મહિલાઓ માટે કરો એક મર્ડર માફ

10 March, 2025 06:56 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ પર શરદ પવારની પાર્ટીનાં નેતા રોહિણી ખડસેએ રાષ્ટ્રપતિને પત્ર લખીને કરી સ્ફોટક માગણી

રોહિણી ખડસે, રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ

આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે ગઈ કાલે નૅશનલિસ્ટ કૉન્ગ્રેસ પાર્ટી (NCP-શરદચંદ્ર પવાર)નાં મહિલા પ્રદેશાધ્યક્ષ અને ભૂતપૂર્વ વિધાનસભ્ય રોહિણી ખડસેએ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને પત્ર લખીને મહિલાઓને એક ખૂન માફ કરવા માટેની પરવાનગી આપવાની માગણી કરી હતી. આ માગણીની ખૂબ ચર્ચા થઈ રહી છે.

રોહિણી ખડસેએ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને લખેલો પત્ર તેમના સોશ્યલ મીડિયા અકાઉન્ટ પર ગઈ કાલે પોસ્ટ કર્યો હતો, જેમાં તેમણે લખ્યું હતું કે ‘આપણો દેશ શાંતિના પ્રતીક મહાત્મા બુદ્ધ અને મહાત્મા ગાંધીના દેશ તરીકે ઓળખાય છે. આમ છતાં તમારી માફી માગીને મહિલાઓને એક ખૂન માફ કરવાની માગણી કરી રહી છું. આજે ભારતમાં મહિલાઓ મોટા પ્રમાણમાં અસુરક્ષિત છે. દરેક નવા દિવસે મહિલા પર અત્યાચારની ઘટના વધી રહી છે. બે દિવસ પહેલાં જ ભારતની આર્થિક રાજધાની મુંબઈમાં ૧૨ વર્ષની એક કિશોરી પર સામૂહિક બળાત્કાર કરવામાં આવ્યો. રાષ્ટ્રપતિ મહોદયા, વિચાર કરો કે ૧૨ વર્ષની કિશોરીની કેવી સ્થિતિ થઈ હશે? તાજેતરમાં જ વર્લ્ડ પૉપ્યુલેશન રિવ્યુ સર્વે આવ્યો છે એના સમાચાર મેં વાચ્યા. આ સર્વેમાં મહિલાઓ માટે અસુરિક્ષત હોય એવા વિશ્વના વિવિધ દેશોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આ સર્વેમાં એશિયા ખંડમાં ભારત મહિલાઓ માટે સૌથી અસુરક્ષિત દેશ હોવાનું જણાવવામાં આવ્યું છે. મહિલાનું અપહરણ, મહિલા ગાયબ થવાના પ્રકાર, ઘરમાં હિંસા અને બીજી ગંભીર બાબતોનો એમાં સમાવેશ છે. આથી અમને એક ખૂન માફ કરો એવી મારી સમસ્ત મહિલા વતી માગણી છે. અમારે અત્યાચારની માનસિકતા, બળાત્કારની પ્રવૃત્તિ, નિષ્ક્રિય કાયદો અને વ્યવસ્થાનું ખૂન કરવું છે. મહોદયા, અમારા રાજ્ય કે દેશ પર સંકટ આવ્યું હતું ત્યારે મહારાણી તારારાણી, પુણ્યશ્લોક અહિલ્યાદેવી હોળકરે તલવાર ઉઠાવી હતી. તો આજે અમે સમાજ સુધારવા માટે કેમ પાછળ રહીએ? મારી માગણી પર યોગ્ય વિચાર કરીને તમે અમારી માગણી માન્ય કરશો એવી અપેક્ષા રાખું છું. મારી માગણીને માન્યતા આપશો એને આજે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની અમને સૌથી મોટી ભેટ સમજીશ. આભાર.’

ઉલ્લેખનીય છે કે રોહિણી ખડસે મહારાષ્ટ્રના વરિષ્ઠ નેતા એકનાથ ખડસેનાં પુત્રી છે. તેઓ પહેલાં ભારતીય જનતા પાર્ટીનાં વિધાનસભ્ય હતાં. બાદમાં તેઓ નૅશનલિસ્ટ કૉન્ગ્રેસ પાર્ટી (શરદચંદ્ર પવાર)માં સામેલ થયાં હતાં અને અત્યારે તેઓ પક્ષનાં મહિલા પ્રદેશાધ્યક્ષ છે. 

sharad pawar nationalist congress party maharashtra political crisis political news droupadi murmu womens day