સીરમ ઇન્સ્ટિટ્યૂટની આગ એક અકસ્માત: શરદ પવાર

23 January, 2021 11:31 AM IST  |  Pune | Gujarati Mid-day Correspondent

સીરમ ઇન્સ્ટિટ્યૂટની આગ એક અકસ્માત: શરદ પવાર

શરદ પવાર

ગયા ગુરુવારે પુણેની સીરમ ઇન્સ્ટિટ્યૂટમાં આગ લાગવાનું કારણ જાણવા માટે દુર્ઘટનાની તપાસ ત્રણ સરકારી એજન્સીઝ હાથ ધરશે. એ દુર્ઘટનામાં પાંચ કર્મચારીઓ મૃત્યુ પામ્યા હતા. તપાસ હાથ ધરનારી સરકારી એજન્સીઝમાં પુણે મ્યુનિસિપલ કૉર્પોરેશન (પીએમસી), પુણે મેટ્રોપૉલિટન રીજન ડેવલપમેન્ટ ઑથોરિટી (પીએમઆરડીએ) અને મહારાષ્ટ્ર ઇન્ડસ્ટ્રિયલ ડેવલપમેન્ટ કૉર્પોરેશન (એમઆઇડીસી) સંયુક્ત રીતે તપાસ કરશે. તપાસમાં સ્થાનિક ફાયરબ્રિગેડનું તંત્ર પણ જોડાયેલું રહેશે. ગુરુવારે બપોરે લગભગ પોણાત્રણ વાગ્યે લાગેલી આગમાં કૉન્ટ્રૅક્ટ પર કામ કરતા પાંચ કર્મચારીઓ મૃત્યુ પામ્યા હતા.

દરમ્યાન રાજ્યના સત્તાધારી મહાવિકાસ આઘાડીના ઘટક પક્ષ રાષ્ટ્રવાદી કૉન્ગ્રેસના પ્રમુખ શરદ પવારે પુણેની સીરમ ઇન્સ્ટિટ્યૂટમાં ગયા ગુરુવારે લાગેલી આગને ‘અકસ્માત’ ગણાવતાં સીરમ ઇન્સ્ટિટ્યૂટના વિજ્ઞાનીઓની સક્ષમતા બાબતે કોઈ શંકા નહીં હોવાનું જણાવ્યું હતું. કોલ્હાપુર ખાતે પત્રકારો જોડે વાતચીત દરમ્યાન સીરમ ઇન્સ્ટિટ્યૂટમાં આગ લાગવાની દુર્ઘટનામાં ભાંગફોડિયા પ્રવૃત્તિની શંકા છે કે નહીં એવા સવાલના જવાબમાં શરદ પવારે જણાવ્યું હતું કે એવી કોઈ શક્યતા જણાતી નથી.

mumbai mumbai news sharad pawar pune