શૅર-ટ્રેડિંગ કંપનીના સીઈઓએ ૯.૭૮ લાખ રૂપિયા સાઇબર ફ્રૉડમાં ગુમાવ્યા

15 October, 2022 10:36 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

સાઇબર ગઠિયાએ ક્રેડિટ કાર્ડની સાથે આખા ભારતમાં ઍરલાઇન્સમાં અલાઉન્સ ફ્રીની લાલચ આપીને સિનિયર સિટિઝન સાથે કરી છેતરપિંડી

પ્રતીકાત્મક તસવીર

પરેલમાં રહેતા ૭૩ વર્ષના સિનિયર સિટિઝન અમદાવાદની એક શૅર-ટ્રેડિંગ કંપનીના સીઈઓ છે. તેમને એક સાઇબર ગઠિયાએ ફોન કરીને નવું ક્રેડિટ કાર્ડ અને એમાં વિવિધ ઑફર આપવાની લાલચ આપી હતી. ત્યાર બાદ સાઇબર ગઠિયાએ તેમને એક ઍન્ડ્રૉઇડ મોબાઇલ મોકલાવ્યો હતો. સાઇબર ગઠિયા દ્વારા મોકલવામાં આવેલો મોબાઇલ અને ગઠિયાની વાતોમાં વિશ્વાસ કરીને સિનિયર સિટિઝને પોતાની તમામ માહિતીઓ સાઇબર ગઠિયા સાથે શૅર કરી હતી. એમાં તેમણે સાઇબર ફ્રૉડનો શિકાર બનીને ૯.૭૮ લાખ રૂપિયા ગુમાવ્યા હતા. આ ઘટનાની ફરિયાદ ભોઈવાડા પોલીસે નોંધીને તપાસ શરૂ કરી છે.

પરેલમાં એસ. એસ. રાવ રોડ પર આવેલી ગાંધી હૉસ્પિટલ નજીક રહેતા ૭૩ વર્ષના અશ્વિન વોરા અમદાવાની એક શૅર-ટ્રેડિંગ કંપનીમાં સીઈઓ છે. આ કંપનીની મેઇન ઑફિસ નરીમાન પૉઇન્ટમાં છે જ્યાં તેઓ બેસે છે. ૨૧ સપ્ટેમ્બરે સવારે ૧૧ વાગ્યે એક વ્ય​ક્તિનો તેમને ફોન આવ્યો હતો. તેણે પોતાની ઓળખ સિટી બૅન્કના ક્રેડિટ કાર્ડ ડિપાર્ટમેન્ટના અધિકારી તરીકે આપી હતી. તેણે અશ્વિનભાઈને કહ્યું હતું કે અમારી કંપની તમને બાવન લાખ રૂપિયાની લિમિટ સાથે ડાયનર્સ ક્લબનું ક્રેડિટ કાર્ડ આપી રહી છે, જેમાં તમને આખા ભારતમાં ઍરલાઇન્સમાં અલાઉન્સ ફ્રી મળશે.

આ ઑફર સારી લાગતાં અશ્વિનભાઈએ કાર્ડ જોઈએ છે એમ સામેવાળી વ્ય​ક્તિને કહ્યું હતું, એટલે સામેવાળી વ્ય​ક્તિએ અશ્વિનભાઈના મોબાઇલ પર એક લિન્ક મોકલી હતી. એ લિન્ક ખોલીને અશ્વિનભાઈએ પોતાની પાસે રહેલા એક ક્રેડિટ કાર્ડની તમામ માહિતીઓ એમાં ‍ભરી હતી. વિગતો એ લિન્કમાં ભર્યા બાદ સામેવાળી વ્ય​ક્તિએ કહ્યું હતું કે ડાયનર્સ ક્લબના ક્રેડિટ કાર્ડ માટે કોઈ ઓટીપી તમારા મોબાઇલમાં આવશે નહીં, પણ તમારે ઍપ્લિકેશનના માધ્યમથી એને ઑપરેટ કરવું પડશે. આમ કહીને તમે કયો મોબાઇલ વાપરો છો એમ સાઇબર ગઠિયાએ પૂછ્યું હતું.

ફરિયાદીએ પોતાના મોબાઇલની કંપની કહેતાં ગઠિયાએ કહ્યું હતું કે તમારે ઍન્ડ્રૉઇડ મોબાઇલની જરૂર રહેશે. ફરિયાદીએ મારી પાસે કોઈ ઍન્ડ્રૉઇડ મોબાઇલ નથી એમ કહેતાં સાઇબર ગઠિયાએ નવો મોબાઇલ મોકલવાનું કહીને ફરિયાદીની કંપની પર રિયલમીનો એક નવો મોબાઇલ મોકલી આપ્યો હતો. ૨૬ સપ્ટેમ્બરે અશ્વિનભાઈના મોબાઇલ પર ક્રેડિટ કાર્ડ ડિપાર્ટમેન્ટથી કાર્ડ દ્વારા વાપરેલા પૈસા ઈએમઆઇ પર કન્વર્ટ કરાવવાનો મેસેજ આવતાં તેમણે તમામ માહિતીઓ કાઢી હતી. એમાં તેમની સાથે છેતરપિંડી થઈ હોવાનું સામે આવતાં એની ફરિયાદ ભોઈવાડા પોલીસ સ્ટેશનમાં કરવામાં આવી હતી. 

ભોઈવાડા પોલીસ સ્ટેશનના એક સિનિયર અધિકારીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘આ ઘટનાની ફરિયાદ નોંધીને અમે તપાસ શરૂ કરી છે. ક્રેડિટ કાર્ટથી જે અકાઉન્ટમાં પૈસા ગયા છે એને અમે શોધી રહ્યા છીએ. હાલ અમને કોઈ લીડ મળી નથી.’

mumbai mumbai news cyber crime parel