02 September, 2025 08:39 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
સ્પાઇસજેટની દુબઈથી મુંબઈ આવતી ફ્લાઇટ ૧૪ કલાક મોડી પડી હતી. એ દરમ્યાન ઍરલાઇન્સ તરફથી મુસાફરોને માત્ર એક બર્ગર અને ફ્રાઇઝ આપવામાં આવ્યાં હતાં. ઍરલાઇન્સ તરફથી અપૂરતી સર્વિસ અને બેજવાબદાર વર્તન બદલ એક મુસાફરે મુંબઈ ડિસ્ટ્રિક્ટ કન્ઝ્યુમર ડિસ્પ્યુટ રિડ્રેસલ કમિશનમાં ફરિયાદ કરી હતી. એના ચુકાદામાં કમિશને મુસાફરને ૫૫,૦૦૦ રૂપિયા વળતર આપવાનો સ્પાઇસજેટને નિર્દેશ કર્યો છે.
કમિશને નોંધ્યું હતું કે ‘ટેક્નિકલ કારણસર ફ્લાઇટ મોડી પડી હતી એથી મુસાફરોની યાત્રા પૂરી ન થાય ત્યાં સુધીની જવાબદારીમાંથી ઍરલાઇન્સ છટકી ન શકે. રીશેડ્યુલ, કૅન્સલેશન કે ડિલે થવાનાં બહાનાં આપવાં સામાન્ય છે પણ ઍરલાઇન્સે ભોજન, પાણી અને આરામ કરવા માટે યોગ્ય જગ્યા જેવી પ્રાથમિક સુવિધા મુસાફરોને આપવી જ જોઈએ.’
૨૦૨૪ના જુલાઈમાં બનેલા આ બનાવ બાદ ફરિયાદીએ ડિરેક્ટરેટ જનરલ ઑફ સિવિલ એવિયેશન (DGCA) અને સિવિલ એવિયેશન રિક્વાયરમેન્ટ્સ (CAR)ના નિયમોનું ઉલ્લંઘન હોવાનું જણાવીને ફરિયાદ નોંધાવી હતી. બન્ને પક્ષની રજૂઆત સાંભળ્યા બાદ પંચે ફરિયાદીને વળતરપેટે ૫૫,૦૦૦ રૂપિયા ચૂકવવાનો આદેશ આપ્યો છે.