19 December, 2025 07:52 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
દિનેશ વાઘમારે
૨૧ ડિસેમ્બરે રાજ્યમાં નગરપરિષદો અને નગરપંચાયતોની મતગણતરી થવાની છે ત્યારે સ્ટેટ ઇલેક્શન કમિશનર દિનેશ વાઘમારેએ મતગણતરીની પ્રોસેસ શાંતિથી પાર પાડવા માટે કડક નિર્દેશ આપ્યા છે. તેમણે ચેતવણી આપી છે કે વોટ-કાઉન્ટિંગમાં અડચણ ઊભી કરવાનો અથવા કાયદો-વ્યવસ્થાને બગાડવાનો કોઈ પ્રયાસ કરશે તો તેની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.
કલેક્ટરો, પોલીસ-કમિશનરો, પોલીસ-સુપરિન્ટેન્ડેન્ટ્સ અને સિનિયર ઇલેક્શન ઑફિસર્સ સાથેની વિડિયો-કૉન્ફરન્સમાં સ્ટેટ ઇલેક્શન કમિશનરે આ નિર્દેશ આપ્યા હતા. તેમણે કહ્યું હતું કે ‘૨૦ તારીખે વોટિંગ અને ૨૧ તારીખે વોટ-કાઉન્ટિંગ બન્નેની પ્રક્રિયા સરળ અને શાંતિપૂર્ણ રીતે થવી જોઈએ. પ્રોસેસમાં પારદર્શિતા પણ જળવાવી જોઈએ. અધિકારીઓ આગોતરું આયોજન કરી રાખે અને કોઈ ગેરરીતિની જાણ થાય તો તાત્કાલિક પગલાં ભરીને એને દૂર કરે. કોઈ અધિકારી નિયમ તોડતા દેખાય તો તેમની સામે લેવામાં આવતાં તાત્કાલિક પગલાં વિશે મીડિયાને પણ જાણ કરવામાં આવે, જેથી ખોટી માહિતી વાઇરલ થતી અટકાવી શકાય. ઘણી વાર આવી બાબતોની મીડિયાને જાણ ન કરવામાં મિસઇન્ફર્મેશન અને ભ્રમ ફેલાય છે.’
૨૬૪ નગરપરિષદો અને નગરપંચાયતોના પ્રમુખો તથા ૬૦૪૨ સભ્યો માટે બીજી ડિસેમ્બરે વોટિંગ થયું હતું. આ ઉપરાંત ૨૪ નગરપરિષદોના ૧૫૪ સભ્યો માટે ૨૦ ડિસેમ્બરે વોટિંગ થવાનું છે. બે અલગ-અલગ તારીખે વોટિંગ થયું હોવા છતાં તમામ નગરપરિષદો અને નગરપંચાયતોની મતગણતરી ૨૧ ડિસેમ્બરે એકસાથે યોજાશે.