એનસીપી રાષ્ટ્રીય પાર્ટી રહેશે કે નહીં?

22 March, 2023 11:29 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

આ બાબતે ચૂંટણીપંચ સમીક્ષા કરશે

શરદ પવાર (ફાઇલ તસવીર)

શરદ પવારની રાષ્ટ્રવાદી કૉન્ગ્રેસ પાર્ટીનો નૅશનલ પાર્ટી તરીકેનો દરજ્જો ખતરામાં છે. ચૂંટણીપંચે આ વિશે સમીક્ષા કરવાનો નિર્ણય લીધો છે અને એ આજે પાર્ટીની રજૂઆત સાંભળશે. સૂત્રો મુજબ એનસીપી હવે રાષ્ટ્રીય પક્ષના દરજ્જાની જરૂરિયાતોને સંતોષતી નથી.

કોઈ રાજકીય પક્ષને રાષ્ટ્રીય પક્ષ ત્યારે જ કહેવામાં આવે છે જ્યારે એને ચાર અથવા વધુ રાજ્યોમાં માન્યતા મળી હોય કે ઓછામાં ઓછાં ચાર રાજ્યોમાં ઓછામાં ઓછા ૬ ટકા મત મેળવ્યા હોય અથવા તો પાર્ટીએ ત્રણ રાજ્યોમાંથી લોકસભામાં ઓછામાં ઓછી બે ટકા બેઠકો જીતી હોય અથવા છેલ્લી લોકસભા ચૂંટણીમાં ઓછામાં ઓછા ચાર સંસદસભ્ય હોવા જોઈએ.
૨૦૧૪ની સંસદીય ચૂંટણી બાદ એનસીપી, માયાવતીની બેએસપી અને સીપીઆઇ પોતાનો રાષ્ટ્રીય પક્ષનો દરજ્જો ગુમાવી બેઠી હતી; પરંતુ ચૂંટણીપંચે એ સમયે હળવાશભર્યું વલણ અપનાવવાનું નક્કી કર્યું હતું અને બે ચૂંટણી સાઇકલ બાદ તેમના સ્ટેટસની સમીક્ષા કરવાનું નક્કી કર્યું હતું.

૨૦૧૯ની સામાન્ય ચૂંટણી પછી પણ એનસીપીના રાષ્ટ્રીય પાર્ટીના દરજ્જા વિશે પ્રશ્ન ઊભો થયો હતો, પણ કમિશને આવતી વિધાનસભા ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને યથાસ્થિતિ જાળવી રાખવાનો નિર્ણય કર્યો.

સિમ્બૉલ્સ ઑર્ડર ૧૯૬૮ હેઠળ જો એનસીપી રાષ્ટ્રીય દરજ્જો ગુમાવે તો એ પોતાના ચૂંટણી-ચિહ્‍નનો ઉપયોગ માત્ર એવાં રાજ્યોમાં જ કરી શકશે જ્યાં એને રાજ્ય પક્ષ તરીકે માન્યતા આપવામાં આવી છે.

ચૂંટણીપંચે ૨૦૧૬માં રાષ્ટ્રીય પક્ષના દરજ્જાની સમીક્ષા માટેના નિયમોમાં ફેરફાર કરીને એનો સમયગાળો પાંચની જગ્યાએ દસ વર્ષ કર્યો છે.

mumbai mumbai news nationalist congress party sharad pawar