29 December, 2025 07:29 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
અજીત પવાર અને શરદ પવાર
પુણેમાં મ્યુનિસિપલ ઇલેક્શનમાં નૅશનલિસ્ટ કૉન્ગ્રેસ પાર્ટી (NCP)ના અજિત પવાર અને શરદ પવારનાં ગ્રુપ સાથે મળીને લડી શકે છે એ વાતો અફવા સાબિત થઈ છે એટલું જ નહીં, શરદ પવારનું ગ્રુપ અલગથલગ પડવાની ચર્ચાએ પણ જોર પકડ્યું હતું.
આ પહેલાં મહાવિકાસ આઘાડી (MVA)ના નેતાઓની બેઠકોમાં સીટ-શૅરિંગ ફૉર્મ્યુલા નક્કી થઈ ગઈ હોવાના અહેવાલો સામે આવ્યા હતા, પણ સાંજ સુધીમાં એનું પણ સૂરસૂરિયું થઈ ગયું હતું. પુણે મ્યુનિસિપલ કૉર્પોરેશનમાં ૧૬૫ બેઠકો છે જેમાંથી કૉન્ગ્રેસ, શિવસેના (UBT) અને શરદ પવારના નેતૃત્વવાળી NCP (SP) ૫૦-૫૦-૫૦ બેઠકો પર ચૂંટણી લડી શકે છે અને મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાને શિવસેનાના ક્વોટામાંથી એકાદ સીટ આપવામાં આવશે એવા પણ અહેવાલ સામે આવ્યા હતા. જોકે બપોરની MVAની બેઠકમાં NCP (SP)ના નેતાઓ હાજર નહોતા રહ્યા એટલે ફરી નવી ચર્ચાએ જોર પકડ્યું હતું. કૉન્ગ્રેસના નેતાએ એવો આરોપ મૂક્યો હતો કે NCP (SP)ના નેતાઓ મીટિંગમાં પણ નહોતા પહોંચ્યા અને તેમના ફોન પણ રિચેબલ નહોતા. હવે તેમને કોઈ ભરોસો નથી કે તે લોકો પાછા આવશે કે નહીં. અમે આ જ રાત સુધી તેમની રાહ જોઈશું, નહીં તો અમારો પ્લાન-બી તૈયાર જ છે.
બીજી તરફ પુણેમાં BJP અને એકનાથ શિંદેના નેતૃત્વવાળી શિવસેનાએ યુતિમાં મ્યુનિસિપલ ચૂંટણી લડવાની જાહેરાત કરી છે, પણ બન્ને પાર્ટી વચ્ચે સીટ-શૅરિંગ મુદ્દે વિવાદ ચાલી રહ્યો હોવાના અહેવાલ છે.
એકનાથ શિંદેના ભાણેજ અજિત પવારની NCPમાં જોડાયા
મુંબઈમાં નાયબ મુખ્ય પ્રધાન એકનાથ શિંદેને મોટો આંચકો લાગ્યો છે. તેમના ભાણેજ આશિષ માને અજિત પવારના નેતૃત્વવાળી નૅશનલિસ્ટ કૉન્ગ્રેસ પાર્ટી (NCP)માં જોડાયા હોવાનું જાણવા મળ્યું હતું. NCPએ ચાંદિવલી મતવિસ્તારના વૉર્ડ-નંબર ૧૫૯માં આશિષ માનેને મેદાનમાં ઉતારવાનો નિર્ણય લીધો છે. ભારતીય જનતા પાર્ટી (BJP)નાં ભૂતપૂર્વ મહાસચિવ નેહા રાઠોડને પણ NCPએ પોતાની પાર્ટીમાં લઈને મેદાનમાં ઉતારવાનો નિર્ણય લીધો છે.