પહલગામ અટૅકનું સમર્થન કરનારા સોલાપુરના યુવકની ધરપકડ

28 April, 2025 06:55 AM IST  |  Solapur | Gujarati Mid-day Correspondent

આરોપી અઝહર શેખે વૉટ્સઍપના સ્ટેટસમાં પોતાને પાકિસ્તાનતરફી ગણાવ્યો એને પગલે બજરંગ દળે પોલીસમાં ફરિયાદ નોંધાવી

પ્રતીકાત્મક તસવીર

પહલગામમાં આતંકવાદી હુમલો કરીને નિર્દોષ ટૂરિસ્ટોની હત્યા પાકિસ્તાને કરાવી હોવાનું જણાયા બાદ ભારતમાં જબરદસ્ત આક્રોશ જોવા મળી રહ્યો છે અને પાકિસ્તાન સામે કડકમાં કડક કાર્યવાહી કરવાની માગણી થઈ રહી છે ત્યારે સોલાપુર જિલ્લાના કરમાળામાં અઝહર શેખ નામના મુસ્લિમ યુવકે તેના વૉટ્સઍપના સ્ટેટસમાં પોતાને પાકિસ્તાનતરફી ગણાવ્યો હોવાની જાણ બજરંગ દળને થઈ હતી. બજરંગ દળના લક્ષ્મણ સાખરેએ કરમાળા પોલીસ-સ્ટેશનમાં જઈને ભારતના દુશ્મન દેશ પાકિસ્તાનનું સમર્થન કરનારા અઝહર શેખ સામે ફરિયાદ નોંધાવી હતી.
કરમાળા પોલીસે ફરિયાદ નોંધ્યા બાદ કરમાળા તાલુકાના શેલગાવ વાંગી નામના ગામમાં રહેતા અઝહર શેખને પોલીસ-સ્ટેશને બોલાવવામાં આવ્યો હતો. તેનો મોબાઇલ પોલીસે ચેક કરતાં અઝહરે વૉટ્સઍપના સ્ટેટસમાં ભારત સામે દ્વેષ પેદા કરતો મેસેજ લખ્યો હોવાનું જણાઈ આવ્યું હતું. આપણા દુશ્મન દેશનું સમર્થન કરીને ભારતીયોની ભાવનાને ઠેસ પહોંચાડવામાં આવી હોવાથી પોલીસે આરોપી અઝહર શેખ સામે ફરિયાદ નોંધીને તેની ધરપકડ કરી હતી. આ ઘટના બાદ પોલીસે લોકોને ભારતીયોની ભાવના દુભાય એવી કોઈ સોશ્યલ મીડિયા પોસ્ટ કે સ્ટેટસ ન રાખવાની અપીલ કરી છે.

mumbai news mumbai solapur Pahalgam Terror Attack