ધારાવીમાં RSSના કાર્યકરની પોલીસ-પ્રોટેક્શન હોવા છતાં પેટમાં તલવાર મારીને કરપીણ હત્યા

30 July, 2024 12:15 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

જીવ ગુમાવનાર અરવિંદ વૈશ્યએ આરોપીઓ લૅન્ડ જેહાદ કરતા હોવાની ફરિયાદ કરી હતી

અરવિંદ વૈશ્ય

ધારાવીમાં રાજીવ ગાંધી નગરમાં રવિવારે રાત્રે ૨૬ વર્ષના અરવિંદ વૈશ્ય નામના રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ના કાર્યકર પર બે લોકોએ પોલીસની હાજરીમાં તલવારથી હુમલો કરીને હત્યા કરવાની ચોંકાવનારી ઘટના બની હતી. આરોપીઓ ધારાવીમાં જમીન કબજો કરીને લૅન્ડ જેહાદ કરતા હોવાની ફરિયાદ જીવ ગુમાવનારા અરવિંદ વૈશ્યએ ધારાવી પોલીસ-સ્ટેશનમાં કરી હતી. ફરિયાદ બાદ તેને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી. આને લીધે રવિવારે અરવિંદ વૈશ્ય પોલીસ-સ્ટેશનમાં ગયો હતો જ્યાં પોલીસે તેને પ્રોટેક્શન આપવા માટે બે કૉન્સ્ટેબલને સાથે રહેવાનું કહ્યું હતું. રવિવારે રાત્રે અરવિંદ વૈશ્ય રસ્તા પરથી જઈ રહ્યો હતો ત્યારે તેના પર આરિફ અને અલ્લુ નામના બે યુવકે કૉન્સ્ટેબલની નજર સામે તલવારથી હુમલો કર્યો હતો. આ હુમલામાં ગંભીર રીતે ઘાયલ થતાં બાદમાં અરવિંદ વૈશ્યનું મૃત્યુ થયું હતું. ગઈ કાલે પોલીસે આ મામલામાં બન્ને આરોપીની ધરપકડ કરી હતી.

પોલીસ-પ્રોટેક્શનમાં હોવા છતાં હત્યા કરવામાં આવતાં ગઈ કાલે વિશ્વ હિન્દુ પરિષદ (VHP) અને બજરંગ દળના કાર્યકરોએ ધારાવી પોલીસ-સ્ટેશનમાં વિરોધ-પ્રદર્શન કર્યું હતું. VHPના વિભાગ મંત્રી રાજીવ ચૌબેએ કહ્યું હતું કે ‘ગેરકાયદે બાંધકામ કરનારાઓ સામે અરવિંદે ફરિયાદ નોંધાવી હતી એટલે તેને પહેલાં ધમકી આપવામાં આવી હતી અને બાદમાં તેની પોલીસના પ્રોટેક્શનમાં હોવા છતાં તલવારથી હુમલો કરીને હત્યા કરવામાં આવી હતી. આ લોકોની હિંમત તો જુઓ. આરોપીઓને સખતમાં સખત સજા થવી જોઈએ. સાત લોકોએ હુમલો કર્યો હતો, પણ પોલીસે બેની જ ધરપકડ કરી છે. બાકીના આરોપીઓની પણ વહેલી તકે ધરપકડ થવી જોઈએ અને જીવ ગુમાવનારા અરવિંદ વૈશ્યના પરિવારને વળતર મળવું જોઈએ.’

rashtriya swayamsevak sangh dharavi murder case Crime News mumbai crime news mumbai mumbai news