મહિલાઓ, તમે જે બ્યુટી પ્રોડક્ટ્સ વાપરો છો એ એક્સપાયર થઈ ગયેલી તો નથીને?

28 September, 2022 12:23 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

મુંબઈમાં જુદી-જુદી જગ્યાએ આવી પ્રોડક્ટ્સ વેચવાનું કૌભાંડ પકડાયું : ૩.૨૮ કરોડ રૂપિયાનો માલ જપ્ત કરવામાં આવ્યો

પ્રતીકાત્મક તસવીર


મુંબઈ ઃ એક્સપાયરી ડેટ વટાવી ચૂકેલી બ્યુટી પ્રોડક્ટ્સ કૉસ્મેટિક્સ ઓછા ભાવે આયાત કરી એના પરની એક્સપાયરી ડેટ બદલીને એ પ્રોડક્ટ્સ ક્રૉફર્ડ માર્કેટ, ગોરેગામ અને ખારમાં વેચાતી હોવાની માહિતી ક્રાઇમ બ્રાન્ચ યુનિટ-૧૧ (કાંદિવલી)ના ઑફિસરને મળી હતી. એ પછી ક્રાઇમ બ્રાન્ચ યુનિટ-૮ અને ક્રાઇમ બ્રાન્ચ યુનિટ-૧૨ (દહિસર)ની મદદ લઈને અલગ-અલગ ટીમ બનાવાઈ હતી. મંગળવારે એકસાથે સવારથી જ એ ટીમ ગોરેગામ અને દાણાબંદર,  ક્રૉફર્ડ માર્કેટમાં ત્રાટકી હતી અને કોરોડો રૂપિયાનો માલ સીઝ કર્યો હતો. આ માલ મુંબઈની મોટી બ્યુટી શૉપમાં વેચાતો હતો. એમાં વિવિધ કૉસ્મેટિક ક્રીમ સાથે હેરકલરનો પણ મોટો જથ્થો હતો. આમાં કુલ ૩,૨૮,૦૭,૧૧૧ રૂપિયાનો માલ જપ્ત કરવામાં આવ્યો હતો. એક્સપાયરી ડેટ બદલેલો અને તારીખ લંબાવેલો એ માલ સુપર શૉપિંગ કૉમ્પ્લેક્સ, અબ્દુલ રહેમાન સ્ટ્રીટ, ક્રૉફર્ડ માર્કેટ; બ્યુટી સેન્ટર, શેખ મેમણ સ્ટ્રીટ; ધ બ્યુટી શૉપ, ઓમ ટાવર, એસ. વી. રોડ, કાંદિવલી-વેસ્ટ; ફર્સ્ટ બ્યુટી, નિર્મલ કુંજ, એમ. જી. રોડ, ઘાટકોપર-ઈસ્ટમાંથી જપ્ત કરવામાં આવ્યો હતો. 
 આ કેસમાં એક્સપાયરી ડેટ વટાવી ચૂકેલો માલ જ્યાં કમ્પ્યુટરની મદદથી બદલાવી એમાં ચેન્જિસ થતો હતો એ ગોડાઉનના ૩૯ વર્ષના મૅનેજરની ધરપકડ થઈ છે, જ્યારે એ કરાવનાર બ્યુટી શૉપના માલિક ૭૮ વર્ષના યાકુબ ઉસ્માન કાપડિયાને નોટિસ મોકલાવીને તપાસ માટે હાજર રહેવાનું કહેવાયું છે. કેસની વધુ તપાસ કાંદિવલીની ક્રાઇમ બ્રાન્ચ-૧૧ના ઑફિસર કરી રહ્યા છે.  

mumbai news