મહારાષ્ટ્રને બદલે ગુજરાતની સેવા કરવા શિંદે સરકાર રચાઈ છે : જયંત પાટીલ

04 November, 2022 09:58 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

જયંત પાટીલે કહ્યું હતું કે એક પછી એક પ્રોજેક્ટ ગુજરાતમાં ખસી રહ્યા છે અને મુખ્ય પ્રધાન અને નાયબ મુખ્ય પ્રધાન મૂકપણે જોઈ રહ્યા છે.

જયંત પાટીલ

મુંબઈ (પી.ટી.આઇ.) : નૅશનલિસ્ટ કૉન્ગ્રેસ પાર્ટી (એનસીપી)ના નેતા જયંત પાટીલે મોટા ઔદ્યોગિક પ્રોજેક્ટ્સ હાથમાંથી જવા બદલ રાજ્ય સરકારની ઝાટકણી કાઢતાં સરકાર પર ગુજરાતની સેવા કરવાનો આક્ષેપ મૂક્યો હતો.
પોલીસમાં ભરતી શરૂ કરવાની માગણી સાથે એનસીપીએ યોજેલા વિરોધ-પ્રદર્શનમાં વક્તવ્ય આપતાં તેમણે કહ્યું હતું કે તાતા જેવું ગ્રુપ એના પ્રોજેક્ટ માટે અન્ય રાજ્યની પસંદગી કરે એ રાજ્ય સરકાર માટે શરમજનક બાબત કહેવાય.
જયંત પાટીલે વધુમાં કહ્યું હતું કે ‘એક પછી એક પ્રોજેક્ટ ગુજરાતમાં ખસી રહ્યા છે અને મુખ્ય પ્રધાન અને નાયબ મુખ્ય પ્રધાન મૂકપણે જોઈ રહ્યા છે. જો વેદાંત-ફૉક્સકૉન પ્રોજેક્ટ રાજ્યને મળ્યો હોત તો રાજ્યમાં પ્રત્યક્ષ કે પરોક્ષપણે ત્રણથી ચાર લાખ નોકરીઓ ઉદ્ભવી હોત.’ 
વેદાંત-ફૉક્સકૉન પછી તાતા કન્સોર્ટિયમ અને ઍરબસનો મિલિટરી ઍરક્રાફ્ટ પ્રોજેક્ટ પણ ગુજરાત જતો રહ્યો હોવાનું જણાવીને જયંત પાટીલે કહ્યું હતું કે (નવી) રાજ્ય સરકાર મહારાષ્ટ્ર કરતાં ગુજરાતને વધુ સેવા પૂરી પાડે એ માટે રાજ્યમાં નવી સરકાર લાવવાનું કાવતરું ઘડાયું હતું.

mumbai news nationalist congress party eknath shinde