ઝાડ બચાવો, ગૌશાળામાં છાણમાંથી બનાવેલી સ્ટિક વાપરીને પ્રગટાવો હોળી

05 March, 2023 07:36 AM IST  |  Mumbai | Prakash Bambhrolia

મુંબઈમાં આવી જાગૃતિ વધી રહી છે અને ૧૦૦થી વધુ સ્થળોએ ગૌશાળાઓમાં છાણમાંથી છાણાં અને સ્ટિક વાપરી હોળી પ્રગટાવાશે : મુંબઈ સહિત આસપાસ હોળીના આયોજકોએ મોટા પાયે ઝાડ કાપવાનું ટાળીને આની મોટા પાયે ખરીદી કરી છે

આ વર્ષે ભરપૂર ઑર્ડર મળતાં ભાઈંદરની ગૌશાળામાં છાણમાંથી બનતી સ્ટિકનું મોટા પાયે ઉત્પાદન કરવામાં આવ્યું છે.

મુંબઈ : આવતી કાલે હોળી છે અને આ સમયે મુંબઈ સહિત આસપાસના વિસ્તારોમાં સેંકડોની સંખ્યામાં હોળીદહનનું આયોજન દર વર્ષની જેમ કરાયું છે. લાકડાં કે બીજા પ્રકારના કચરાને સળગાવવાથી પર્યાવરણને ભારે નુકસાન પહોંચતું હોય છે એને ધ્યાનમાં રાખીને લોકો હવે હોળીદહનમાં ઓછું પ્રદૂષણ થાય એ માટે પ્રયાસ કરતા જોવા મળી રહ્યા છે. મુંબઈના વરલી, બાંદરા, કાંદિવલી અને બોરીવલી સહિતના લોકોએ આ વખતે ભાઈંદરમાં આવેલી કેશવસૃષ્ટિ ખાતેની ગૌશાળામાં તૈયાર કરાતી છાણની સ્ટિક ખરીદી હોવાનું જાણવા મળ્યું છે. લોકોના આ ઉત્સાહથી ૧૦ ટન લાકડાં આ વખતની હોળીમાં સળગતાં બચી જવાની શક્યતા છે. પર્યાવરણ નિષ્ણાતોના મતે લાકડાં કે બીજી વસ્તુઓને સળગાવવાથી થતા પ્રદૂષણના પ્રમાણમાં છાણાં કે છાણની સ્ટિકના સળગવાથી પર્યાવરણને ઓછું નુકસાન થાય છે અને હવા શુદ્ધ થાય છે. આ સિવાય મુંબઈમાં છેલ્લા કેટલાક સમયમાં પ્રદૂષણનું પ્રમાણ દિલ્હી કરતાં પણ ખરાબ થઈ ગયું છે એને ધ્યાનમાં રાખીને લોકો વૃક્ષો ન કાપે એ માટે મુંબઈ પોલીસ અને બીએમસીએ અપીલ કરી છે અને કોઈ નિયમનો ભંગ કરશે તો તેની સામે કાર્યવાહી કરવાની ચીમકી પણ આપી છે.

ભાઈંદર-પશ્ચિમમાં કેશવસૃષ્ટિ ખાતેની ગૌશાળામાં છેલ્લાં કેટલાંક વર્ષથી અહીં રાખવામાં આવેલી ૨૫૦ ગાયના છાણમાંથી એક કિલો વજનની એકથી દોઢ ફીટ લાંબી સ્ટિક બનાવવામાં આવે છે. આ ગૌશાળામાં આવી સ્ટિક બનાવવા માટેનું એક મશીન મૂકવામાં આવ્યું છે, જેની મદદથી ગૌશાળાના કર્મચારીઓ છાણમાંથી સ્ટિક બનાવે છે. એટલું જ નહીં, છાણમાંથી તેઓ છાણાં પણ બનાવે છે. અગાઉના વર્ષની સરખામણીએ આ વર્ષે આ ગૌશાળામાં છાણાં અને છાણની સ્ટિકની સારીએવી ડિમાન્ડ નીકળી હોવાનું જાણવા મળ્યું હતું.

