લોઅર પરેલની સેન્ટ રીજિસ હોટેલના કામગારોના શિવસેના (UBT) ને BJPના યુનિયન વચ્ચે ગરમાગરમી

06 December, 2025 11:36 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

પોલીસે દરમ્યાનગીરી કરીને બન્ને પક્ષોના કાર્યકરોને છૂટા પાડ્યા હતા.

હોટેલના કામગાર યુનિયન પરના વર્ચસને લઈને બન્ને પક્ષોના યુનિયનોમાં વિવાદ થયો હતો

ઉદ્ધવ ઠાકરેના વડપણ હેઠળની શિવસેના અને ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો ગઈ કાલે લોઅર પરેલમાં આવેલી સેન્ટ રીજિસ હોટેલમાં બાખડ્યા હતા. એક તબક્કે તો બન્ને કામગાર યુનિયનના સભ્યો જોરદાર દલીલબાજી, નારાબાજી અને છુટ્ટા હાથની મારામારી પર પહોંચી ગયા હતા. પોલીસે દરમ્યાનગીરી કરીને બન્ને પક્ષોના કાર્યકરોને છૂટા પાડ્યા હતા. અડધો-પોણો કલાક તેમની વચ્ચે આ ધમાલ ચાલી હતી.

શિવસેના કામગાર સેનાના સમર્થકે આ બાબતે કહ્યું હતું કે ‘છેલ્લાં ૧૨ વર્ષથી અહીં અમારું જ કામગાર યુનિયન છે. છ મહિના પહેલાં NCPના કેટલાક લોકો આવી ગયા. એ જ લોકો, એ જ છોકરાઓને હવે BJP લાવી રહી છે. તેમની સાથે ગણીને ૧૦થી ૧૨ જણ જ છે. એમ છતાં એ લોકો અમારી સામે ઊભા રહે છે. અમારી સાથે ૪૫૦ કામગાર યુવાનો છે. એ લોકો આવે છે તેમનું બોર્ડ લગાડવા. તેમણે છુપાઈને એ બોર્ડ લગાડવાનો પ્રયાસ પણ કર્યો હતો. અમે એ બોર્ડ એક જ મિનિટમાં ફાડી નાખ્યું અને આ જ અમારો શિવસેનાનો વિજય છે. અમારું યુનિયન અહીં એસ્ટૅબ્લિશ્ડ અને રજિસ્ટર્ડ યુનિયન છે.’  

સામા પક્ષે BJPના પદાધિકારીએ કહ્યું હતું કે ‘આમાં કોઈ વિવાદ છે જ નહીં. આ કામગારોના હક અને ન્યાયનો સવાલ છે. અહીં પહેલાં પણ  BJPનું કામગાર યુનિયન હતું જ. કામગારો ફરી એક વખત BJP પાસે આવ્યા છે. અમે કાયદાનું પાલન કરીને જ અહીં બોર્ડ લગાવવા આવ્યા હતા જેથી કામગારો અમારી સાથે સંપર્કમાં રહી શકે. અમે કોઈ સંઘર્ષમાં ઊતરવા માગતા નથી. કામગારોના ન્યાય અને હક માટે અમે અહીં બોર્ડ લગાડી રહ્યા છીએ.’

lower parel bandra shiv sena bharatiya janata party mumbai mumbai news