૂરી મેળવવાની જરૂર નથી

ફાઇલ તસવીર

નૅશનલ હાઇવે ઑથોરિટી વડોદરાથી મુંબઈનો એક્સપ્રેસવે બનાવી રહી છે જે પાલઘર, થાણે અને છેક નવી મુંબઈના જવાહરલાલ નેહરુ પોર્ટને પણ જોડશે. જોકે એનો કેટલોક ભાગ માથેરાનના હિલ નીચેથી પસાર થવાનો છે, જે માટે આઠ કિલોમીટર લાંબી ટનલ બનાવવામાં આવશે. એનાથી માથેરાનના જંગલનાં પ્રાણીઓને મુશ્કેલી થઈ શકે એવું જણાવીને એ માટે કેન્દ્ર સરકારના પર્યાવરણ વિભાગની રીજનલ એમ્પાવર્ડ કમિટીનું વાઇલ્ડ લાઇફ ​ક્લિયરન્સ સર્ટિફિકેટ જરૂરી હોવાના દાવા કરાયા હતા. જોકે ટનલના બન્ને છેડા ઇકો-સેન્સિટિવ ઝોનની બહાર આવતા હોવાથી એ મંજૂરી મેળવવી જરૂરી નથી અને એથી હવે ફરી એક વખત એ પ્રોજેક્ટ સડસડાટ આગળ વધે એવી શક્યતા ઊભી થઈ છે અને એ માટેનો વર્કઑર્ડર વહેલી તકે બહાર પડાય એવી શક્યતા છે.

માથેરાનનાં જંગલોમાં ફ્લાઇંગ સ્ક્વિરલ, જંગલી સૂવર, નોટિયા, વિવિધ જાતનાં હરણો, અનેક જાતના વાંદરા અને અનેક સરીસૃપો રહે છે એટલે એના મોટા ભાગના વિસ્તારને કેન્દ્ર સરકારના પર્યવારણ વિભાગે ૨૦૦૩માં ઇકો-સેન્સિટિવ ઝોન જાહેર કર્યો છે, જેથી એમાં કોઈ ડેલવપમેન્ટ ન થાય.

કેન્દ્ર સરકારના પર્યાવરણ વિભાગની રીજનલ એમ્પાવર્ડ કમિટીએ આ બાબતે ચોખવટ કરતાં કહ્યું હતું કે ‘ટનલનું કામ કરનાર એજન્સીએ વાઇલ્ડ લાઇફ ક્લિયરન્સ સર્ટિફિકેટ નથી લીધું એ સાચું, પણ તેમના દ્વારા ફૉરેસ્ટ ડિપાર્ટમેન્ટને જણાવાયું છે કે તેમની ટનલની શરૂઆત માથેરાનના ઇકો-સેન્સિટિવ ઝોનની બહારથી શરૂ થશે અને ટનલનો અંત પણ ઇકો-સેન્સિટિવ ઝોનની બહાર જ થશે એટલે જંગલ વિસ્તારનો ઉપયોગ બિનજંગલનાં કામો માટે થવાનો જ નથી. બીજું, માથેરાનનો ઇકો-સેન્સિટિવ ઝોન વાઇલ્ડ લાઇફ પ્રોટેક્શન ઍક્ટ (૧૭૯૨) અંતર્ગત વાઇલ્ડ લાઇફ સૅન્ક્ચ્યુઅરી પણ નથી અને એ નૅશનલ પાર્ક પણ નથી એટલે નૅશનલ બોર્ડ ઑફ વાઇલ્ડ લાઇફની આગોતરી પરવાનગી માગવાની જરૂર રહેતી નથી.

નૅશનલ હાઇવે ઑથોરિટી ઑફ ઇન્ડિયાના કહેવા મુજબ માથેરાન ઇકો-સેન્સિટિવ ઝોન મૉનિટરિંગ કમિટી દ્વારા આપવામાં આવેલા આ સેક્શનને કારણે ટનલનું કામ ઝડપથી થઈ શકશે, કારણ કે એ ટનલ માથેરાનના જંગલને ઉપરથી કંઈ અસર કરવાની જ નથી એટલે ઇકો-સેન્સિટિવ ઝોનને કોઈ જ નુકસાન થવાનું નથી. એથી હવે અમને આશા છે કે રાજ્ય સરકાર એના માટે જલદીથી વર્કઑર્ડર બહાર પાડશે.

8
માથેરાનની આ ટનલ આટલાં ​કિલોમીટર લાંબી હશે.

mumbai mumbai news vadodara maharashtra matheran