૧૦૦થી વધુ ઇકો-ફ્રેન્ડ્લી હોળી

ગૌશાળાના સંચાલક ડૉ. સુશીલ અગરવાલે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘ગૌશાળામાંથી નીકળતા ગાયના છાણનો ખાતર તરીકે ઉપયોગ કરવાની સાથે અમે અહીં છાણમાંથી છાણાં અને સ્ટિક બનાવીએ છીએ. પહેલાં અમુક સ્ટિકોનું વેચાણ થતું હતું, પરંતુ આ વર્ષે મુંબઈના વરલીથી લઈને બોરીવલીમાં રહેતા લોકોએ અમને મોટા પ્રમાણમાં છાણાં અને સ્ટિકના મોટા ઑર્ડર આપ્યા છે એટલે અગાઉ કરતાં અનેકગણું ઉત્પાદન કર્યું છે. ૧૦ રૂપિયામાં છાણાં અને ૧૫ રૂપિયામાં છાણની સ્ટિક વેચવામાં આવે છે. પર્યાવરણને ઓછું નુકસાન થાય અને ગૌશાળામાંથી નીકળતા છાણનો ઉપયોગ હવાની શુદ્ધિ માટે થાય એ માટે અમે આવી શરૂઆત કરી છે. અમને આનંદ છે કે આ વર્ષે તો અમારી જેમ વસઈ, વિરાર અને પાલઘર સુધીની ગૌશાળાઓએ પણ આવી સ્ટિક બનાવી છે. એક હોળી માટે ૧૦૦થી ૨૦૦ સ્ટિક કે છાણાંની જરૂર રહે છે. આવી રીતે અત્યાર સુધી ૨૦ ટનથી વધુ છાણાં અને સ્ટિકનું વેચાણ થયું છે. આ વખતે ૧૦૦ જેટલી હોળીમાં આ છાણાં અને સ્ટિકનો ઉપયોગ થશે. એક અંદાજ મુજબ આનાથી ૧૦ ટન લાકડાં બચશે.’

પર્યાવરણ-પ્રદૂષણને ઓછું નુકસાન થાય છે

પર્યાવરણપ્રેમી અને લોનાવલામાં ઑર્ગેનિક ખેતી કરતાં ભાવના શેણોયે આ વિશે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘લાકડાં, વૃક્ષનાં સૂકાં પાંદડાં-ડાળો અને કચરાના દહનના પ્રમાણમાં છાણાં કે સ્ટિકના સળગવામાં ઘણો ફરક છે. પહેલા પ્રકારના દહનથી ધુમાડાની સાથે મોટા પ્રમાણમાં કાર્બન ડાયોક્સાઇડ બને છે, જે પર્યાવરણ માટે હાનિકારક છે. આની સામે છાણાં કે સ્ટિકને સળગાવીએ તો કાર્બન ડાયોક્સાઇડ તો બને છે, પણ એની માત્રા ઓછી હોય છે અને હવામાં રહેલા સૂક્ષ્મ જંતુઓનો નાશ થાય છે. આથી પ્રદૂષણમાં ઘટાડો થાય છે. મારા મતે છાણની સ્ટિકને બદલે છાણાંને સળગાવવાં ઉત્તમ છે. કોરોના મહામારીએ લોકોમાં પર્યાવરણ અને પ્રદૂષણ બાબતે જાગૃતિ લાવી છે એટલે અસંખ્ય લોકો હવે લાકડાં, સૂકાં પાંદડાં કે બીજા કચરાને સળગાવવાને બદલે છાણાં કે પર્યાવરણને નુકસાન ન કરે એવી વસ્તુઓ તરફ વળ્યા છે.’

પોલીસ-બીએમસી કાર્યવાહી કરશે

મુંબઈમાં છેલ્લા કેટલાક સમયથી પ્રદૂષણના પ્રમાણમાં વધારો થયો છે એટલે આ વખતની હોળીમાં વૃક્ષોને કાપીને પર્યાવરણને નુકસાન ન પહોંચે એ માટે મુંબઈ બીએમસી અને પોલીસે લોકોને વૃક્ષ ન કાપવાની અપીલ કરવાની સાથે કોઈ વૃક્ષો કાપશે તો તેમની સામે કાર્યવાહી કરવાની ચીમકી આપી છે. ટ્રી પ્રોટેક્શન ઍક્ટ અંતર્ગત નિયમનો ભંગ કરનારાને ૧,૦૦૦થી ૫,૦૦૦ રૂપિયાનો દંડ અથવા એક વર્ષની જેલની સજા થઈ શકે છે. હવે લોકો આ અપીલ અને ચીમકીને કેટલી ગંભીરતાથી લે છે એ જોવું રહ્યું.

10

આ પહેલને લીધે મુંબઈ અને આસપાસના વિસ્તારોમાં આટલા ટન લાકડાંની બચત થશે

mumbai mumbai news holi