ગૂગલ સર્ચ હિસ્ટરી બની આફતાબ માટે વિલન

25 November, 2022 07:55 AM IST  |  Mumbai | Faizan Khan

આને લીધે આફતાબ અપહરણનો કેસ નોંધાયાના ગણતરીના કલાકોમાં પકડાયો : દિલ્હી પોલીસ કહે છે કે આફતાબ શ્રદ્ધાની હત્યા પ્લાનિંગ સાથે કરવા જ તેને દિલ્હી લઈ ગયો હતો

આફતાબ (માસ્કમાં) સાથે દિલ્હીનો પોલીસ અધિકારી.


મુંબઈ : મહરૌલી પોલીસ સ્ટેશન દ્વારા અપહરણનો કેસ નોંધાયાના ગણતરીના કલાકોમાં આફતાબ પૂનાવાલાની ગૂગલ સર્ચ હિસ્ટરીને કારણે ધરપકડ કરવામાં આવી હતી. પોલીસે જણાવ્યું હતું કે માણેકપુર પોલીસે હત્યાની વિગતો ન આપતાં માત્ર ગુમ થયાની માહિતી આપી હતી અને દિલ્હી પોલીસે બીજા જ દિવસે અપહરણનો કેસ નોંધ્યો હતો. 
દિલ્હી પોલીસના સ્રોતોએ જણાવ્યા અનુસાર માણેકપુર પોલીસે ૯ નવેમ્બરે શ્રદ્ધા ગુમ થયાની વિગતો આપી અને તરત જ અમે અપહરણનો કેસ નોંધ્યો હતો, કેમ કે મરનાર શ્રદ્ધાના પિતાના મતે આફતાબ પૂનાવાલા મુખ્ય શંકાસ્પદ આરોપી હતો અને ૧૦ નવેમ્બરે આફતાબના ઘરેથી તેની ધરપકડ કરવામાં આવી હોવાનું દિલ્હી પોલીસના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું. 
અધિકારીઓએ જણાવ્યું હતું કે આફતાબ પૂનાવાલાને જ્યારે પોલીસ સ્ટેશન લાવવામાં આવ્યો ત્યારે તે એટલો શાંત અને સ્વસ્થ હતો કે એક વખત માટે અધિકારીઓને પણ તેણે કાંઈ ખોટું કર્યું હોવા વિશે શંકા ગઈ હતી. શ્રદ્ધાના પિતા પણ પોલીસ સ્ટેશનમાં હાજર હતા અને તેમને પણ હેરાનગતિ અને મારના આક્ષેપનો સામનો કરવો પડ્યો હતો. જોકે આફતાબ પૂનાવાલાએ કહ્યું કે મે મહિનામાં અમારી વચ્ચે ઝઘડો થયો હતો અને ત્યાર બાદ શ્રદ્ધા ઘર છોડીને જતી રહી હતી. 
અધિકારીઓએ આફતાબ પૂનાવાલાનો મોબાઇલ ફોન લઈને ચેક કરતાં તેણે શ્રદ્ધા સાથેની ચૅટ ડિલીટ કરી હોવાનું ધ્યાનમાં આવ્યું હતું. એક અધિકારી જ્યારે શ્રદ્ધાના ગુમ થવાની ફરિયાદ નોંધી રહ્યો હતો ત્યારે એક બીજા અધિકારી તેની ગૂગલ સર્ચ હિસ્ટરી શોધી રહ્યા હતા, જેમાંથી તેમને કાંઈક શંકાસ્પદ જાણવા મળ્યું હતું. 
અધિકારીઓએ તેની સામે ગૂગલ હિસ્ટરીની વિગતો વિશે સ્પષ્ટતા કરી, જ્યાં નિકાલ માટેનાં રસાયણો અને શરીરના ભાગોને કેવી રીતે કાપવા વગેરે વિશે શોધ કરવામાં આવી હતી. આફતાબ પૂનાવાલા પોતાની સર્ચ હિસ્ટરી સર્ચ જોતાં આશ્ચર્યચકિત થયો હતો તથા પછીથી તેણે શ્રદ્ધાના પિતાની સામે જ ગુનો કબૂલી લીધો હતો એમ વિગતોના જાણકાર અધિકારીએ કહ્યું હતું. 
શ્રદ્ધા વાલકરના પિતા આ બધી વિગતો સાંભળીને તેમ જ દીકરીની હત્યાની વાત સાંભળીને પોલીસ સ્ટેશનમાં આઘાતથી ભાંગી પડ્યા હતા. જોકે આફતાબ પૂનાવાલાએ એવો દાવો કર્યો હતો કે મેં જાણીજોઈને તેની હત્યા નહોતી કરી. ક્ષણિક રોષના આવેશમાં શ્રદ્ધાની ઉશ્કેરણીને પગલે તેનાથી હત્યા થઈ ગઈ હતી. આફતાબ પૂનાવાલાએ હત્યાની કબૂલાત કરતાં તેની સામેના અપહરણની ફરિયાદને હત્યામાં ફેરવવામાં આવી હતી.
માણેકપુર પોલીસ સ્ટેશન તરફથી એવો દાવો કરવામાં આવ્યો હતો કે કેસની તપાસ તેમણે કરી હતી અને મહરૌલી પોલીસને આફતાબ પૂનાવાલા દ્વારા સંભવિત હત્યાની માહિતી આપી હતી, પરંતુ દિલ્હી પોલીસે એ નકારી કાઢી હતી. અધિકારીઓએ ‘મિડ-ડે’ને જણાવ્યું હતું કે તેઓ શ્રદ્ધાના ગુમ થયાની ફરિયાદ લઈને આવ્યા હતા, જેનું લાસ્ટ લોકેશન મહરૌલી હતું. 
દિલ્હી પોલીસને હવે શંકા છે કે આફતાબ પૂનાવાલાએ અગાઉથી યોજના ઘડીને હત્યા કરી હશે. શ્રદ્ધાના પિતાએ પણ તેમની ફરિયાદમાં જણાવ્યું હતું કે તેમની પુત્રીની હત્યા આફતાબ પૂનાવાલાએ યોજનાબદ્ધ રીતે કરી છે અને કદાચ એને માટે જ તે શ્રદ્ધાને દિલ્હી લઈ ગયો હતો. પોલીસની શંકા એ કારણથી પણ વધુ ગાઢ બને છે, કેમ કે નવેમ્બર ૨૦૨૦માં શ્રદ્ધાએ વસઈ પોલીસને પત્ર લખીને જાણ કરી હતી કે આફતાબ મને માર મારે છે અને ટુકડેટુકડા કરી નાખવાની ધમકી આપે છે. 
પોલીસ અધિકારીઓ પૉલિગ્રાફ અને નાર્કો ટેસ્ટ વખતે તેને આ વિશે પ્રશ્ન કરશે અને જો કોઈ કડી મળશે તો આફતાબ સામેની ફરિયાદમાં કલમ ૧૨૦ (ગુનાહિત કાવતરું) પણ ઉમેરશે. સૂત્રોએ જણાવ્યા મુજબ પોલીસ આફતાબ પૂનાવાલાના પરિવારના લોકોની પણ આમાં સંડોવણી છે કે નહીં એની તપાસ કરી રહી છે. અત્યાર સુધી તો તેમને આવી કોઈ વિગતો મળી નથી, પરંતુ હાલમાં તેઓ મે અને ઑક્ટોબર મહિના દરમ્યાન કોઈએ દિલ્હીની મુલાકાત લીધી હતી કે નહીં એ ચકાસી રહ્યા છે.

mumbai news Crime News