બાંદરા-ઈસ્ટમાં શિવસેનાના ઉમેદવાર પર ચાકુથી હુમલો

08 January, 2026 08:24 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

સલીમ કુરેશીને તરત જ ત્યાર બાદ ટૂ-વ્હીલર પર બાંદરા-વેસ્ટની લેક વ્યુ હૉસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા.

અજાણ્યા હુમલાખોરે કરેલા હુમલામાં ઘવાયેલા શિવસેનાના ઉમેદવાર સલીમ કુરેશીને તરત જ બાંદરા-વેસ્ટની લેક વ્યુ હૉસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા.

બાંદરા-ઈસ્ટના વૉર્ડ-નંબર ૯૨ના એકનાથ શિંદેની શિવસેનાના ઉમેદવાર સલીમ કુરેશી પર ગઈ કાલે સાંજે તેઓ સંત જ્ઞાનેશ્વરનગરમાં પ્રચાર કરી રહ્યા હતા ત્યારે અજાણ્યા માણસે ચાકુથી હુમલો કર્યો હતો. શિવસેનાના બાંદરા-ઈસ્ટના વિભાગ-પ્રમુખ કુણાલ સરમળકરે કહ્યું હતું કે ‘સલીમ કુરેશી પર હુમલો કરનારે ૪ વાર કર્યા હતા. સલીમ કુરેશીને તરત જ ત્યાર બાદ ટૂ-વ્હીલર પર બાંદરા-વેસ્ટની લેક વ્યુ હૉસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા.

ત્યાં તેમના પર સર્જરી કરવામાં આવી હતી અને એ પછી તેમને ઇન્ટેન્સિવ કૅર યુનિટમાં ખસેડવામાં આવ્યા હતા.’ ડેપ્યુટી કમિશનર ઑફ પોલીસ મનીષ કલવાણિયાએ કહ્યું હતું કે ‘સલીમ કુરેશીને પેટમાં કેટલીક ઈજા થઈ છે. જોકે હવે તે ખતરાથી બહાર છે.’ સલીમ કુરેશી ૨૦૧૭ની ૨૦૨૨ સુધી મુંબઈ સુધરાઈમાં ઑલ ઇન્ડિયા મજલિસ-એ-ઇત્તેહાદુલ મુસ્લિમીન (AIMIM)ના નગરસેવક રહી ચૂક્યા હતા. ત્યાર બાદ તેઓ પાર્ટી ચેન્જ કરીને શિવસેનામાં જોડાઈ ગયા હતા. સલીમ કુરેશી પર થયેલા હુમલાની જાણ પાર્ટીના લીડર એકનાથ શિંદેને પણ કરવામાં આવી હતી. 

mumbai news mumbai bandra mumbai crime news Crime News shiv sena bmc election municipal elections