હવે સેન્ટ્રલ રેલવેમાં સૅન્ડહર્સ્ટ રોડ સ્ટેશન પાસે પાણી નહીં ભરાય

22 July, 2021 09:21 AM IST  |  Mumbai | Rajendra B Aklekar

...કારણ કે વરસાદના પાણીનો નિકાલ કરવા માટે જરૂરી ૪૧૫ મીટરની માઇક્રો ટનલનું કામ સફળતાપૂર્વક પૂરું કરવામાં આવ્યું છે

ભારે વરસાદને કારણે સૅન્ડહર્સ્ટ રોડ સ્ટેશન પરની અન્ડરગ્રાઉન્ડ ટનલ પાણીને ભરાતું અસરકારક અટકાવી શકાય એવી વ્યવસ્થા હવે કરવામાં આવી છે.

ભારે વરસાદ વચ્ચે સેન્ટ્રલ રેલવેએ બુધવારે સવારે સૅન્ડહર્સ્ટ રોડ ખાતેની એની સૌથી મોટી અન્ડરગ્રાઉન્ડ માઇક્રો ટનલનું કામ પૂરું થયું હોવાની જાહેરાત કરી હતી. તે ભરાયેલા પાણીના નિકાલ માટે આઇઆઇટી મુંબઈ દ્વારા ડિઝાઇન કરેલી અન્ડરગ્રાઉન્ડ ડ્રેનેજ સિસ્ટમ છે.
નાળાં અને ડ્રેઇન્સની હાલની સિસ્ટમ પૂરતી ન હોવાથી પાણી ભરાતાં હતાં. આ નવી સિસ્ટમથી દક્ષિણ મુંબઈના પાટાઓ પર પાણી ભરાવાની સમસ્યામાંથી છુટકારો મળશે.
સેન્ટ્રલ રેલવેના ચીફ પબ્લિક રિલેશન્સ ઑફિસર શિવાજી સુતારે જણાવ્યું હતું કે ‘સૅન્ડહર્સ્ટ રોડ સ્ટેશન ખાતે પાણી ભરાવાની સમસ્યા દૂર કરવા માટે ત્યાં ૪૧૫ મીટરનું માઇક્રો-ટનલિંગનું કામ સલામત રીતે અને સફળપણે પાર પાડવામાં આવ્યું હતું. એમાં માઇક્રો-ટનલિંગના કાર્ય વ્યવસ્થિત થઈ શકે એ માટે સાત જગ્યાએ ખાડા પાડવામાં આવ્યા હતા. કાર્ય દરમિયાન શેડ્ઝ, પિટ-લાઇન્સ, હેવી પાવર કેબલ્સ, સ્ટૉર્મવૉટર પાઇપલાઇન, ભારે શિલાઓ વગેરેને લગતાં વિઘ્નો દૂર કરવામાં આવ્યાં હતાં.’ 
રેલવે અધિકારીઓના જણાવ્યા પ્રમાણે આ કાર્ય મૂળ બીએમસીના સહનિર્દેશન અને ભંડોળ સાથે ૨૦ માર્ચ, ૨૦૨૧માં હાથ ધરાયું હતું. ૨૦૧૭માં આ પ્રોજેક્ટનો વિચાર સ્ફૂર્યો ત્યારે આઇઆઇટી બૉમ્બેને પણ કન્સલ્ટ કરાઈ હતી. સર્વેના આધારે માલૂમ પડ્યું હતું કે નાળાં શહેરની ડ્રેઇન્સના સમાન લેવલ પર ન હોવાથી એમને પહોળાં કરવાનો પડકાર હતો. આ પટ્ટા પર ડ્રેઇન્સ ખોદવાની અને સાફ કરવાની હાલની પદ્ધતિથી લોકલ ટ્રેનની સર્વિસ પ્રભાવિત થાય એવી શક્યતા હતી અને તે હંમેશાં કાર્યક્ષમ નીવડતી નહોતી.
કુર્લા અને વિદ્યાવિહાર વચ્ચે, પનવેલ અને કર્જત વચ્ચે, વડાલા અને રવલી પૉઇન્ટ, તિલકનગર, બદલાપુર અને વાંગાની વચ્ચેની લાઇન જેવાં પાંચ અન્ય સ્થળોએ પણ આ પ્રકારનું કામ કરવામાં આવ્યું છે.

Mumbai mumbai news rajendra aklekar