13 July, 2024 11:34 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
મુંબઈમાં ગુરુવારે રાતે વરસાદે જોરદાર બૅટિંગ કરી હતી, શુક્રવારે સવારે જ્યારે લોકો ઊઠ્યા ત્યારે અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયાં હતાં. હવામાન ખાતાના જણાવ્યા અનુસાર સાંતાક્રુઝમાં સૌથી વધુ ૧૧૫.૮ મિલીમીટર વરસાદ નોંધાયો હતો, જ્યારે ભાયખલામાં ૧૦૦.૫, માંટુગામાં ૯૯ અને મુંબઈ ઍરપોર્ટ પર ૭૧.૫ મિલીમીટર વરસાદ નોંધાયો હતો.
રાતે પડેલા ભારે વરસાદને કારણે થોડો વખત સેન્ટ્રલ રેલવેની ટ્રેનોને પણ અસર થઈ હતી અને વહેલી સવારે મોડી દોડી રહી હતી. જોકે એ પછી વરસાદ થંભી ગયો હતો અને ત્યા બાદ ઝડપથી પાણી ઓસરવા માંડતાં મુંબઈગરાને પીક અવર્સમાં હાડમારી ભોગવવી નહોતી પડી. જોકે વેસ્ટર્ન સબર્બ્સના અંધેરી અને મલાડ સબ-વેમાં પાણી ભરાઈ ગયાં હતાં.
હવામાન ખાતાએ મુંબઈ સહિત પાલઘર, થાણે, રાયગડ, રત્નાગિરિ અને સિંધુદુર્ગ જિલ્લામાં આજ માટે ઑરેન્જ અલર્ટ જાહેર કરી છે એટલે આજે પણ વરસાદની ધુંઆધાર બલ્લેબાજી જોવા મળે તો નવાઈ નહીં.
બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન (BMC)ના જણાવ્યા મુજબ ગુરુવારે રાતે ૩.૩૦ વાગ્યે ભરતી હતી અને એ વખતે ૩.૩ મીટર ઊંચાં મોજાં પણ ઊછળ્યાં હતાં અને સાથે જ જોરદાર વરસાદ પણ હતો. એમ છતાં નીચાણવાળા વિસ્તારમાં જે પાણી ભરાયાં હતાં એનો ઝડપથી નિકાલ પણ થઈ રહ્યો હોવાથી બહુ વાંધો આવ્યો નહોતો. સિટીમાં ઍવરેજ ૯૩, ઈસ્ટર્ન સબર્બ્સમાં ૬૬ અને વેસ્ટર્ન સબર્બ્સમાં ૭૯ મિલીમીટર વરસાદ નોંધાયો હતો. અત્યાર સુધીમાં મુંબઈમાં ૬૮૦ મિલીમીટર વરસાદ નોંધાયો છે જે જુલાઈ મહિનાના ઍવરેજ ૮૫૫.૭ મિલીમીટર વરસાદનો ૮૦ ટકા વરસાદ છે.